રોજ રાત્રે રાઘવ થાકેલો પાકેલો ઓફિસેથી આવે, ગમે તેટલું મોડું થયું રાઘવ હાથપગ મોઢું ધોઈને જમવા બેસે અને જમીને રોજ રાત્રે પોતાના પિતા સાથે ગેલેરીમાં બેસીને વાતો કરે અને વાતો કરતાં કરતાં પિતાની જે ઈચ્છા હોય તે પ્રમાણે ક્યારેક ચા તો ક્યારેક આઈસ્ક્રીમની મજા તેઓ માણે. રાઘવના પપ્પા રીટાયર ઓફિસર હતા. તેઓ પોતાની જૂની જૂની વાતો યાદ કરે ….કયારેક બંને રાઘવના બાળપણની વાતો કરે તો ક્યારેક બે વર્ષ પહેલાં ગુજરી ગયેલી પત્નીને યાદ કરી પપ્પા રડે તો રાઘવ તેમના આંસુ લૂછે.બાપ દીકરાની આ રાતની આ બેઠક કયારેય ન થાય તેવું બને જ નહિ.
આખો દિવસ કામ કરી રાઘવ થાક્યો હોય તો પણ પપ્પા વાતો કરતાં થાકે નહીં ત્યાં સુધી તે વાતો કરતો બેસે જ.રાઘવની પત્ની સિયાને આ રીત ઓછી પસંદ હતી.આમ તે ખૂબ જ સંસ્કારી અને વ્યવહારુ હતી. ઘરની બધી જ જવાબદારી અને સસરાને તથા બાળકોને બરાબર સાચવતી.પણ તેને મનમાં કચવાટ થતો કે આ શું મારી સાથે સમય પસાર કરવાને બદલે રાઘવ પપ્પા સાથે જ વધુ સમય પસાર કરે છે.સિયાને રાઘવ પોતાના પપ્પા સાથે વાતો કરે તેની સામે વાંધો ન હતો, પણ રોજ મોડી રાત સુધી વાતો કરતા બેસવાનું…તેમની જૂની જૂની…એકની એક વાતો સાંભળતાં રહેવાનો શો અર્થ હતો તે તેને સમજાતું ન હતું.
એક દિવસ સીયાએ હિંમત કરી મનની વાત રાઘવને કહી કે, ’તારી પાસે તો મારી સાથે વાતો કરવાનો સમય જ નથી. ઓફિસેથી આવે છે પછી પણ તું પપ્પા સાથે જ વાતો કરે છે…’રાઘવ તેની પાસે આવ્યો અને વ્હાલથી ભેટ્યો પછી બોલ્યો, ‘મારો સમય કે મારી વાતો શું હું તો આખો જ તારો છું.પણ તને ખબર છે હું પપ્પા સાથે વાતો કરું છું તેમાં મારો જ ફાયદો છે…આ એક એવો ફાયદાકારક સોદો છે, જેમાં માત્ર થોડો સમય આપીને પપ્પાનાં વર્ષોના અનુભવમાંથી કેટલુંય શીખવા મળે છે …પપ્પા ખુશ રહે છે …મમ્મીના ગયા પાછી તેમને એકલતા લાગતી નથી. મનમાં હિજરાતા નથી એટલે સ્વાસ્થ્ય પણ સારું રહે છે…છે ને માત્ર આપણો જ ફાયદો …મને મૂંઝવતા પ્રશ્નો પણ હું તેમને પૂછું છું અને તેઓ જે રસ્તો બતાવે છે તે ફાયદાકારક જ હોય છે.
સિયા, પપ્પા અનુભવનો વડલો છે તેઓ આપની સાથે છે ત્યાં સુધી તેમની પાસેથી શીખી લઈએ અને જાણી લઈએ અને પપ્પાએ જીવનભર ખુશી જ આપી છે તો તેમને મારી સાથે વાતો કરી આનંદ મળે છે આખો દિવસ તેઓ મારી રાહ જુએ છે તો તે આનંદ હું તેમને શું કામ ન આપું જેમાં તેઓ ખુશ રહે છે અને મારો તો ફાયદો જ ફાયદો છે.’સિયા સમજી ગઈ.
ચાલો આપણે પણ આ સોદો કરીએ ….ઘરના વડીલોને થોડો સમય આપી તેમની સાથે વાતો કરીએ અને તેમની પાસેથી અમૂલ્ય અનુભવના પાઠ ભણીએ.