Entertainment

કોણે શિલ્પાને ‘નિકમ્માં’ કહ્યું?!

શિલ્પા શેટ્ટી એકટ્રેસ તો ખરી અને જિંદગી જીવવા બાબતે સાહસી પણ ખરી. તેના પતિ રાજ કુન્દ્રા પર પોર્નોગ્રાફીક એપ્સ ચલાવવાના આરોપ હેઠળ પોલીસ કેસ થયો અને EDએ મની લોન્ડરીંગ અંગે તેની પર કેસ પણ રજિસ્ટર્ડ કર્યો. પણ શિલ્પા અત્યારે TV અને ફિલ્મોમાં એ રીતે દેખાય રહી છે કે એવું કાંઇ બન્યું જ ન હોય. તમે જોશો કે વિત્યા 2 વર્ષમાં તે વચ્ચે નહોતી એટલી વધારે સક્રિય છે. તેની ‘નિકમ્મા’ ફિલ્મ તો આવી જ રહી છે, પણ તે ઉપરાંત ‘સુખી’ નામની ફિલ્મમાં મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. તે ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ નામની વેબ સિરીઝમાં પણ દેખાવાની છે.

બાકી 2005 – ’07 પછી તેની ફિલ્મોની સંખ્યા સાવ જ ઘટી ગઇ હતી. અલબત્ત, તેણે ‘ઢિશ્કયાઉં’ અને ‘એવેન્ચર્સ ઓફ અલી બાબા’ નામની ફિલ્મો નિર્માત્રી તરીકે બનાવી પણ ‘બાઝીગર’ સમયથી તે જે રીતની વ્યસ્ત હોય એટલી તો હવે ન જ હોય. હા, તેણે તેની બોડી ખૂબ સરસ સાચવી છે અને યોગા માટે તે જાણીતી પણ બની. અલબત્ત તે અભિનેત્રી તરીકે એકદમ ટોપ પર તો કયારેય નહોતી પહોંચી અને મસાલા ફિલ્મોની જરૂરિયાત તરીકે જ તે ચર્ચામાં રહી છે. શિલ્પા ટકી રહેવાનું જાણે છે, તે ચર્ચામાં રહેવાનું ય જાણે છે. રિચાર્ડ ગેર સાથેનું ચુંબન દૃશ્ય લોકોએ બરાબર જોયું છે.

એક સમયે તે અને અક્ષયકુમાર એટલા પ્રેમમાં હતા કે પરણવાનું જ બાકી રહી ગયું. શિલ્પામાં આવી તો ઘણી ટેલેન્ટ છે એટલે બ્રિટનના વડાપ્રધાન ટોની બ્લેરને પણ તે હાઉસ ઓફ કોમન્સમાં મળેલી. અરે, રાણી એલીઝાબેથ 2એ પણ તેને તેના મહેલમાં મળવા નિમંત્રેલી. તેની પર સ્કાયવને દસ્તાવેજી ફિલ્મ ‘ધ રિઅલ શિલ્પા શેટ્ટી’ પણ બનાવી છે. આમ કરતા કરતા તે ફિટનેસની પોસ્ટર ગર્લ પણ બની ગઇ. રાજ કુન્દ્રા સાથે તે 2009માં પરણી ત્યારે ઘણાએ સવાલ કરેલો કે તેને ડાયવોર્સી જ મળ્યો? રાજ કુન્દ્રા કવિતાને પરણીને છૂટાછેડા આપી ચુકયો હતો.

ખેર, એ લગ્ન પછી તે IPLની રાજસ્થાન રોયલ્સ ટીમની માલિક પણ બની. જો કે 2013માં દિલ્હી પોલીસે રાજ કુન્દ્રાને IPLમાં સ્પોટ ફિક્સિંગ વિશે પૂછવું પડેલું પણ શિલ્પાને જાણે આ બાબતની બહુ અસર ન થતી હોય તેમ કામમાં રહે છે. એક અર્થમાં આ બહુ સારી વાત પણ કહેવાય. તેના પતિથી સ્વતંત્ર તે વ્યસ્ત રહે છે. TV શોમાં જજ બનવાનું તો તેણે 2006થી સ્વીકાર્યું છે. પહેલા ‘ઝલક દિખલાજા’ની જજ હતી પછી ‘જરા નચકે દિખા’માં, ‘નચ બલિયે’ અને અત્યારે ‘સુપર ડાન્સર’ની જજ છે.

શિલ્પા શેટ્ટી આ 8 જૂને જ 47માં પ્રવેશી છે અને કામ બાબતે થાકતી નથી. શિલ્પાએ તેની બહેન શમતા શેટ્ટીને ફિલ્મોમાં લાવવા પ્રયત્ન કર્યો પણ સફળ નથી રહી. મૂળ તે વિવાદોમાં અને ચર્ચામાં રહીને કામ કરે છે અને એ કારણે જ રાજ કુન્દ્રા સાથે તેનું લગ્નજીવન ટકયું હશે એવું કોઇ ધારી શકે. શિલ્પાની ‘હંગામા-2’ પછીની ‘નિકમ્મા’ કેવી નીવડશે તે ખબર નથી. કારણ કે અભિમન્યુ દાસાણી અને શર્લી સેટિઆની નવી જોડી છે. આખી ફિલ્મમાં વધારે જાણીતી તો શિલ્પા જ છે અને હજુ પણ તે ફિલ્મને ચલાવી શકે તેવી છે. આમેય તેલુગુની ‘મિડલ કલાસ અબ્બાચી’ની આ રિમેક છે, પણ શિલ્પા હજુ પણ કામની છે, નિકમ્મા નથી. •

Most Popular

To Top