નવસારી : કહેવા માટે તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ રોજ રાજ્યમાં લાખો કરોડોના દારૂની હેરફેર અને ખરીદ વેચાણ થતું રહે છે. પોલીસ પણ લગભગ રોજ દારૂ પકડે છે છતાં ખેપિયાઓ સુધરતા નથી. નવસારી ગ્રામ્ય પોલીસે ફરી એકવાર બોરીયાચ ટોલનાકા પરથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.
નેશનલ હાઈવે નં.48 ઉપર નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે બોરીયાચ ટોલનાકા પાસેથી રૂ.37.02 લાખના વિદેશી દારૂ ભરેલા ટેન્કર સાથે બેને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નં.48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી એક ટાટા કંપનીનો 18 ટાયર વાળા ટેન્કર નં.(જીજે-02-ઝેડ-3861)ને રોકી તપાસ કરી હતી. જે ટેન્કરના ચોરખાનામાંથી રૂ.37.02 લાખના વિદેશી દારૂની 6,540 નંગ બાટલીઓ મળી આવતા રાજસ્થાનના સાંચોર તાલુકાના ખારા ગામ ગોગલા ધાણી નારાયણરામ મુલારામ છોગાજી ખારા અને રાજસ્થાનના સંચોર તાલુકાના લીયાદરા ખેતકી ધાણીમાં રહેતા રીડમલરામ ઈશારામ કુલાજી બિશ્નોઈને ઝડપી પાડ્યા હતા.
પોલીસે નારાયણરામ અને રીડમલરામની પૂછપરછ કરતા રાજસ્થાનના સાંચોર તાલુકાના સરનવ ગામે રહેતા ગણપત વનારામ બિશ્નોઈએ વિદેશી દારૂનો જથ્થો ભરાવ્યો હતો અને એક અજાણ્યો ઇસમ પંજાબ પટિયાલા હાઈવે ઉપર આવેલા ધાબા ઉપરથી ટેન્કર લઈ જઈ તેમાં દારૂનો જથ્થો ભરી મૂકી ગયો હતો. તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરેલું ટેન્કર વડોદરા નેશનલ હાઈવે નં.48 તથા એક્સપ્રેસ હાઈવેના સર્વિસ રોડ ઉપરથી એક અજાણ્યો ઇસમ લઈ જવાનો હોવાનું કબુલ્યું હતું.
જેથી પોલીસે ગણપતભાઈ અને અન્ય બે અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 30 લાખનો ટેન્કર, 5 હજાર રૂપિયાનો મોબાઈલ અને રોકડા 17,240 રૂપિયા મળી કુલ્લે 67,24,240 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.