સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાની ચિચીનાગાવઠા રેંજની વનકર્મીઓની (Forester) ટીમે નડગખાદી દાવદહાડ નજીકનાં માર્ગમાંથી ગેરકાયદેસર સાગી ચોરસા ભરેલ પીકઅપ વાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા વિરપન્નોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
- પુષ્પા ફિલ્મ અનુસરણ કરી ચોરીને અંજામ આપવાનો પ્રયાસ
- તસ્કરો ચોરીમાં નિષ્ફળ ગયા
- વિરપન્નોમાં ફફડાટ મચી જવા પામ્યો છે
દેશભરમાં ધૂમ મચાવી રહેલી પુષ્પા ફિલ્મનું અનુસરણ ડાંગ જિલ્લામાં વધી રહ્યું છે. પુષ્પા ફિલ્મનાં અભિનેતા પુષ્પરાજની જેમ ડાંગ જિલ્લામાં ઇમારતી લાકડાની તસ્કરી વધી છે. પરંતુ સામે વનકર્મીઓની ટીમની બાજ નજરનાં પગલે ડાંગ જિલ્લામાં પુષ્પરાજનું અનુકરણ કરનારા વીરપન્નોની કરતૂત નિષ્ફળ ગયા છે. ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ. નિલેશ પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ ગતરોજ ચિચીનાગાવઠા રેંજનાં આર.એફ.ઓ ગણેશભાઈ ભોયે, ફોરેસ્ટ શંકરભાઈ પટેલ તથા બીટગાર્ડ જીતેન્દ્ર ગવળીની ટીમ ચિચીનાગાવઠા રેંજ વિસ્તારમાં પીંપરી આહવા મેઈન રોડ પર આવેલા નડગખાદી દાવદહાડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે અરસામાં તેઓને બાતમી મળી હતી કે સફેદ કલરની પીકઅપ વાન નં. જી.જે. 05 એ.યુ 1210 માં ગેરકાયદેસર સાગી ચોરસાનો જથ્થો ભરી લઈ જવાઈ રહ્યો છે. જેથી આર.એફ.ઓ ગણેશ ભોયેની ટીમે પીકઅપ વાનને ઉભી રાખવાનો પ્રયત્ન કરતા નાસી છૂટી હતી.
આ પિકઅપ વાનનાં ચાલકે પીકઅપ વાનને નડગખાદીથી હનવતચોંડ તરફ જતા ચડાણ વાળા માર્ગે હંકારી જઈ ધીમી પડતા નાસી છૂટ્યો હતો. અહીં ચિચીનાગાવઠા રેંજ વિભાગ દ્વારા આ પીકઅપ વાનની અંદર ચેકીંગ કરતા ભાતની ફુસકીઓની આડમાં સંતાડેલો પાસ અને પરમીટ વગરનાં 06 નંગ સાગી ચોરસા મળી આવ્યા હતા. ચિચીનાગાવઠા રેંજ વિભાગ દ્વારા સાગી ચોરસા નંગ 06 જે 0.954 ઘનમિટર અંદાજીત 35,000 હજારનો મુદામાલ તથા પીકઅપ વાનનાં 1,50,000 મળી કુલ 1,85,000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડાંગ જિલ્લાની ચિચીનાગાવઠાનાં રેંજ કર્મીઓએ ચાલુ સપ્તાહમાં બીજી વખત પુષ્પારાજની ભૂમિકા અદા કરનાર વિરપન્નોનાં કિમીયા નિષ્ફળ બનાવતા વિરપન્નોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
ડેડિયાપાડાના રાલ્દા બસ સ્ટેન્ડ પાસેથી ૨૦૦ કિલો ગાંજા સાથે ૪ ઝડપાયા
રાજપીપળા: ડેડિયાપાડા વિસ્તારમાંથી ડેડિયાપાડા પોલીસે બાતમીના આધારે ૨૦૦ કિલો ગાંજા સાથે ૪ ઈસમને ઝડપી પાડી ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ડેડિયાપાડા પોલીસે પકડાયેલા આરોપીઓની વધુ પૂછતાછ હાથ ધરી છે.
ડેડિયાપાડા પોલીસને ગાંજાની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આથી રાલ્દા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ રાખી ચેકિંગ હાથ ધરાયું હતું. દરમિયાન સાગબારાથી ડેડિયાપાડા રોડ ઉપર સાગબારા તરફથી શંકાસ્પદ હાલતમાં જીજે ૨૩ સીએ ૫ નંબરની સિલ્વર કલરની સ્કોર્પિયો આવતાં તેમાં તપાસ કરતાં ટેપ વીંટાળેલાં બંડલો નંગ-૩૯માં કુલ વજન ૨૦૧.૧૭૦ કિ.ગ્રા. સૂકો ગાંજો મળી આવ્યો હતો. ડેડિયાપાડા પોલીસે ૫ લાખ રૂપિયાની સ્કોર્પિયો કાર અને ૨૦,૧૧,૮૦૦ રૂપિયાનો ગાંજો, મોબાઇલ નંગ-૩ કિં.રૂ.૯૦૦૦ તથા રોકડા રૂપિયા મળી કુલ રપ,૨૧,૨૦૦ના મુદ્દામાલ સાથે એક સગીર સહિત ૪ ઈસમની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.