National

સિક્કિમમાં 3 હજાર પ્રવાસીઓ 4 દિવસથી ફસાયા છે, 56ના મોત

સિક્કીમ(Sikkim): નેપાળમાં (Nepal) ભૂકંપ (Earthquake) બાદ તળાવ ફાટવાના કાર્રેણે અચાનક આવેલા પૂરે (Flood) સિક્કિમમાં ભારે તબાહી મચાવી છે. સિક્કિમમાં મૃત્યુઆંક વધીને 26 થયો છે. જ્યારે 142 લોકો હજુ પણ ગુમ છે, તેમની શોધખોળ ચાલુ છે. પશ્ચિમ બંગાળમાં 30 મૃતદેહો મળી આવ્યા છે. પૂરના કારણે કુલ મૃત્યુઆંક 56 પર પહોંચી ગયો છે. ગુમ થયેલા સૈન્યના 22માંથી 7 જવાનોના મૃતદેહ મળી આવ્યા છે.

સિક્કિમમાં તિસ્તા (Tista) નદીમાં અચાનક આવેલા પૂરના લીધે ભારે ખાનખરાબી સર્જાઈ છે. ચાર દિવસ પછી પણ કાદવ અને કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા છે. સિક્કિમ પૂરમાંથી અત્યાર સુધીમાં 56 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી પશ્ચિમ બંગાળમાં તિસ્તા નદીના બેસિનમાંથી 30થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. સેનાના 22 જવાનો ગુમ થયા હતા, જેમાંથી 7ના મૃતદેહ મળી આવ્યા છે. રાજ્યમાં 3 હજાર પ્રવાસીઓ ચાર દિવસથી ફસાયેલા છે. પરંતુ ખરાબ હવામાન હવાઈ બચાવ કામગીરીમાં મુશ્કેલી થઈ રહી છે. શુક્રવારે વાયુસેનાએ MI-17 હેલિકોપ્ટર વડે ઓપરેશન હાથ ધરવાના અનેક પ્રયાસો કર્યા હતા.

પશ્ચિમ બંગાળ સરકારના જણાવ્યા અનુસાર, ત્રણ જિલ્લાઓ, સિલીગુડી, જલપાઈગુડી અને કૂચબિહારમાં તિસ્તા નદીના બેસિનમાંથી મૃતદેહો મળી આવ્યા છે. સિક્કિમ સરકારના જણાવ્યા અનુસાર, મંગનમાંથી ચાર મૃતદેહો, ગંગટોકમાંથી છ અને પાક્યોંગ જિલ્લામાંથી ભારતીય સૈનિકોના સાત મૃતદેહો સહિત 16 મૃતદેહો મળી આવ્યા છે. સિક્કિમ સરકારના તાજેતરના આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં 142 લોકો ગુમ છે અને 25,000 થી વધુ લોકો આ આફતથી પ્રભાવિત થયા છે.

ઉત્તર સિક્કિમમાં સંદેશાવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. બરડાંગમાંથી ગુમ થયેલા 22 આર્મી જવાનોમાંથી 7ના મૃતદેહ તિસ્તાના નીચેના ભાગોમાંથી મળી આવ્યા છે. જ્યારે એક જવાનનો બચાવ થયો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, બાકીના ગુમ સૈનિકોની સિક્કિમ અને પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગોમાં શોધ કરવામાં આવી રહી છે.

13 પુલનું ધોવાણ, 1200 મકાનોને નુકસાન
તમને જણાવી દઈએ કે બુધવારે વહેલી સવારે વાદળ ફાટવાને કારણે સિક્કિમની તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે 25 હજારથી વધુ લોકો આ દુર્ઘટનામાં પ્રભાવિત થયા છે. પૂરને કારણે 1,200થી વધુ મકાનોને નુકસાન થયું છે. કુલ 13 પુલ ધોવાઈ ગયા છે. અત્યાર સુધીમાં જુદા જુદા વિસ્તારોમાંથી 2,413 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યભરમાં 22 રાહત શિબિરોમાં 6,875 લોકોએ આશ્રય લીધો છે.

ત્રણ હજાર પ્રવાસીઓ ચાર દિવસથી ફસાયેલા છે
ઉત્તર સિક્કિમમાં ફસાયેલા લગભગ 3,000 પ્રવાસીઓને હજુ સુધી બહાર કાઢી શકાયા નથી. વાયુસેના દ્વારા MI-17 હેલિકોપ્ટર મોકલવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તે સફળ થયા ન હતા. નીચાણવાળા વિસ્તારોમાં વાદળો છવાયેલા હોવાને કારણે અને લાચેન અને લાચુંગની ખીણોમાં ઓછી વિઝિબિલિટીને કારણે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી હેલિકોપ્ટર બાગડોગરા અને ચટેનથી ઉડાન ભરી શકતા નથી. સૂત્રોએ કહ્યું કે, જો હવામાન સારું રહેશે તો શનિવારે સવારે હવાઈ બચાવ કામગીરી ફરી શરૂ થવાની આશા છે.

મૃતકોના પરિવારજનો માટે 4 લાખના વળતરની જાહેરાત
મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે મૃતકોના પરિવારજનો માટે 4 લાખ રૂપિયાનું વળતર અને શિબિરોમાં રહેલા લોકોને 2,000 રૂપિયાની તાત્કાલિક રાહત આપવાની જાહેરાત કરી છે. CMએ કહ્યું, હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અમે અત્યારે નુકસાન વિશે ચોક્કસ માહિતી આપી શકતા નથી. એક કમિટી રચાયા બાદ અને તેનું વિશ્લેષણ પૂર્ણ કર્યા બાદ તેની જાણ કરવામાં આવશે. અમારી પ્રથમ પ્રાથમિકતા ફસાયેલા લોકોને બચાવવાની અને તેમને તાત્કાલિક રાહત પૂરી પાડવાની છે.

Most Popular

To Top