SURAT

કોરોનાનો ઓછાયો હજી દૂર થયો નથી, સુરતમાં સોમવારથી શાળાઓ શરૂ થશે કે કેમ મોટો પ્રશ્ન?

રાજ્ય સરકારે કોરોના વચ્ચે શાળાઓ ચાલુ કરવા માટે અવારનવાર ગપગોળા વાળ્યા છે. શાળાઓ શરૂ કરવા સરકાર તરફથી કોઇ સ્પષ્ટ મત આવતો નહોતો. સરકાર અવારનવાર શાળા ચાલુ કરવા ફરેવી તોળતી હતી. પરંતુ તે વચ્ચે ફરી શાળાઓ ચાલુ કરવા અંગે સરકારે હકારનો સૂર વ્યક્ત કરી દીધો છે. અને આગામી 11 જાન્યુઆરીથી શાળાઓ શરૂ કરવા જાહેરાત કરી છે. આગામી સોમવારથી ગુજરાત બોર્ડના મહત્ત્વનાં વરસોમાં ભણતાં બાળકો માટે શાળા ચાલુ કરવા નિર્ણય કર્યો છે.

પરંતુ સરકારના આ નિર્ણય ઉપર મોટા ભાગના વાલીઓને ભરોસો નથી. પોતાનાં સંતાનને શાળામાં જીવના જોખમે મોકલવા માટે મોટા ભાગના વાલીઓ સંમત થયા નથી. જેને લઇને આગામી સોમવારથી શાળાઓ ચાલુ થશે કે કેમ તે પણ મોટી સમસ્યા છે. સરકારે શાળા ચાલુ કરવા માટે એસઓપી જાહેર કરી છે. તે મુજબ એક તૃતીયાંશ સંખ્યામાં અલગ અલગ બેચમાં અલગ અલગ વિષય ભણાવવા સૂચનાઓ આપી છે.

અમદાવાદમાં તો 12-12 બાળકોનો બેચ બનાવાયો છે. પરંતુ સુરતમાં આ કઇ રીતે શક્ય બનશે તે જોવું રહ્યું. વળી, કોવિડ ગાઇડલાઇનની સરકારે જે એસઓપી આપી છે તેનું કેટલું પાલન થશે તે પણ એક મોટી સમસ્યા છે.

સોમવારે ખબર પડશે, બાકી વાલીઓ સંમત નથી! વાલીમંડળ આગેવાન ઉમેશ પંચાલ

સુરત શહેરના વાલી મંડળના આગેવાન ઉમેશ પંચાલે કહ્યું હતું કે, તેમની પાસે અલગ અલગ વિસ્તારમાંથી માહિતી આવી છે, તે મુજબ મોટા ભાગના વાલીઓ પોતાનાં બાળકોને સોમવારે શાળાએ મોકલવા સહમત નથી. વળી, આવતા સપ્તાહમાં ઉતરાણની પણ રજા આવે છે. તે જોતાં હજી સ્કૂલ એજ્યુકેશન માટે જોઇએ તેવો મૂડ જણાયો નથી. શાળાઓ કોરોના ગાઇડલાઇનનું કેવી રીતે પાલન કરશે તે ચકાસ્યા બાદ સાચું ચિત્ર બહાર આવશે.

સોમવારથી શાળાઓ ચાલુ થશે: સ્વનિર્ભર શાળા સંચાલકના પૂર્વ અધ્યક્ષ નટુભાઇ કારિયા

સુરત શહેર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના આગેવાન અને પૂર્વ અધ્યક્ષ નટુભાઇ કારિયાએ કહ્યું હતું કે, સોમવારથી શાળાઓ શરૂ કરવા માટે તૈયારીઓ કરી દેવાઇ છે. કેટલાક વાલીઓએ સંમતિ નથી આપી. પરંતુ શાળા રાબેતા મુજબ શરૂ થતાં આ વાલીઓ પણ પોતાનાં બાળકોનું શિક્ષણ બગડવા દેશે નહીં. તેમને કહ્યું હતું કે, ખાસ કરીને સાયન્સ સ્ટ્રીમનાં બાળકો શાળાએ આવતા થશે. કેમ કે, પ્રેક્ટિકલના માર્કસ હવે પરિણામમાં ગણાય છે. જેથી આ બાળકો શાળાએ આવશે તેવી તેમની ધારણા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top