Columns

સોમાલિયાના દરિયાઇ ચાંચિયાઓનો વાર્ષિક ૧૫૦ અબજ ડોલરનો કારોબાર

દરિયાઈ માર્ગો પર મુસાફરી હંમેશા જોખમી રહી છે. કઠોર હવામાન હોવા છતાં ચાંચિયાઓનો ભય હજુ પણ યથાવત્ છે. ભલે આજે દુનિયાએ ગમે તેટલી પ્રગતિ કરી હોય, તેમ છતાં નિયમિત સમયાંતરે ચાંચિયાઓ દ્વારા જહાજોને હાઇજેક કરવામાં આવતા હોવાના અહેવાલો આવે છે. આ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ભારતીય નૌકાદળે હમણાં અરબી સમુદ્રમાં એક કાર્ગો જહાજ MV રુએનને હાઇજેક થવાથી બચાવ્યું. આ જહાજમાં ૧૮ ક્રૂ મેમ્બર હતા અને લગભગ ૬ ચાંચિયાઓ જહાજને સોમાલિયા તરફ લઈ જઈ રહ્યા હતા.

ખતરાની જાણ થતાં જહાજના કેપ્ટને UKMTO પોર્ટલ પર સંદેશો છોડ્યો કે જહાજ મુશ્કેલીમાં છે. હાઇજેક થવાનો ભય છે. ૬ અજાણ્યા લોકો હથિયારો સાથે અમારી તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે ભારતીય નૌકાદળને આ સંદેશ મળ્યો કે તેણે તરત જ કાર્યવાહી કરી અને કાર્ગો જહાજને શોધવા અને તેની મદદ કરવા માટે સર્વેલન્સ એરક્રાફ્ટ મોકલ્યા હતા. યુરોપિયન યુનિયન અને સ્પેન પણ જહાજની મદદ માટે આવ્યા હતા, પરંતુ ભારતીય નૌકાદળનું જહાજ મદદ કરવા માટે પહેલાં પહોંચ્યું હતું અને તેણે બચાવ કામગીરી પૂર્ણ કરી હતી. ભારતીય નૌકાદળને સૌથી પહેલાં મુશ્કેલીમાં રહેલા જહાજનો સંદેશ મળ્યો હતો.

સંદેશ મળતાંની સાથે જ ભારતીય નૌકાદળે એડનની ખાડીમાં તૈનાત તેના એન્ટી-પાયરસી પેટ્રોલિંગ વોરશિપને એલર્ટ કરી દીધું હતું. આ પછી ઘટના સ્થળનું હવાઈ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ચાંચિયાઓએ ભારતીય નૌકાદળને જોતાં જ તેઓ ભાગી ગયા હતા. આ પછી ભારતીય નૌકાદળના જવાનોએ કાર્ગો જહાજનું નિરીક્ષણ કર્યું હતું. હાલમાં કાર્ગો જહાજ ભારતીય નૌકાદળની દેખરેખ હેઠળ તેના ગંતવ્યસ્થાન સોમાલિયા તરફ આગળ વધી રહ્યું છે. ૨૦૧૭ પછી અરબી સમુદ્રમાં હાઇજેકનો આ બીજો કિસ્સો છે. જહાજ હાઇજેક થયાના સમાચાર ફેલાતાં જ બ્રિટને આ વિસ્તારમાંથી પસાર થતાં જહાજોને એલર્ટ કરી દીધાં હતાં.

