Gujarat

ગુજરાતમાં 7 મેએ મતદાન: વિધાનસભાની આ બેઠકો પર પેટા ચૂંટણી પણ સાથે જ થશે

નવી દિલ્હી: ચૂંટણી પંચે (Election Commission) ગુજરાત (Gujarat) સહિત દેશમાં લોકસભાની ચૂંટણી 2024ની (Loksabha Election 2024) તારીખ જાહેર કરી છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાશે, જેમાં 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે, જ્યારે 26 એપ્રિલે બીજા તબક્કા હેઠળ 89 બેઠકો પર મતદાન થશે. તેવી જ રીતે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 12 રાજ્યોની 94 બેઠકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચોથા તબક્કામાં 13 મેના રોજ 96 બેઠકો પર,20 મેના રોજ પાંચમા તબક્કામાં 49 બેઠકો પર, છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ 57 બેઠકો પર જ્યારે સાતમા અને છેલ્લા તબક્કામાં 1 જૂને 57 બેઠકો પર મતદાન થશે.

ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે. આ સાથે જ ગુજરાતની પોરબંદર, માણાવદર, વિજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. આશ્ચર્યજનક રીતે ચૂંટણી પંચે વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી જાહેર નથી કરી.

ઉમેદવારીપત્રક ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ
મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા ચૂંટણીનું શિડ્યુલ જાહેર કરતાંની સાથે જ ગુજરાત લોકસભા ચૂંટણી કાર્યક્રમની વિગતો બહાર આવી છે. ગુજરાતમાં ચૂંટણીનું જાહેરનામું 12 એપ્રિલે પ્રસિદ્ધ થશે. ઉમેદવારીપત્રક ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ રહેશે. 7મીએ મતદાન થશે.

તમામ 26 બેઠકો પર મોટી લીડ સાથે જીતીશું: સી.આર. પાટીલ
દરમિયાન ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિવેદન આપ્યું છે કે તમામ 26 બેઠકો પર ભાજપની મોટી લીડ સાથે જીત થશે. મોદી સરકારે પાછલા પાંચ વર્ષના કાર્યકાળમાં 370 કલમ, રામ મંદિર જેવા અનેક મોટા કાર્યો કર્યા છે. પાટીલે વધુમાં કહ્યું કે, પાછલી બે ચૂંટણીમાં ભાજપ 26 બેઠકો જીત્યું છે અને હવે ત્રીજી વખત પણ તમામ બેઠકો જીતીશું. આ સાથે વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે રજૂઆત કરવામાં આવશે એમ પણ પાટીલે ઉમેર્યું હતું.

Most Popular

To Top