વાંકલ: માંગરોળ (Mangrol) તાલુકાના ઝંખવાવ ગામે મુલતાની સમાજમાં છોકરા-છોકરીના પ્રેમલગ્ન (Love marriage) મુદ્દે બંને પરિવારો વચ્ચે સર્જાયેલા ધીંગાણામાં ઉપસરપંચનું માથું ફૂટ્યું હતું. જ્યારે સામે પક્ષે બે મહિલાઓને હુમલો કરી માર મરાતાં ઇજાગ્રસ્ત થઈ છે. મારામારી અને હુમલાની ઘટના સંદર્ભ બંને પરિવારોએ સામસામે પોલીસ ફરિયાદ (Police complaint) નોંધાવી હતી.ઝંખવાવ ગામના ઉપસરપંચ ગફુરભાઈ બક્ષુભાઈ મુલતાનીની પૌત્રી અને આ જ ફળિયામાં રહેતા તેમના જ સમાજના એક યુવક સાથે પ્રેમસંબંધ થતાં બંને ઘર છોડી ભાગી ગયાં છે. અને હાલ નવસારીના ચીખલી ખાતે રહે છે. જેથી બંને પરિવારો વચ્ચે મનદુઃખ હોવાથી નાના-મોટા ઝઘડા છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યા હતા. ગતરોજ આ મુદ્દે બંને પરિવારો સામસામે આવી જતા ધીંગાણું સર્જાયું હતું.
પ્રેમલગ્ન મુદ્દે બંને પરિવારો સામસામે આવી જતા ધીંગાણું સર્જાયું
તાહેરાબેન ગનીભાઈ પીરુભાઈ મુલતાનીએ ઉપસરપંચ ગફુરભાઈ બકસુભાઈ મુલતાની સહિત 8 જેટલા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં નવસારીના ચીખલી ખાતે રહેતા બંને યુવક-યુવતીને મળવા કેમ જાઓ છો તેવું કહી તાહિર જહીર મુલતાની અને નઇમ હનીફ મુલતાનીએ તાહેરાબેન સાથે ઝઘડો કર્યો હતો. આ સમયે તેઓનું ઉપરાણું લઈને ગફુરભાઈ મુલતાનીએ દોડી આવી તેમના હાથમાં રહેલ હથિયાર કોઇતો તાહેરાબેનને માથામાં મારી દેતા મહિલાના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી તેને બચાવવા માટે તેમની બેન સઇદા વચ્ચે પડતાં તાહીર અને નઇમે લાકડીના સપાટા માર્યા હતા. સાથે ભેગા થયેલા ઝાકીર જુમ્મા મુલતાની, આસિફ ગફુર મુલતાની, હનીફ ગફુર મુલતાની, આર્યન આસિફ મુલતાની, નસીમ આસિફ મુલતાની વગેરેએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગુના સંદર્ભમાં આઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
હુમલો કરનારા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
જ્યારે સામે પક્ષે ઝાકીર જુમ્મા મુલતાનીએ નોંધાવેલી ફરિયાદમાં ગેરકાયદે મંડળી રચી હુમલો કરવાના ઇરાદે સાદિક માનસા મુલતાની, મિનાજ મહંમદ મુલતાની, મોહીન મોહમ્મદ મુલતાની, મુનીર મોહમ્મદ મુલતાની, તોહીદ રફીક મુલતાની, રફીક માનસા મુલતાની, મોહમ્મદ માનસા મુલતાની, ઇમરોજ ગની મુલતાની, સાહુલ ઝાકીર મુલતાની, સમાઉલ જાકીર મુલતાની, ઈરફાન ઉંમર મુલતાની, હુસેન ગફાર મુલતાની, ઇમરાન ખાનુ મુલતાની (રહે., વાલોડ) આ તમામ ઈસમોએ ધસી આવ્યા હતા. ત્યારે પથ્થર મારી ગફુરભાઈ બક્ષુભાઈ મુલતાનીનું માથું ફોડી નાંખ્યું હતું. જેથી તેઓ જમીન પર પડી ગયા હતા. ત્યારબાદ આ ઈસમોએ ગફુરભાઈના ઘરમાં ઘૂસી જઈ બારી-બારણાના કાચ તોડી નાંખ્યા અને ફર્નિચર સહિતના સામાનની તોડફોડ કરી નુકસાન કર્યું હતું અને અન્ય લોકો મદદ દોડી આવતાં ઈસમો ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા. ગફુરભાઈ મુલતાનીને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના પરિવારે હુમલો કરનારા ઈસમો વિરુદ્ધ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.