Gujarat

વિકેન્ડમાં હીટ વેવની ચેતવણી, રાજ્યના આ જિલ્લાઓમાં સૌથી ઉંચો હશે ગરમીનો પારો

ગાંધીનગર: રાજયના હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ચેતવણી (Warning) આપવામાં આવી છે કે આગામી ત્રણ દિવસની અંદર રાજયમાં 2થી 4 ડિગ્રી (Degree) જેટલો ગરમીમાં (Heat) વધારો થશે. જેની અસર 15 જેટલા જિલ્લાઓમાં વર્તાશે.

  • 4 ડિગ્રી સુધી ગરમી વધશે, સરેરાશ ગરમીનો પારો 37 ડિગ્રીએ પહોંચ્યો
  • અમરેલીમાં 38, અમદાવાદમાં 37, ભાવનગરમાં 36, વડોદરામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું

હવામાન વિભાગના કહેવા મુજબ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા , સાબરકાંઠા , પાટણ , મહેસાણા , ભાવનગર , પોરબંદર, જુનાગઢ , રાજકોટ , કચ્છ, સુરેન્દ્રનગર, દીવ , અમરેલી , બોટાદ , ગીર સોમનાથ , કચ્છમાં હીટવેવની અસર વર્તાશે. અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 37 ડિ.સે., ગાંધીનગરમાં 37 ડિ.સે., ડીસામાં 37 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 37 ડિ.સે., વડોદરામાં 37 ડિ.સે., સુરતમાં 36 ડિ.સે., વલસાડમાં 37 ડિ.સે., ભૂજમાં 37 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 40 ડિ.સે., નલિયામાં 35 ડિ.સે., અમરેલીમાં 38 ડિ.સે. ભાવનગરમાં 36 ડિ.સે.,રાજકોટમાં 38 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 37 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

તાપમાન 38 ડિગ્રીએ પહોંચતા લોકો સ્કાફ-રૂમાલ બાંધીને નીકળ્યા
પારડી : ઉનાળાની શરૂઆત સાથે નદી- નહેરમાં પાણીના સ્તર ઓછા થતા જાય છે, ધરતી અને આકાશ બંને પર જ્યારે ગરમીનું સામ્રાજ્ય વ્યાપી જાય ત્યારે અસહ્ય ગરમીનો લોકોને ભાસ થાય છે, એક બાજુ સૂર્યનારાયણ ગરમીની પ્રચંડ અગ્નિવર્ષા વરસાવતા હોય અને બીજી બાજુ લુના વાયરા ફુંકાતા હોય ત્યારે શહેરોના નહીં ગામડાઓના રસ્તાઓ પણ સૂમસામ બની જાય છે.

તાપથી ત્રાસી ગયેલા મૂંગા પશુઓ ક્યાંક પાણીમાં કાદવમાં કે ઝાડની છાયામાં બેસી ઠંડક અનુભવે છે. પારડી તાલુકામાં ઉનાળાની બપોરે લોકો ઘરેથી બહાર નીકળતા મોઢા પર રૂમાલ અને મહિલાઓ મોઢે સ્કાફ બાંધીને જતા નજરે પડે છે, તો ક્યાંક શેરડી, મોસંબી, પાઈનેપલના જ્યુસ તેમજ લીંબુ શરબત, ચમચી કોલા, સિકંજી, ઠંડા પીણાંની મજા માણતા જોવા મળ્યા હતા.

નવસારીમાં વાદળછાયું વાતાવરણ રહેતા મહત્તમ તાપમાન યથાવત નોંધાય શકે છે
નવસારી : નવસારીમાં શુક્રવારે દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહેતા મહત્તમ તાપમાન યથાવત રહ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો થયો છે. નવસારીમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યું છે. જેથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થતા ગરમીમાં ઘટાડો થયો છે. ત્યારે આગામી દિવસમાં ગરમીનો પારો વધી શકે છે. ઉલ્લેખનીય છે કે નવસારીમાં મહત્તમ તાપમાન નહિવત ડિગ્રી વધતા 36.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી વધીને 21.5 ડિગ્રી નોંધાયું હતું. ગુરૂવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 51 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 19 ટકાએ રહ્યું હતું. જ્યારે આજે પવનોએ દિશા બદલતા દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશાએથી 6 કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાયા હતા. પરંતુ હવામાનની આગાહી પ્રમાણે આવનારા દિવસોમાં ગરમીનો પારો વધી શકે છે.

Most Popular

To Top