Gujarat

રાજ્યની આટલા એકર જમીનને 30 વર્ષ માટે લીઝ પર અપાશે

ગાંધીનગર (Gandhinagr): ગુજરાત એ દેશનું સૌથી વધુ ઝડપથી વિકસતું રાજ્ય છે. આજે CM રૂપાણીએ રાજ્યની ખેડવા લાયક જમીનમાં વધારો કરવા ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’ની જાહેરાત કરી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી ખેડવણની સરકારી પડતર જમીનોને લાંબાગાળાના લીઝ પર ફાળવી તેને ઉપજાઉ બનાવીને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતીથી વધુ આવક મેળવવાનો અને આવા પાક ઉત્પાદનના વેલ્યુએડીશનથી એકસપોર્ટ-નિકાસનું પ્રમાણ વધારવા તથા રોજગારના નવા અવસરો સર્જવાનો આ ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’નો મુખ્ય ઉદેશ્ય છે. CM રૂપાણીએ આ મિશનની જાહેરાત કરતાં વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં સુકા અને અર્ધસુકા તેમજ દરિયાકાંઠાના ખારાશવાળા વિસ્તારોને કારણે કૃષિ વિકાસમાં બાધા આવે છે.

રાજ્ય સરકારે કૃષિ વિકાસ માટે દેશમાં કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્ડકાર્ડ, જળસંચય અભિયાન, ડ્રીપઇરીગેશન, સાત પગલાં ખેડૂત કલ્યાણના, કિસાન સૂર્યોદય યોજના મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના જેવા આયામોથી ગુજરાતને કૃષિ વિકાસ દરમાં દેશભરમાં અગ્રેસર રાખ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્યની 196 લાખ હેકટર જમીન પૈકીની 50 ટકા એટલે કે 98 લાખ હેકટર જમીન ખેતી હેઠળ આવેલ છે તેમજ પડતર અને બિન ઉપજાઉ જમીનોમાં બાગાયતી અને ઔષધિય પાકોના વાવેતરની વિપૂલ સંભાવનાઓ છે.

રાજ્ય સરકારની કૃષિ ટેકનોલોજીને પ્રોત્સાહન, સિંચાઇ સુવિધા અને ખેડૂત હિતકારી નીતિઓના પરિણામે સૂકા, અર્ધસુકા કે ખારાશ ધરાવતા વિસ્તારો પણ કૃષિ ઉત્પાદનની હરિયાળીથી લહેરાતા થયા છે તેમ તેમણે ઉમેર્યુ હતું. CM રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં પિયત પાણી આપવાની યોજનાની સફળતાને પરિણામે આ વિસ્તારોની બિન ઉપજાઉ જમીનોને પણ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ફળ-ઝાડની વાડીમાં પરિવર્તીત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર રાજ્યમાં આવી અંદાજીત 50 હજાર એકર જમીનોની 30 વર્ષની લીઝ ઉપર ફાળવણી કરાશે.

જણાવી દઇએ કે થોડા દિવસ પહેલા રાજ્યની સિદ્ધિઓમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઇ છે. GSRTCને સતત ત્રીજી વખત સલામત બસ સેવાનો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ સાથે ગુજરાત ST નિગમને બે લાખનું ઇનામ પણ મળ્યુ છે. એક સર્વે મુંજબ રાજ્યમાં 1 લાખ કિલોમીટરે થતા અકસ્માતનું પ્રમાણ 0.06% રહ્યું છે. ગુજરાતની ST બસોમાં દરરોજ 25 લાખ જેટલા મુસાફરો પ્રવાસ કરે છે. અને પ્રતિદિન 34 લાખ જેટલું કિલોમીટર કાપે છે. ગુજરાતના ST વિભાગને એવોર્ડની જાહેરાત કરાતા જ ST વિભાગે ST અમારી-સલામત સવારીના સૂત્રને સાર્થક કર્યું હોય તેવું લાગી રહ્યું છે. એટલે જ 1 લાખ કિલોમીટરે ઓછામાં ઓછા અકસ્માતથી સંચાલન કરીને 7500 ફલીટ સર્વિસની કક્ષામાં રાજ્યના ST વિભાગે આ એવોર્ડ મેળવ્યો છે. નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં એટલે કે, 2009-10થી 2019-2020 રાજ્યમાં ST બસનું અકસ્માતનું પ્રમાણ 0.11%થી ઘટીને 0.06% થયું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top