SURAT

છેક તેલંગાણાથી સુરત મળવા આવેલા પ્રેમી સાથે એવું શં થયું કે તેણે પ્રેમિકાને ઝેર પીવડાવી દીધું

સુરત : (Surat) પૂર્વ પ્રેમિકાને (Ex Lover) પોતાની સાથે પુન: પ્રેમ કરવા માટે દબાણ કરીને હત્યાનો (Murder) પ્રયાસ કરનાર માથા ફરેલ પ્રેમી સામે પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઇ છે. સાત વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખ્યા બાદ પ્રેમિકાએ સુરતના યુવાન સાથે વિવાહ કરી લેતા તેની અદાવત રાખીને યુવક તેલંગણાથી સુરત આવ્યો હતો અને દોઢ મહિનાનો ગર્ભ ધરાવતી પ્રેમીકાનું ગળુ દબાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ પોતે પણ દવા (Poison) પી લીધી હતી. જેના કારણે પ્રેમિકાનો ગર્ભપાત (Abortion) થઇ ગયો હતો. બનાવ અંગે ગોડાદરા પોલીસે યુવકની ધરપકડ (Arrest) કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ તેલંગણાની વતની અને સુરતમાં ગોડાદરા સ્થિત ગંગોત્રી નગરમાં રહેતી ભાગ્યલક્ષ્મી તેલંગણામાં ધો. 6 થી 10માં અભ્યાસ કરતી હતી ત્યારે તેની મુલાકાત પોતાના વતનમાં જ રહેતા દુર્ગેશ યાકૈયા બોનાગીરીની સાથે થઇ હતી અને બંને વચ્ચે સ્કૂલકાળથી જ પ્રેમસંબંધ હતો. દરમિયાન ભાગ્યલક્ષ્મી સુરત રહેવા આવી ગઇ હતી. સુરત આવ્યાના એક મહિના બાદ જ જૂન-2020માં ગોડાદરામાં જ રહેતા અજય અશોક બંસાણેની સાથે તેણે લગ્ન કરી લીધા હતા. જેની જાણ દુર્ગેશને હોવા છતાં પણ તે તેનો પીછો છોડતો ન હતો. તે તેને ફોન કરીને હેરાન કરતો હતો.

દરમિયાન ગત. તા. 05-04-2022ના રોજ બપોરે ત્રણ વાગ્યે દુર્ગેશ આવ્યો હતો. ભાગ્યલક્ષ્મીએ દુર્ગેશને કહ્યું કે, મારે દોઢ મહિનાની પ્રેગનેન્સી છે. ત્યારે દુર્ગેશે કહ્યું કે, હું પણ તને પ્રેમ કરું છુ. પ્રેમસંબંધની વાતને લઇને બંને વચ્ચે ઝઘડો થયો હતો. દુર્ગેશે ભાગ્યલક્ષ્મીને કહ્યું કે, ‘તું એક તારા હાથથી સ્યુસાઇડ નોટ લખ નહીં તો મારા ગામમાં ઘણા માણસો છે જે મારા કહેવાથી તારા ભાઇને મારી નાંખશે.’ ગભરાયેલી ભાગ્યલક્ષ્મીએ અંગ્રેજીમાં સ્યુસાઇડ નોટ લખી હતી, આ સ્યુસાઇડ નોટ દુર્ગેશે ખેંચી લીધી હતી. બાદમાં દુર્ગેશ પોતાની સાથે બેગમાંથી એક દવાની બોટલ લઇને આવ્યો હતો.

આ ઉપરાંત દુર્ગેશે ભાગ્યલક્ષ્મીના ઘરના ફ્રિઝમાંથી બે સોડાની બોટલ કાઢી હતી અને બે કાચના ગ્લાસ કાઢ્યા હતા. બંને ગ્લાસમાં દવા અને ફ્રિઝની સોડા ભેગી કરી હતી, એક ગ્લાસમાંથી ભાગ્યલક્ષ્મીનું ગળુ દબાવીને જબરદસ્તીથી પીવડાવી દેવાઇ હતી, જ્યારે બીજા ગ્લાસમાં દુર્ગેશે પોતે જ દવા પી લીધી હતી. બંનેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. એક દિવસ પહેલા બંનેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, જો કે, સારવાર દરમિયાન ભાગ્યલક્ષ્મીના દોઢ મહિનાનો ગર્ભપાત થઇ ગયો હતો. આ બાબતે ભાગ્યલક્ષ્મીએ દુર્ગેશની સામે ગોડાદરામાં ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો નોંધીને દુર્ગેશની અટકાયત કરી કોવિડના રિપોર્ટ સાથેની કાર્યવાહી શરૂ કરી છે.

Most Popular

To Top