Gujarat

વિશ્વ નર્સિગ દિવસે રાજ્યભરની ૮ જી.એમ.ઇ.આર.એસ મેડિકલ સંલગ્ન હોસ્પિટલોમાંના નર્સિંગ કર્મચારીઓ હડતાળ પર

રાજ્યમાં આવેલી આઠ જેટલી જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજોના તબીબો અને નર્સિંગ સ્ટાફ અચાનક પોતાની માંગણીઓને લઇને હડતાળ પર ઉતરી જતા રાજ્યભરમાં દર્દીઓની સ્થિતિ કફોડી બની જવા પામી છે. અંદાજે એક હજારથી વધુ તબીબો અને બે હજાર જેટલો નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી પડયો છે. અમદાવાદ, વડોદરા, સુરત, હિંમતનગર, રાજકોટ, વડનગર સહિત રાજ્યના અન્ય શહેરોમાં આવેલી હોસ્પિટલોના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા પોતાની માંગણીને લઇને હડતાળ પર ઉતરી પડયા હતા.

અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ આજે સવારથી જ પોતાની પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતરી જતા કોરોના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હડતાળ પર ઉતરેલા તબીબો અને નર્સિંગ સ્ટાફની માગણી છે કે, તેઓને પ્રોવિડંડ ફંડનો લાભ આપવામાં આવે, સાતમા પગાર, પંચ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરી રહેલા કર્મચારીઓને કાયમી કરવા, સહિતની અનેક વિવિધ માંગણીઓ સાથે તબીબો અને નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યા છે.

હડતાળ પર ઉતરેલા કર્મચારીઓના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે પોતાની પડતર માંગણીઓને લઇને રાજ્ય સરકાર પાસે વારંવાર લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા કોઈ જ હકારાત્મક ઉકેલ લાવવાનો પ્રયાસ કરાયો નથી. કોરોનાના કપરાકાળમાં રાત દિવસ- ધરબાર જોયા વિના ફરજ બજાવી રહ્યા છે, તેમ છતાં રાજ્ય સરકાર અમારી વ્યાજબી માગણી અંગે કોઈ પગલા લેતી નથી, માત્ર કોરોના વોરીયર્સનું બિરૂદ આપવાથી કશું થતુ નથી. જો બિરૂદ આપવું હોય જ તો તેઓને તેમના લાભ આપવા જોઈએ.

રાજ્યની આઠ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના લગભગ 2000 જેટલા કર્મચારીઓની વિવિધ માગણીઓ પી.એફ., ઉચ્ચતર, બઢતી, વાહન વ્યવહાર ભથ્થું, એલટીસી, ફરજ પર મૃત્યુ થાય તો ઉચ્ચક નાણાંકીય સહાય, સાતમું પગાર પંચ, કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવા, ભરતી વખતે પ્રાથમિકતા મળે જેવા મુદ્દાઓને લઈ ઘણા વર્ષોથી તબીબો અને નર્સિંગ એસોસિયેશન રજૂઆત કરી રહ્યું છે. વારંવાર લેખિત તથા મૈખિક રજુઆત કરવા છતાં પણ માગણીઓના સંતોષાતા આખરે હળતાળનો પાડી વિરોધ કરવો પડ્યો છે.

Most Popular

To Top