Business

‘સ્માર્ટ સિટીમાં એક વૃદ્ધાશ્રમ પણ અનિવાર્ય વ્યવસ્થા બને છે’

અંગ્રેજોની ગુલામી દરમ્યાન પરંપરાગત કૃષિ વ્યવસ્થાના સ્થાને માનસિક દબાણથી ઘેરાએલ નોકરિયાત-વિભકત સમાજ તૈયાર થતાં સમાજ કુપોષણ, વ્યસન, રોગચાળો, નિરક્ષરતા, સ્વાતંત્ર્યના અભાવ સાથે ગરીબાઇમાં ઢસડાઇ ગયો. પરિણામે ભારત આઝાદ થયું ત્યારે હિંદુસ્તાનીઓનું સરેરાશ આયુષ્ય ૩૮ વર્ષ થઇ ગએલ. અંગ્રેજોની સમાજવ્યવસ્થાને છિન્ન-ભિન્ન કરવાની રાજકીય ચાલના કારણે ૧૯૪૮માં, ૩૮ કરોડ દેશવાસીઓની વસ્તીમાં ૬૦ વર્ષથી મોટાં નાગરિકોની સંખ્યા ૧.૨૦ કરોડ માત્ર હતી તેવું પ્રથમ પંચવર્ષીય યોજનાના મુસદ્દામાં વાંચવા મળે છે.  પરંતુ સ્વતંત્ર ભારતના લોકશાહી તંત્રમાં ભારતીય સમાજનું ચિત્ર બદલાયું છે. ૧૯૫૧માં ૧૦૦ની વસ્તીએ ૬ વૃધ્ધોની સંખ્યા હતી તે વર્ષ ૨૦૨૧માં ૧૪ ની થઇ છે. રોગપ્રતિકારક રસી, લાઇફ સેવિંગ ડ્રગ્ઝની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધિ, વિકસિત આરોગ્ય વિજ્ઞાન, શિક્ષણ, પોષક આહાર પ્રત્યે જાગૃતિ તથા બંધારણે આપેલ નાગરિક સ્વાતંત્ર્યના કારણે આજે વર્ષ ૨૦૨૦ના સેન્સસ પ્રમાણે વસ્તીવૃદ્ધિ દર ૨.૬૬% એ સ્થિર થયો છે તથા સરેરાશ ૭ર વર્ષની આયુએ પહોંચેલાં વૃદ્ધોની સંખ્યા ૩.૮૫% એ પહોંચી છે, જે કંઇક અંશે સમૃદ્ધ લોકશાહીનું દર્શન આપે છે.

આઝાદીનાં ૭૫ વર્ષ દરમિયાન શિક્ષણ, રોજગારી, માળખાગત સુવિધાથી માંડી અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર અનુકૂળ સ્થિતિ સર્જાઇ છે; તો સિકકાની બીજી બાજુએ શહેરીકરણના કારણે ટ્રાફિક સમસ્યા, નાના આવાસ, અસહ્ય મોંઘવારી, રોગની અત્યંત ખર્ચાળ સારવાર, વિભક્ત અને નાના કુટુંબ પ્રકારે કેટલીક વિપરીત પરિસ્થિતિ ભારતીય સમાજે સ્વીકારવી પડી છે. આમ છતાં, આઝાદી પછી જન્મેલા અને અમૃતવર્ષનો આનંદ લેતાં વયસ્કો પાસે તો શિક્ષણ છે, પોતાની નિવૃત્તિને માણવાજોગ પૈસા છે, સારું સ્વાસ્થ્ય છે, સ્વતંત્ર વિચારસરણી છે. આથી આજે ૬૦ વર્ષ વટાવી ચૂકેલાં સીનીયર સીટીજનોને આઝાદી પૂર્વે ઘરડા લોકોની વ્યથા સહન કરવી પડતી, નથી જે આનંદદાયક બને છે.

આ સ્થિતિમાં ગુજરાતમાં સક્રિય તેવા ર૮ વૃદ્ધાશ્રમોનાં વડીલો ઉપર થયેલા અભ્યાસથી ફલિત થાય છે કે, વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબુર વડીલો, શારીરિક રીતે રોગગ્રસ્ત હાલત ધરાવે છે, મનથી ભાંગી ગયાનું જણાય છે. વૃદ્ધાશ્રમમાં રહેવા છતાં સ્વતંત્ર રીતે નિર્ણય લઇ શક્તાં નથી. સામાજિક અનુકૂલન સાધવામાં નિષ્ફળ માણસને જ વહુ-દીકરાઓ વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે, તેવા પરંપરાગત ખ્યાલના લીધે વૃદ્ધાશ્રમનાં આશ્રમવાસીઓ પોતાને અસામાજિક અન્યાયનો ભોગ બનેલ જાણી સ્વ પ્રત્યે સતત હીનભાવ અનુભવે છે. મજબુરીથી કે પછી લાગણીવશાત પોતાનાં સંતાનોને સઘળી સંપત્તિ સોંપી દીધી હોય અને કુટુંબે વડીલોની હિસ્સેદારીનો કાંકરો કાઢી નાખ્યો હોય છે ત્યાં વડીલને પોતાની મુર્ખામીનો કીડો સતત ખોતર્યા કરે છે.

