SURAT

સુરતના આ વિસ્તારમાં પરિણીતાને ખ્રિસ્તી ધર્મ અપનાવવા બળજબરી કરનારના થયા આવા હાલ

સુરત: (Surat) લિંબાયતમાં રહેતી યુવતીના તેલંગાણા ખાતે લગ્ન (Marriage) થયા હતા. હિન્દુ (Hindu) વિધીથી લગ્ન થયા બાદ પતિ, સાસુ અને સસરા ખ્રિસ્તી ધર્મ (Christianity) સ્વીકારવા દબાણ કરતા હતા. અને દહેજ માટે માર મારી ત્રાસ આપતા હોવાની ફરિયાદ લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. લિંબાયત પોલીસે આ કેસમાં પતિ અને સસરાની ધરપકડ કરી હતી.

  • લિંબાયતમાં પરિણીતાને ખ્રિસ્તી ધર્મ અપનાવવા બળજબરી કરનાર પતિ અને સસરાની ધરપકડ
  • હિન્દુ વિધીથી લગ્ન થયા બાદ પતિ, સાસુ અને સસરા ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા દબાણ કરતા હતા
  • પરિણીતા પાસે દહેજની માંગણી કરી ત્રાસ આપી મારઝુડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી

લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત ખાતે રહેતી પરિણીતાના લગ્ન તેલંગાણામાં રહેતા પ્રશાંત સત્યનારાયણ રાપોલુ સાથે થયા હતા. પ્રશાંતે હિન્દૂ વિધિ પ્રમાણે લગ્ન કર્યા બાદ તેને લિંબાયતમાં જ સુમન સંગીની આવાસમાં રહેવા માટે લઇ ગયો હતો. જ્યાં પરિણીતાના સસરા સત્યનારાયણ રાપોલૂ અને સાસુ કવિતા સત્યનારાયણ રાપોલુ પણ સાથે જ હતા. પ્રશાંતે હિન્દુ તરીકે હિન્દુ ધર્મ વિધીથી લગ્ન કર્યા બાદ પરિણીતાને ખિસ્તી ઘર્મ અપનાવવા માટે બળજબરી કરતા હતા. અને દહેજની માંગણી કરતા હતા. એટલું જ નહીં પરંતુ તેણીને મેણા-ટોણા મારી બિભત્સ ગાળો આપી ઢિક મુક્કીનો માર મારી શારિરીક તથા માનસિક ત્રાસ આપતા હતા. અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતા હતા.

જેથી આખરે ભોગ બનનાર પરિણીતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ આદરી હતી. દરમિયાન આજે પતિ પ્રશાંત ઉર્ફે ચીન્ટુ રાપોલુ (ઉ.વ.૨૯) તથા તેના પિતા સત્યનારાયણ સોમાલૈયા રાપોલુ (ઉ.વ.૫૦) (બંને રહે. સુમન સંગીની આવાસ, પુના તથા મુળ ગામ. બોમેરા, તા.પાલાકુર્તી જિલ્લો. જન્ગાંમ, રાજ્ય.તેલંગાણા) ની ધરપકડ કરી છે.

પાંડેસરામાં પ્રેમીને છોડીને પરત આવેલી પરિણીતા ઉપર હુમલો થતા હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
સુરત : પાંડેસરા ખાતે ગઈકાલે સવારે પરિણીતા ઉપર તેના પ્રેમીએ ચપ્પુના ઘા મારી જીવલેણ હુમલો કરતા પાંડેસરા પોલીસે આ અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે. પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા તેરેનામ ચોકડી પાસે રામેશ્વર નગરમાં રહેતી 24 વર્ષીય અનુરાધાદેવી રામમણી સાકેત મંગળવારે સવારે પોતાના ઘરમાં કામમાં વ્યસ્ત હતી. તે સમયે સુરજ ઉર્ફે મોનું ત્રિભુવન યાદવ (રહે. હરીઓમ નગર, પ્લોટ નં.૨૬૧, પાંડેસરા, સુરત મુળરહે. ગામ-રહેતી, થાના-જલાલપુર, જિ. જોનપુર, ઉત્તર-પ્રદેશ) ઘરમાં ઘુસી આવીને તેના ગળાના ભાગે ચપ્પુનો ઘા મારી ઈજા પહોંચાડી ભાગી ગયો હતો.

જેથી તેણે બુમાબુમ કરતા સ્થાનિકો ત્યાં ભેગા થઇ ગયા હતા. અને તેને લોહીલુહાણ હાલતમાં જોઈ બધા ગભરાઇ ગયા હતા. બાદમાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પાંડેસરા પોલીસે આ અંગે પુછપરછ કરતા મનુ યાદવ મહિલાના પતિનો મિત્ર છે. અને તેમના ઘરે અવાર નવાર આવતો હતો. દરમિયાન મનુ યાદવે એક સંતાનની માતા તેના મિત્રની પત્નીને વાતોમાં ફોસલાવીને ભગાડી લઇ ગયો હતો. અને બાદમાં તેને મારપીટ કરતા અનુરાધાદેવી પરત તેના પતિ પાસે આવી ગઈ હતી. અને પતિએ તેને પરત સ્વીકારી લેતા ચારેક દિવસ પહેલા પોતાના ઘરે લઈ આવ્યો હતો. દરમિયાન મનુએ ગઈકાલે જીવલેણ હુમલો કરતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top