એક બંદૂક, બીજા જહાજ પર ચઢવા માટે એલ્યુમિનિયમની સીડી અને મોટરબોટ. એડનના અખાતમાં લૂંટ ચલાવતા સોમાલિયાના ચાંચિયાઓ પાસે માત્ર આટલાં સાધનો જ હોય છે. પછી કોઈ પણ કોમર્શિયલ જહાજ ત્યાંથી પસાર થાય કે તરત જ તેઓ તેને નિશાન બનાવે છે. તેઓ ચાંચિયા બનવાને સૌથી સરળ ધંધો માને છે. તેમના પર કોઈ દેશનો કાયદો કામ કરતો નથી. તેમના દેશ સોમાલીયા કોઈ કાર્યકારી અથવા સક્રિય સરકાર નથી, જેના કારણે આ ચાંચિયાઓ નિયંત્રણની બહાર ગયા છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં એડનની ખાડીમાં તેમની ગતિવિધિઓ ઘટી છે. કારણ એ છે કે આ વિસ્તાર સુરક્ષા કવચમાં આવી ગયો છે, પરંતુ હવે તેઓ અન્ય વિસ્તારોમાં જઈ રહ્યા છે. હવે તો એવો ભય છે કે તેઓ લૂંટ કરવા ભારતના દરિયામાં પણ આવી શકે છે.

સોમાલિયામાં ગેસ, યુરેનિયમ અને તેલનો પૂરતો જથ્થો છે. અહીં સોનાની મોટી ખાણો આવેલી છે. પરંતુ છેલ્લા બે દાયકામાં અનાજના અભાવે ૨૦ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેનું કારણ એ છે કે સોમાલિયાની સરહદે આવેલા દેશ ઇથોપિયાની મદદથી બ્રિટન, ઇટાલી અને ફ્રાંસની સરકારે અહીંની ખનિજ સંપત્તિ પર હુમલો કરીને અહીંની કૃષિ વ્યવસ્થાને લકવાગ્રસ્ત કરી દીધી હતી. આ દેશો વસાહતો બન્યા પછી અહીં ખેતીમાં રસાયણોનો બેફામ ઉપયોગ થવા લાગ્યો હતો. તેને કારણે ધીરે ધીરે સોમાલિયાની ૬૮ ટકા જમીન બંજર બની ગઈ હતી. લાંબા સમયથી વરસાદના અભાવે ઉપજ સંપૂર્ણપણે નાશ પામી હતી. લાખો લોકો ભૂખમરાનો શિકાર બન્યાં હતાં.

વર્ષ ૧૯૯૧ માં મોગાદિશુ સરકારના પતન પછી પડોશી દેશોએ સોમાલીના પાણીમાં માછીમારી કરવાનું શરૂ કર્યું હતું. કોસ્ટ ગાર્ડ તરીકે દેખાડીને તેઓએ સોમાલિયાનાં લોકોને માછીમારી કરતાં રોકવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત અન્ય લૂંટારુઓ સંયુક્ત રાષ્ટ્ર તરફથી આપવામાં આવતી ખાદ્ય સામગ્રીની પણ લૂંટ કરતા હતા. વર્ષ ૨૦૦૮ માં એડનના અખાતમાં એશિયા-યુરોપ માર્ગ પર સોમાલી ખલાસીઓએ ૪૦ મોટા જહાજોને હાઇજેક કર્યા હતા. ત્યારથી ભૂખ સામે લડી રહેલા સોમાલિયાનાં લોકોએ ચાંચિયાગીરીનો માર્ગ અપનાવ્યો હતો. તેઓ માને છે કે દરિયાઇ ડાકુ બનવું એ સૌથી સરળ કામ છે. વર્ષ ૨૦૦૮માં સોમાલિયન ચાંચિયાઓએ જહાજો અને તેમના ખલાસીઓને બંધક બનાવીને ૧૫૦ અબજ ડોલરની લૂંટ કરી હતી. આજે આ લૂંટ તેમની આવકનો સૌથી મોટો સ્રોત બની ગયો છે. આમાં સૌથી વધુ સફળ લૂંટારાઓ સ્નાતક હોય છે. નાના પાયાના લૂંટારાઓ એક વર્ષમાં તેમની કમાણી સરેરાશ પાંચ આંકડા સુધી લઈ જાય છે.

