અમદાવાદ : આજે મહોત્સવના પાંચમા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ ‘ગુરુભક્તિ દિન’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતાં. પ્રમુખસ્વામી મહારાજના ગુરુભક્તિમય જીવન અને કાર્યને દર્શાવતાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વના લાખો લોકો જોડાયા હતા. આજે પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન સાથે સાંજે ૫.૧૫ વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ‘ગુરુદેવ તુમ્હારે ચરણ’ મેં કીર્તન પર સંગીત વૃંદ દ્વારા વિરલ ગુરુ એવા પ્રમુખસ્વામી મહારાજને પ્રાર્થના-અંજલિ આપવામાં આવી હતી.
આદર્શ શિષ્ય અને આદર્શ ગુરુ એવા પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં વણાયેલી અદ્ભુત ગુરુભક્તિના પ્રસંગોનું પાન BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચન શ્રેણી અંતર્ગત કરાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે “ગુરુભક્તિ આ સંસ્થાનો પ્રાણ છે. પ્રમુખસ્વામી મહારાજ આદર્શ ગુરુભક્ત હતા. આધુનિક યુગમાં તેમણે ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના સંકલ્પો પૂર્ણ કરીને ભારતીય સંસ્કૃતિ અને વારસાને નવી ઓળખ આપી. આજે લાખો ભક્તો ગુરુ પ્રમુખસ્વામી મહારાજનું ગુરુ ઋણ ચુકવવા માટે મહંતસ્વામી મહારાજના નેતૃત્વમાં વિરાટ કાર્યો કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ નગર તેનું ઉત્તમ ઉદાહરણ છે.”
‘ગુરુભક્તિનો આદર્શ’ વિષય પર BAPS સંસ્થાના સંત આત્મતૃપ્ત સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજે કરેલાં સર્જનોની પાછળ રહેલી ગુરુભક્તિ વિષે પ્રકાશ પાડ્યો હતો. ‘આદર્શ ગુરુભક્ત પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક વિશિષ્ટ વીડિયો દ્વારા પ્રમુખસ્વામી મહારાજની અનન્ય ગુરુભક્તિ વિષયક રજુ કરવામાં આવી હતી. સંત ડૉક્ટર સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજે કઈ રીતે એક આદર્શ શિષ્ય બની ગુરુભક્તિનું જ્વલંત ઉદાહરણ પૂરું પડ્યું હતું તેના પ્રસંગો પર મનનીય વક્તવ્ય આપ્યું હતું.
આજના સંધ્યા કાર્યક્રમમાં પદ્મ સવજી ધોળકિયા( ફાઉન્ડર ચેરમેન, હરેકૃષ્ણ એક્સપોર્ટ) ગોવિંદ ધોળકિયા ( ફાઉન્ડર- રામકૃષ્ણ એક્સપોર્ટ) અરુણ ગુજરાતી (પૂર્વ સ્પીકર, મહારાષ્ટ્ર) વાય. એસ રાજન (પૂર્વ ચેરમેન – NIT મણિપુર) ગોપાલ આર્ય (સેન્ટ્રલ ઓફિસ સેક્રેટરી- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ), આલોકકુમાર (કાર્યકારી પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ) પંકજ ચાંદે, (ફાઉન્ડર, વાઇસ ચાન્સેલર, કવિકુલગુરુ કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટી) અરુણ તિવારી,(પ્લૅટિનમ જ્યુબિલી મેન્ટર, CSIR – ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી) કેશવ વર્મા, (નિવૃત IAS ઓફિસર, ચેરમેન – હાઇ લેવલ કમિટી ઓન અર્બન પ્લાનિંગ, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ) બી. સી. પટેલ( પૂર્વ ચીફ જસ્ટિસ, દિલ્લી હાઈકોર્ટ) લાલજી પટેલ( ચેરમેન, ધર્મનંદન ડાયમંડ્સ) લવજી દલિયા (ફાઉન્ડર- અવધ ગ્રુપ ) દિનેશ નારોલા(ડિરેક્ટર શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ) મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત લીધી હતી.