Columns

મહંમદે તેના સાથીઓની મુંઝવણમાં વધારો કરી દીધો, હવે શું થશે તેની કોઈને ખબર નહોતી

મહંમદે જમતી વખતે પોતાના સાથીઓને જે વાત કરી ત્યારે લગભગ બધાનું જમવાનું થંભી ગયું હતું. તેમને ક્યારેય આવો વિચાર સુધ્ધાં આવ્યો જ નહોતો. જમ્યા પછી કોઈક બેરેકમાં હતા તો કોઈક વોર્ડમાં આવી બેસી ગયા હતા. થોડી વાર પછી બપોરની બંદી થવાની હતી કારણ બપોરના 12 થવા આવ્યા હતા પણ જાણે સમય થંભી ગયો તેમ બધાના વિચાર સ્તબ્ધ થઈ ગયા હતા. સૌથી વધુ મુંઝવણ યુસુફ અને પરવેઝને હતી. તેમને લાગી રહ્યું હતું કે મહંમદ કહેતો નથી પણ તે બધું તેમના કારણે તે કરી રહ્યો છે. જેલમાં 8 વર્ષમાં તેમને ક્યારેય આવો વિચાર નહોતો આવ્યો પણ મહંમદને તે વિચાર આવ્યો હતો. જો કે હજી મહંમદે પૂરી વાત કરી નહોતી, તેણે પોતાની ટેવ પ્રમાણે વાતને અધૂરી જ છોડી દીધી હતી.

છતાં તેની અધૂરી વાતે હૃદયના ધબકારા વધારી દીધા હતા. જો મહંમદે કહ્યું તેવું ના થાય તો શું થશે તેવો સરખો વિચાર તો બધાના મનમાં એક સાથે ચાલી રહ્યો હતો. યુસુફ અને પરવેઝ વોર્ડના લીમડાના ઝાડ નીચે એકલા બેઠા હતા. થોડી થોડી વારે તેઓ એકબીજાની સામે જોઈ રહ્યા હતા, તેઓ એકબીજાને કંઈક કહેવા માગતા હતા પણ તેમના હોઠ ખૂલતા અને બંધ થઈ જતા હતા. તેમને ઘણું બોલવવું હતું પણ જાણે તેમના શબ્દો ખલાસ થઈ ગયા હતા. તેમને ત્યાં બેસી સમયનો અંદાજ જ રહ્યો નહીં. બપોરના 12 વાગ્યા, વોર્ડને બૂમ પાડી ત્યારે તેઓ એકદમ ઊભા થઈ ગયા, વોર્ડને ગણતરી કરી બધા કેદીઓને એક પછી એક બેરેકમાં મૂકી બેરેકના લોંખડી દરવાજાને તાળું મારી દીધું હતું.

આવું તો છેલ્લાં 8 વર્ષથી થતું હતું. આ પહેલાં કોઈ દિવસ તેમને માઠું લાગતું નહોતું પણ મહંમદની વાત પછી પહેલી વખત વોર્ડન ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. યુસુફને લાગ્યું તાળું મારી રહેલા વોર્ડનને એક ફેંટ મારી જમીન ઉપર પાડી દઉં અને જેલમાંથી ભાગી નીકળીએ. જો કે બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે માત્ર બેરેકમાંથી બહાર નીકળી તે ભાગી શકતો નથી કારણ કે જેલની ઊંચી દીવાલો, તેની ઉપર વીજ વાયરો અને દીવાલોની પાછળ પણ સશસ્ત્ર જવાનો સુરક્ષામાં તૈનાત રહેતા હતા. તે જયારે પહેલી વખત જેલમાં આવ્યો ત્યારે તેણે જેલની બહારનો પહેરો પણ જોયો હતો.

યુસુફ પોતાની જગ્યા ઉપર જતો રહ્યો હતો. બધા જ શાંત હતા, કોઈક આડા પડ્યા હતા તો કોઈક દૂરદર્શનના કાર્યક્રમો જોઈ રહ્યા હતા. યુસુફે TV સામે જોયું તો લોકસભામાં ચાલી રહેલી ધમાલના સમાચાર TV ઉપર આવી રહ્યા હતા. તેણે મહંમદ સામે જોયું, મહંમદ કંઈક લખી રહ્યો હતો, યુસુફનું ધ્યાન તેની તરફ જતા તે એકદમ ચમકી ગયો, તેને લાગ્યું કે હવે મહંમદ નવો કોઈ નિર્ણય કરે નહીં, તે ઊભો થયો અને મહંમદ પાસે ગયો. તેણે જોયું તો મહંમદ પોતાના મરોડદાર અક્ષરોથી એક ફોર્મ ભરી રહ્યો હતો. બાજુમાં અચાનક આવી ઊભા રહેલા યુસુફને કારણે મહંમદનું ધ્યાન તેની તરફ ગયું. તે જમીન ઉપર બેસી ફોર્મ ભરી રહ્યો હતો. તેણે પોતાની ડોકી ફેરવી અને નજર યુસુફ તરફ ફેરવી, તેના ચહેરા ઉપર એક સ્મિત આવ્યું.

