મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ટીમ ઈન્ડિયા જે ખેલાડીના પરત ફરવાની રાહ જોઈ રહ્યાં છે તે ખેલાડી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં પણ નહીં રમે તેવી વિગતો બહાર આવતા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. જાણવા મળ્યા મુજબ સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયો છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે બુમરાહ ઈજામાંથી સાજો થઈ ગયો છે અને તે 4 મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી બે મેચ રમી શકે છે. પરંતુ હવે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે બુમરાહ આખી સિરીઝમાંથી બહાર છે. જો કે, તે પછી બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ડોમેસ્ટિક વનડે સીરીઝમાં પરત ફરશે
દરમિયાન બુમરાહે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના રિહેબિલશન કેમ્પમાં બોલિંગ પ્રેક્ટિસ શરૂ કરી રહ્યો છે પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટની થિંક ટેન્ક બુમરાહને લઈને જોખમ લેવા માંગતી નથી. આ જ કારણ છે કે તેણે બુમરાહને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ભારતની યજમાનીમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે. આવી સ્થિતિમાં બુમરાહની હાજરી વર્લ્ડ કપમાં ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
બુમરાહે સપ્ટેમ્બર 2022 પછી એકપણ મેચ રમી નથી
બુમરાહે પીઠની ઈજાને કારણે ગયા વર્ષે સપ્ટેમ્બરથી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે પણ તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. જોકે તેણે NCAમાં નેટ પર બોલિંગ શરૂ કરી દીધી છે. તેમ છતાં, શ્રેણીમાંથી તેના બહાર થવાના સમાચારે ચાહકોને નિરાશ કર્યા છે. રોહિત શર્માએ પણ બુમરાહ વિશે અપડેટ આપ્યું હતું. હાલમાં જ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, ‘હું બુમરાહને લઈને સ્યોર નથી, પરંતુ મને આશા છે કે તે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં રમશે. અમે કોઈ જોખમ લેવા માંગતા નથી કારણ કે પીઠની ઈજા હંમેશા ગંભીર હોય છે. અમે NCAના ફિઝિયો અને ડૉક્ટરોના નિયમિત સંપર્કમાં છીએ. મેડિકલ ટીમ તેને ફિટ થવા માટે પૂરો સમય આપશે.