Gujarat

ગુજરાતમાંથી 10 વર્ષમાં પકડાયો 149 કરોડનો દારૂ, જાણો ક્યાં શહેરમાંથી સૌથી વધારે દારૂ પકડાયો

સુરત: ગુજરાતમાં (Gujarat) દારૂબંધી ફક્ત કાગળ પર છે. કારણ કે રાજ્યમાંથી દર વર્ષે કરોડોનો દારૂનો (Alcohol) જથ્થો પકડાય છે. છેલ્લા 10 વર્ષ માં સ્ટેટ મોનીટરીંગ સેલ (State Monitoring Cell) દ્વારા આખા ગુજરાત માંથી 2720 જેટલા કેસો નોંધવામાં આવ્યા છે. જે પૈકી 75 કરોડ રૂપિયાની કિંમત ધરાવતો દારૂ પકડવામાં આવ્યો છે. કુલ 149 કરોડની કિંમતનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. સુરતના RTI કાર્યકર્તા સંજય ઇઝાવાને સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ માહિતીમાં આ ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

ગુજરાતભરના કુલ કેસો પૈકી 44% જેટલા કેસો સુરત કમિશ્નર રેટ વિસ્તાર અને સુરત રેન્જ વિસ્તાર મળીને નોંધવામાં આવેલ છે. સુરત કમિશ્નર રેટ વિસ્તારમાં 254 કેસો અને સુરત રેન્જ વિસ્તારમાં 633 મળીને 887 કેસો ફક્ત સુરતમાંથી છે. 887 કેસો પેટે 20.66 કરોડનો દારૂ અને 44.22 કરોડનો મુદ્દામાલ ફક્ત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે.

સુરત પછી અમદાવાદ કમિશ્નર રેટ વિસ્તારમાં 286કેસો અને અમદાવાદ રેન્જ વિસ્તારમાં 133 મળીને 419 કેસો ફક્ત અમદાવાદમાં નોંધાયેલ છે. 419 કેસો પેટે 7.62 કરોડનો દારૂ અને 15.26 કરોડનો મુદ્દામાલ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે. સુરત અને અમદાવાદ પછી વડોદરા કમિશ્નર રેટ વિસ્તારમાં 149 કેસો અને વડોદરા રેન્જ વિસ્તારમાં 261 મળીને 410 કેસો વડોદરામાં નોંધાયેલ છે. 410 કેસો પેટે 9.60 કરોડનો દારૂ અને 18.81 કરોડનો મુદ્દામાલ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે.

સુરતના RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ જણાવ્યું કે, ગુજરાતમાં વર્ષ 2020 કરતા વર્ષ 2021 માં 116% ગણના પાત્ર કેસોમાં વધારો થયો છે, ત્યારે 2022 માં 172% અને વર્ષ 2023 માં ગત વર્ષ કરતા 131% વધુ કેસો નોંધવામાં આવેલ છે. ગુજરાતમાં દારૂબંધી અંગેના કડક અમલીકરણ વચ્ચે કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે સ્થાનિક પોલીસના હદ વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂનો જથ્થો પકડે છે એટલે એનો મતલબ એવો થાય છે કે ગુજરાતમાં બે નંબરમાં દારૂનો ઘંધો કરવા પોલીસ કોન્સ્ટેબલ થી લઇ ને ઉચ્ચ અધિકારી સુધી બુટલેગરઓને આશીર્વાદ આપી રહ્યા છે.

Most Popular

To Top