તેણે યુસુફ સામે જોઈ ધીમા અવાજે કહ્યું, ‘‘મેં MA વીથ ઈંગ્લીશ કરના ચાહતા હું, મેરા ફોર્મ મેં આજ ભર દુંગા. આપ સભી ભી અપના ફોર્મ ભર દેના.’’ યુસુફ તરત કહેવા માગતો હતો, મેજર રહેવા દો આ બધું કંઈ કરવાની જરૂર નથી. તેના હોઠ સુધી આવેલા શબ્દો અટકી ગયા કારણ મહંમદનો પ્રભાવ જ એવો હતો કે તેની વાત કોઈ ઉથાપી શકતું નહોતું. તે કંઈ બોલ્યો નહીં. મહંમદ ફરી પોતાના ફોર્મને ભરવામાં મશગુલ થઈ ગયો. યુસુફ ત્યાં જ ઊભો રહ્યો અને થોડી વાર પછી પોતાની જગ્યા ઉપર ગયો અને તેણે પણ પોતાના થેલામાં રહેલું ફોર્મ જે મહંમદે આપ્યું હતું તે કાઢ્યું, તેની તરફ એક વખત નજર કરી અને તે પણ ફોર્મ ભરવા લાગ્યો. જો કે આટલા વર્ષો પછી પહેલી વખત તેણે લખવા માટે પેન ઉપાડી હતી જેના કારણે તેને પોતાનું ફોર્મ ભરવા માટે પૂરા 2 કલાક લાગ્યા હતા.

યુસુફનું ફોર્મ ભરવાનું પૂરું થયું ત્યારે તેને લાગ્યું કે જાણે તેણે પહેલી વખત કોઈ મહેનતનું કામ કર્યું છે. તેનું માથું ભારે થઈ ગયું. કદાચ તેને લખવાની આદત જ જતી રહી હતી. આમ પણ તેના પિતા તેને ભણાવવા માગતા હતા પણ તેને તો ભણવાનું ગમ્યું જ નહોતું જેના કારણે ભણવાનું છોડી તેણે પિતાની સાઈકલની દુકાન ઉપર કામ શરૂ કરી દીધું હતું. તેને સ્વપ્નમાં પણ અંદાજ નહોતો કે તેને નહીં ગમતું ભણવાનું કામ તેને જેલમાં કરવું પડશે. છતાં મહંમદને તે ના પાડી શક્યો નહીં. મહંમદનું નામ યાદ આવતા તેણે મહંમદ સામે જોયું તો તે પોતાનું ફોર્મ ભરી ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. બેરેકમાં કેદીઓની વાતો અને TVના અવાજ વચ્ચે પણ મહંમદને ઊંઘ લાગી ગઈ હતી. યુસુફે બીજા સાથી કેદીઓ સામે જોયું તો પરવેઝ, ચાંદ-દાનીશ, અબુ રીયાઝ અને યુનુશ પણ ફોર્મ ભરી રહ્યા હતા.

યુસુફને મનમાં હસવું આવ્યું કારણ મહંમદ સિવાય કોઈને ભણવામાં રસ નહોતો. બધાને મહંમદની વાત ઉપર ગુસ્સો આવ્યો હતો પણ કોઈનામાં પણ મહંમદને ના પાડવાની હિંમત નહોતી. મહંમદ શું કામ આવું કરી રહી રહ્યો છે અને તેની પૂરી યોજના શું હતી તેણે તેનો ફોડ જ પાડ્યો નહોતો છતાં યુસુફનું હૃદય એકદમ ધબકવા લાગતું હતું. તેને મનમાં ઊંડે ઊંડે ડર પણ લાગી રહ્યો હતો ક્યાંક નવી ઉપાધિનો સામનો કરવો પડે નહીં. યુસુફ વિચારમાં હતો ત્યારે જ ચાવીઓના ઝુમખાનો અવાજ આવ્યો. તેણે બેરેકના લોંખડી દરવાજા તરફ જોયું તો સિપાઈ ચાવીઓ લઈ બેરેક ખોલી રહ્યો હતો. તેનો અર્થ બપોરના 3 વાગી ગયા હતા અને બપોરની બંદી ખૂલી હતી. હજી મહંમદ સૂઈ રહ્યો હતો, યુસુફ તેની પાસે ગયો તેની પાસે ઉભડક પગે બેઠો અને તેના ખભા ઉપર હાથ મૂકતા તે એકદમ જાગી ગયો. તેણે યુસુફ સામે જોયું અને પછી તરત બેરેકનો દરવાજો ખૂલ્યો કે નહીં તેની ખાતરી કરવા માટે દરવાજા તરફ નજર કરી અને જાણે કંઈક ઉતાવળમાં હોય તેમ ઊભો થઈ ગયો. જાણે તેને ક્યાંક જવાનું હોય.
(ક્રમશ:)

Most Popular

To Top