આણંદના મહિલા પોલીસ કર્મીને પુત્ર સાથે પતિએ કાઢી મુકી

આણંદ : પેટલાદ રહેતા અને આણંદ પોલીસ હેડ ક્વાર્ટમાં ફરજ બજાવતાં મહિલા પોલીસ કોન્સ્ટેબલને પગારના મુદ્દે સાસરિયાએ ત્રાસ આપી પુત્ર સાથે ઘરેથી કાઢી મુકતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ અંગે પોલીસે સીઆરસી શિક્ષક તરીકે ફરજ બજાવતા પતિ સહિત સાસરિયા સામે મહિલા પોલીસે ગુનો નોંધ્યો હતો. વડોદરાના ગોત્રી ખાતે રહેતા અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અંકિતાબેન પરમારે મહિલા પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વડોદરા સીટીમાં 2017 થી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેમના બીજા લગ્ન ગત જુલાઈ 2020માં પેટલાદ ખાતે રહેતા અને ખડાણા ખાતે સીઆરસી શિક્ષક તરીકે ફરજ બજાવતાં જયેશભાઈ અંબાલાલ પરમાર સાથે થયા હતા.

સુખી લગ્નજીવનના ફળસ્વરૂપે તેણીએ ઈવાન નામે પુત્રને જન્મ આપ્યો હતો. આ દરમ્યાન તેમની બદલી આણંદ હેડક્વાર્ટર તરીકે કરવામાં આવી હતી. જોકે, સાસરિમાં સંયુક્ત પરિવારમાં રહેતા અંકિતાબહેનને પતિ સહિત સાસરિયાએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. પતિ જયેશભાઇએ સાસુ પુષ્પાબેન, સસરા અંબાલાલ, નણંદ વંદનાબેન વિલ્સનભાઈ પરમાર અને મામા સસરા મહેશભાઈ પરમારની ચઢવણીથી પગારના બેંક ખાતાવાળુ એટીએમ તેમજ ચેકબુકની માંગણી કરી હતી. જે પરિણીતાએ ના સંતોષતા તેણી ઉપર ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધું હતું.

આશ્ચર્યજનક બાબત એ છે કે, 15મી સપ્ટેમ્બર,21ના રોજ પતિ જયેશ કોઇ કારણસર અંકિતાબહેન અને તેના પુત્રને વડોદરા મુકવા જતો હતો ત્યારે રસ્તામાં જ ઉતારી જતો રહ્યો હતો. પુત્ર ઈવાન બીમાર પડતા અંકિતાબહેને પતિને જાણ કરવા છતાં તે આવ્યો નહતો. આખરે કંટાળી આણંદના મહિલા પોલીસમાં પતિ જયેશભાઇ, સાસુ પુષ્પાબેન, સસરા અંબાલાલ, નણંદ વંદનાબેન વિલ્સનભાઈ પરમાર અને મામા સસરા મહેશભાઈ પરમાર વિરૂદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઇ પોલીસ બેડામાં પણ ચકચાર મચી ગઈ હતી. શિક્ષક દ્વારા પતિને ત્રાસ આપવાનો મુદ્દો પંથકમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

Most Popular

To Top