Madhya Gujarat

રેલવે બ્રીજનાં નાળામાં પાણી ભરાયા, 50 ગામોને અસર

કાલોલ: કાલોલ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસતા નવરાત્રી બાદ ચોમાસુ જામ્યું હોય તેવો માહોલ સર્જાયો છે તે પરિસ્થિતિમાં શુક્રવારના રોજ કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે રેલવે દ્વારા બનાવેલો અંડર બ્રિજ કે જેનું એક માસ અગાઉ નેતાઓની ગેરહાજરીમાં ગ્રામજનોએ લોકાર્પણ કરી દીધેલું તે બ્રિજમાં પાણી ભરાઈ જતા લોકોનું અવરજવર કરવુ મુશ્કેલ બની ગયું હતું ડેરોલ સ્ટેશન તેમજ આસપાસના 40 થી 50 ગામોને અસર કરતો આ પ્રશ્ન હોવાથી આસપાસના ગ્રામજનો મામલતદાર કચેરીએ વહેલી સવારે દોડી ગયા હતા અને સોશિયલ મીડિયા ઉપર આ પ્રશ્ન રજુ કરેલ .વધુમાં આ અંડર બ્રિજ બનવાને કારણે રેલવે દ્વારા બ્રિજની બંને બાજુ સંરક્ષણ દિવાલ બનાવી હોવાથી તેમજ નજીકમાં આવેલ પીંગળી ગામની ફાટક પાસે સમારકામ ચાલતું હોવાથી થોડા દિવસથી આ ફાટક પણ બંધ રહેતા રેલ્વે ટ્રેક પાસ કરવો મુશ્કેલ બની ગયો હતો.

આવી પરિસ્થિતિમાં આજરોજ વિદ્યાર્થીઓની એકમ કસોટી નું પહેલુ પેપર હોવાને કારણે વિદ્યાર્થીઓ જોખમી રીતે અંડર બ્રિજની છત ઉપર થઈને સ્કૂલમાં જવા મજબૂર બન્યા હતા આ બ્રિજ નો ઉપયોગ હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક સ્કૂલના લગભગ 2000 જેટલા વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિકો નિયમિત રીતે કરતા હોય છે ત્યારે આવી રીતે ભણશે ગુજરાત તેવો પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉઠી રહ્યો છે.સ્થાનિકોએ રજૂઆત કરતા કાલોલ ના મામલતદાર એચ.કે ખાંટ તેમજ પીએસઆઇ જે ડી તરાલ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નાળામાં પાણી ના નિકાલની કોઈ સગવડ નજરે પડતી ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર નાળુ બનાવ્યા બાદ નાાળામાં પાણી ભરાઈ જાય તેવી પરિસ્થિતિમાં નાળામાંથી પાણી કાઢવા માટે મોટર મુકવા લાઈટ કનેક્શન ની જવાબદારી સ્થાનિક ગ્રામ પંચાયત ઉપર નાખવામાં આવી હોવાનું જાણવા મળેલ વધુમાં નાળા ની માન્ય પહોળાઈ કરતા ઓછી પહોળાઈનું નાળુ બનાવ્યું હોવાનું પણ ગ્રામજનો દ્વારા ચર્ચાઈ રહ્યું હતું. ગ્રામજનોએ મામલતદાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરતા રેલવે એ બનાવેલી સંરક્ષણ દિવાલ કામચલાઉ ધોરણે તોડવાનું નક્કી કર્યું હતું જેથી કરીને સ્થાનિકો અને વિદ્યાર્થીઓ રેલ્વે ટ્રેકની બન્ને બાજુ અવરજવર કરી શકે.

આ તબક્કે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ આવી કપરી પરિસ્થિતિમાં સ્થાનિક નેતાઓ દેખાતા નહી હોવાનો અને માત્ર વોટ લેવા માટે જ આવતા હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે છેલ્લા છ સાત વર્ષથી ડેરોલ સ્ટેશન મુકામે રેલવે નો ઓવરબ્રિજનો પ્રોજેક્ટ બંધ પડી રહ્યો છે ગ્રામજનોએ વારંવાર વિરોધ પ્રદર્શન કરેલ છે અને તંત્ર દ્વારા નાયબ કલેકટર અને રેલવે સતાધીશો અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા ઓવરબ્રિજ બનાવવા ની ખાત્રી પણ આપવામાં આવી છે તેમ છતાં પણ ડેરોલ સ્ટેશન વિસ્તારમાં ઓવર બ્રિજનું કામ શરૂ થતું નથી તેવી પરિસ્થિતિમાં ગ્રામજનોને રેલવેની બીજી તરફ જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Most Popular

To Top