ભરૂચ, અંકલેશ્વર: (Bharuch Ankleshwar) અંકલેશ્વર તાલુકાના એક ગામમાં પોતાના ઘર પાસે રમતી બે વર્ષની માસૂમ બાળકી (Baby Girl) સાથે ત્યાં જ રહેતા એક નરાધમ યુવકે દુષ્કર્મ (Rape) આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. જો કે, બાળકીને ગંભીર ઇજા પહોંચતાં સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે. સમગ્ર બનાવ અંગે અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે (Police) દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- અંકલેશ્વરમાં રમાડવાના બહાને બે વર્ષીય બાળકી ઉપર નરાધમ યુવાનનો બળાત્કાર
- માતાને બાળકી સાથે કંઈ અજગતું બન્યું હોવાની શંકાએ તપાસ કરતાં યુવાનનો ભાંડો ફૂટ્યો
- બાળકીને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાઈ
અંકલેશ્વર તાલુકાના એક ગામે બે વર્ષની નિર્દોષ બાળકી તેના ઘરના આંગણામાં રમી રહી હતી. એ સમય દરમિયાન નજીકમાં રહેતા હવસખોર યુવક અભિષેક રામબાબુ ચૌધરીએ આ બાળકીને રમવા બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. માતાને બાળકી સાથે કંઈ અજગતું બન્યું હોવાની શંકાએ તપાસ કરતાં બીજા દિવસે તેમની બાજુમાં રહેતો યુવક તેમની બાળકીને ખોળામાં બેસીને રમાડતો જોઈ તેની માતાએ યુવક પાસેથી બાળકીને ખેંચી લઇ તકરાર કરી સમગ્ર ઘટનાની જાણ તેના પતિને કરી હતી.
આ ઘટના બાદ નજીકમાં રહેતી મહિલાએ પણ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં પણ આ યુવક દીકરીને રમાડતો હતો. જેથી માતા-પિતાની શંકા પાકી થતાં આ યુવક વિરુદ્ધ અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, બાળકીને ઇજા પહોંચતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સમગ્ર ઘટનાની ગંભીરતા સમજીને પોલીસ મથકના પીઆઈ યુ.વી.ગડેરિયાએ આરોપી વિરુદ્ધ બળાત્કાર અંગેનો ગુનો નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસે 376 અને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં હવસખોરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.