SURAT

સુરતમાં પાલિકાના સફાઈ કામદારને તેના જ મિત્રએ ખેતરમાં બોલાવી ગળે કટર ફેરવી દીધું

સુરત: રાંદેર ખાતે રહેતા અને મનપાના (SMC) સફાઈ કામદારને તેના મિત્રએ જહાંગીરપુરા ખાતે ખુલ્લા ખેતરમાં બોલાવી કટર વડે ગળાના ભાગે બે ઘા મારી જીવલેણ હુમલો (Attack) કર્યો હતો. સફાઈકર્મી જયેશભાઈએ તેના મિત્રને પત્નીના ખાતામાંથી કપાયેલા રૂપિયા બાબતે પૂછવા બોલાવ્યો હતો, ત્યારે આ ઘટના બનતાં જહાંગીરપુરા પોલીસે (Police) હત્યાનો (Murder) ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

રાંદેર રામનગરની અંબિકાનગર સોસાયટીમાં રહેતા 18 વર્ષીય મિહિરકુમાર હેમંતભાઇ મકવાણાએ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં હિતેશ બારોટ (રહે.,વેડ રોડ, કતારગામ) સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. મિહિરે ધોરણ-12ની રિપીટર વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી છે. તેના મકાનના પહેલા મિહિરના કાકા જયેશભાઈ ખીમજીભાઈ મકવાણા રહે છે. ગઈકાલે મિહિર ઘરે હતો ત્યારે તેની કાકીએ ફોન કરીને જયેશભાઈને હિતેશ બારોટે ગળાના ભાગે ચપ્પુના ઘા માર્યાનું કહ્યું હતું. અને હાલ તે હોસ્પિટલમાં છે.

જહાંગીરપુરા પોલીસે તેમનું નિવેદન લેતાં જયેશભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, તેમના મિત્ર હિતેશ બારોટે જયેશભાઈની પત્ની વૈશાલીબેનના એકાઉન્ટમાંથી કપાઈ ગયેલા રૂપિયા બાબતે બપોરે જહાંગીરપુરા વૈષ્ણોદેવી સ્કાયની સામે આવેલ ખુલ્લા ખેતરમાં બોલાવ્યો હતો. જેથી જયેશભાઈ મોપેડ લઈને ગયા હતા. જ્યાં હિતેશ બારોટ ત્યાં ઝઘડો કરી કટર વડે ગળાના ભાગે બે ઘા મારી નાસી ગયો હતો. જહાંગીરપુરા પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

ઉંભેળ રહેતી પરિણીતાએ ઘરમાં પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાધો
કામરેજ: ઉંભેળ સારથી કોમ્પ્લેક્સમાં પરિણીતાનો પતિ વાપી ગયો ને પત્નીએ રૂમમાં સાડી પંખા સાથે બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૂળ ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના દારાપુરના વતની અને હાલ સુરતના કામરેજના ઉંભેળ ગામે સારથી કોમ્પ્લેક્સમાં ફ્લેટ નં.5-501માં મુકેશ લાલબહાદુર ગુપ્તા (ઉં.વ.30) રહે છે. જે ટ્રાન્સપોર્ટમાં મેનેજર તરીકે નોકરી છે. અગાઉ સુરતના નવાગામ ડિંડોલી ખાતે માતા-પિતા સાથે રહેતો ત્યારે મુકેશને ઘરની પાછળ જ રહેતી એક સંતાનની માતા નેહા (ઉં.વ.27) સાથે પ્રેમસંબંધ થઈ જતાં બંનેએ લગ્ન કરી લીધા બાદ ઉંભેળ ખાતે રહેવા માટે આવી ગયા હતા. એક માસ અગાઉ મુકેશ ઓફિસ કામ પતાવી ઘરે આવતાં પત્ની નેહા કોઈ સાથે મોબાઈલ ફોન પર વાતચીત કરતી હોવાથી પતિએ પૂછપરછ કરી મોબાઈલ માંગતાં પત્નીએ ફોન આપવાની ના પાડી ફોનમાં રહેલા નંબર પણ કાઢી નાંખ્યા હતા. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં તે માતાના ઘરે જતી રહી હતી. ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થઈ જતાં ફરી નેહા પતિ સાથે રહેવા માટે ઉંભેળ આવી ગઈ હતી. પતિ સાથે ચાર દિવસ ફરવા માટે પણ ગઈ હતી. બે દિવસ અગાઉ મુકેશ ટ્રાન્સપોર્ટના માલિકની સાથે વાપી ખાતે ગયો હતો. આખો દિવસ કામ પતાવી કડોદરાથી મોટરસાઈકલ લઈને ઘરે આવતા પાડોશમાં રહેતાં ગુડિયાદેવીએ મુકેશને ફોન કરીને જણાવ્યું કે, રૂમમાં પંખા સાથે સાડી વડે ફાંસો ખાઈ નેહાએ આપઘાત કર્યો હોવાનું જણાવતાં ઘરે આવી પોલીસે જાણ કરતાં કામરેજ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top