સોમાલિયાના ૧,૮૦૦ માઇલ લાંબા દરિયાઈ માર્ગમાંથી પસાર થતી વખતે જહાજો પર વારંવાર ચાંચિયાઓ દ્વારા હુમલો કરવામાં આવે છે. તેઓ તેમના પર રોકેટ લૉન્ચરથી હુમલો કરે છે અને જહાજ પરનાં લોકોનું અપહરણ કરે છે. તેમને મુક્ત કરવાના બદલામાં તેઓ તેમની સરકાર પાસેથી ખંડણી માંગે છે. હિંદી મહાસાગર પર સ્થિત તાંઝાનિયા પણ મહત્ત્વના જળમાર્ગોમાંથી એક છે. અહીંથી પણ અવારનવાર ચાંચિયાઓએ જહાજોની લૂંટ અને અપહરણ કર્યાના અહેવાલો આવ્યા કરે છે. ઇંડોનેશિયામાં પણ અનેક જહાજોની લૂંટ થઈ હોવાના અહેવાલ આવ્યા કરે છે; પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીંની સરકાર તેમને અંકુશમાં રાખવામાં સફળ રહી છે.

નાઇજીરિયામાં પણ દરિયાઇ ચાંચિયાઓનો આતંક છે. એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં થતી ચાંચિયાગીરીની ૨૦ ટકા ઘટનાઓ આ વિસ્તારમાં થાય છે. એડનનો અખાત પણ ચાંચિયાઓ માટે પ્રિય વિસ્તાર છે. લાલ સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએઝ કેનાલ પર ચાંચિયાઓનો આતંક છે. બાંગ્લા દેશના ચિત્તાગોંગ બંદર પર પણ ચાંચિયાગીરીની ઘટનાઓ બનતી રહે છે; પરંતુ હવે તેમની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. પેરુના કાલાઓ બંદર પર વારંવાર ચાંચિયાઓ દ્વારા હુમલો કરવામાં આવે છે, જેના કારણે અહીં ગેરકાયદે ડ્રગ્સનો ધંધો પણ ઝડપથી વધ્યો છે. મલેશિયાનો દરિયાઈ વિસ્તાર ચાંચિયાઓના આતંકથી પણ પરેશાન હતો; પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખાનગી સિક્યોરિટી ગાર્ડની સેવાઓને કારણે આ વિસ્તારમાં દરિયાઇ ચાંચિયાઓ ઉપર અંકુશ આવી ગયો છે.

સોમાલી ચાંચિયાઓએ અરબી સમુદ્ર અને ભારત મહાસાગરમાં સેંકડો જહાજો પર હુમલો કર્યો છે. જો કે મોટા ભાગના હુમલાઓ સફળ હાઇજેકમાં પરિણમતા નથી. વર્ષ ૨૦૦૮માં દરિયાઇ ચાંચિયાઓ દ્વારા ૧૧૧ હુમલાઓ થયા હતા, જેમાં ૪૨ હુમલાઓ જ સફળ થયા હતા. જો કે, આ સમુદ્રમાંથી પસાર થતાં ૩૦,૦૦૦ જેટલા વેપારી જહાજોનો માત્ર નાનકડો અંશ જ હુમલાનો ભોગ બન્યો હતો. જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૦૯માં હુમલાનો દર ૨૦૦૮ના સમાન સમયગાળાની તુલનામાં લગભગ ૧૦ ગણો વધારે હતો અને ત્યાં માર્ચમાં લગભગ દૈનિક ધોરણે હુમલાઓ થયા હતા. આમાંના મોટા ભાગના હુમલા એડનના અખાતમાં થયા હતા; પરંતુ ત્યાર બાદ ચાંચિયાઓએ તેમનો ભૌગોલિક વ્યાપ વધાર્યો હતો અને હિંદ મહાસાગરમાં કેન્યાના કિનારે દક્ષિણમાં જહાજો પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં ભારતીય નૌકાદળના યુદ્ધજહાજો સતત પહેરો ભરતા હોવાથી સોમાલિયાના ચાંચિયાઓ સામાન્ય રીતે તેમનો સામનો કરવાનું ટાળતા હોય છે.

Most Popular

To Top