૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ખૂબ સુંદર પ્રશંસનીય સેવા છે. પરંતુ અનુભવના આધાર પર એના વહીવટ બાબતે કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. એક વાર વલસાડ જિલ્લામાંથી સુરત જવાની જરૂરિયાત ઊભી થઈ. એમ્બ્યુલન્સ આવી પછી ડ્રાઈવરે કહ્યું કે બીજા જિલ્લામાં તો નહીં જઈ શકાય. જયારે ૧૦૮ પર કોલ લગાવ્યો ત્યારે રિસીવ કરનાર બહેને બધું પૂછેલું કે ક્યાંથી બોલો છે અને ક્યાં જવાનું છે. એમણે તો એવું ન કહ્યું કે બીજા જિલ્લામાં એમ્બ્યુલન્સ નહીં જાય. અન્ય એક કિસ્સામાં ૧૦૮ માં સવાર થતાં પહેલાં ડ્રાઈવરે અમને જણાવ્યું કે એમ્બ્યુલન્સ ફક્ત સિવિલ હોસ્પિટલમાં જ જશે, કોઈ ખાનગી હોસ્પિટલમાં નહીં જશે.
અમારે ચાલુ એમ્બ્યુલન્સે લમણાઝીંક કરવી પડી. જો કે પછી અમારી જરૂરિયાત મુજબની ખાનગી હોસ્પિટલમાં ડ્રાઈવર લઇ ગયો ખરો. સરકાર મોટે ઉપાડે ૧૦૮ ની સેવાના ગુણગાન ગાય છે. પણ એમાં આવી છુપી શરતો છે ખરી? કે પછી બધું ડ્રાઈવરની મન-મરજી મુજબ ચાલે છે? જો નિયમમાં હોય કે એક જિલ્લામાંથી પાસેના જિલ્લામાં એમ્બ્યુલન્સ નહીં લઇ જવાય: કે પછી સરકારી કે સિવિલ હોસ્પિટલમાં જ લઇ જવાય તો સરકારે આવા નિયમો જાહેર કરવા જોઈએ.
દર્દીની કટોકટ હાલતમાં આંગણે આવી ગયેલ ૧૦૮ નો ડ્રાઈવર આવા નિયમો બતાવે તો દર્દીના પરિવારજનોએ શું કરવું? બીજું કે બધી એમ્બ્યુલન્સમાં ઓક્સિજનની વ્યવસ્થા હોતી નથી. આપણે માની લીધું હોય કે ઓક્સિજન સહિત બધી પ્રાથમિક આવશ્યકતાઓથી વાહન સંપન્ન હશે તો આપણે ખોટા પડીએ. અમારા ઉપયોગમાં લીધેલ એમ્બ્યુલન્સમાં બરાબર દર્દીના માથા પાસે જ એક વ્હીલ પડેલું હતું, જેનું ટાયર અત્યંત ગંદું અને દુર્ગંધ મારતું હતું. વળી, એમ્બ્યુલન્સમાં ડોક્ટર નથી હોતા. માત્ર એક શિખાઉ નર્સ હોય છે.
એક વાતની પ્રશંસા કરવી પડે કે ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સ આંગણે આવીને ઊભી રહે છે. પણ એની ઉણપો તો દૂર થવી જોઈએ. ૧૦૮ પર લગાવેલો કોલ જે ઓફિસમાં રિસીવ કરવામાં આવે છે એને બધા નિયમોની જાણકારી હોવી જોઈએ. સરકારે પણ જે નિયમો હોય તે લોકોના ધ્યાનમાં આવે એવું કરવું જોઈએ. જો બધું ડ્રાઈવરની મરજી મુજબ ચાલતું હોય તો આવશ્યક પગલાં લેવાવા જોઈએ.
ઉમરગામ – ઉમેશ દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.