પીડા આપ્યા કરે છે. યુવાનીમાં કોઇ વ્યસન કે અયોગ્ય જીવનપદ્ધતિની ફળશ્રુતિ તરીકે માંદગી સહેતાં વડીલો પણ દુર્દશામાં ધકેલાય છે અને વૃદ્ધાશ્રમોમાં પણ પોતે બોજારૂપ છે તેવા ભાવથી પીડાય છે. વડીલ પોતાને અસુરક્ષિત અનુભવે છે. જો કે પોતાની યુવાનીમાં કલા, સાહિત્ય, તબીબી સેવા કે માનવસેવાના કોઇ ગમતા ક્ષેત્રમાં જાતને જોડી રાખવાની ક્ષમતા ધરાવતાં વડીલો પોતાને નિરર્થક, અવરોધરૂપ કે બોજારૂપ જાણતાં નથી તે અવલોકન આશાસ્પદ બને છે. સર્વેક્ષણ અનુસાર વૃદ્ધાશ્રમમાં વડીલોને આવવાનાં કારણો અને તેમની સામાજિક સ્થિતિ વિશે જમીની હકીકત એ છે કે,

(૧) જે વડીલો પોતાની આવક્નો સ્વતંત્ર સ્રોત ગુમાવે છે તેઓનું પછીથી કુટુંબમાં માન-સન્માન જળવાતું નથી. વૃદ્ધાશ્રમમાં રહેતાં વડીલો પૈકી ૭૦% વડીલો માટે આ હકીકત લાગુ પડે છે. (૨) એક સમયે પોતે સ્વતંત્ર રીતે ધંધો કરી આવક મેળવતાં વડીલો પોતાનાં સંતાનોને ધંધો સોંપી દે છે. તે પછી સંતાનો જે રીતે ધંધો આગળ ખેંચે છે તેથી વડીલોને સંતોષ હોતો નથી. કુટુંબમાં મતભેદ ઊભા થાય છે અને વડીલ પૈસા અને કુટુંબ બંનેથી દૂર થઇ જાય છે. વૃદ્ધાશ્રમમાં રહેતાં વડીલો પૈકી ૫૬% વડીલોના વૃદ્ધાશ્રમના નિવાસનું આ જ કારણ છે.

(૩) મા-બાપે પેટે પાટા બાંધી રાત્રે ઉજાગરા વેઠી દીકરાને ઉછેર્યો હોય ને મોટો થતાં દીકરો વહુનો થઇ જાય છે ત્યારે મા ને ભારે આઘાત પહોંચે છે.જો કે દીકરો તો વહુનો જ રહે છે, પણ મા વૃદ્ધાશ્રમની અંતેવાસી થઇ જાય છે. વૃદ્ધાશ્રમમાં રહેતી ૮૦% બહેનો માટે આ સ્થિતિ કારણભૂત છે. (૪) જે કુટુંબમાં મા અને બાપ બંને નોકરી કરતાં હોય છે ત્યાં બાળઉછેરમાં કૌટુંબિક સમાયોજનનો એક ખાલીપો વિકસતો હોય છે અને મોટી ઉંમરે કોઇ કારણસર મા-બાપને વૃદ્ધાશ્રમમાં રહેવાની સ્થિતિ આવે તો નોકરીઆત મા-બાપનું બાળક અલગ રહેવાની વાત પ્રત્યે આઘાત નથી અનુભવતું. આ વાત વૃદ્ધાશ્રમમાં આવતાં ૪૪% વડીલો માટે જમીની હકીકત બને છે.

(૫) વડીલોને ચેપી રોગ હોય, કોઇ ગંભીર બીમારી હોય, શરીરે ખોડ-ખાંપણ હોય અને સંતાનો તેની કાળજીના ખર્ચને પહોંચી શકે તેમ ન હોય તો આવાં વડીલો કુટુંબનું બહાનું કાઢીને વૃદ્ધાશ્રમમાં રહેવા આવી જાય છે. આવી સ્થિતિ ૩૮% વૃદ્ધોમાં જોવા મળે છે. ગામડાંઓમાં સ્થપાતા વૃદ્ધાશ્રમોના અભ્યાસમાં જણાયું છે કે, ભાભા ખેતરે રખોપુ કરવામાં, પશુ સંભાળમાં કુટુંબને સહકાર ન આપે ને ચોરે બેસી તમાકુ, ગાંજો કે દારૂની લતે ચડયા હોય તો ગામ આખું ભેગું થઇ તેને આશ્રમે મૂકી આવે છે. આવાં કારણો ૧૦% વડીલો માટે સાચાં ઠરે છે.

(૬) એકથી બે બે બાળકો, નોકરી ધંધાવશાત બાળકોનું પરદેશમાં રહેવું, મુંબઇ-મદ્રાસ – કલકતા જેવાં શહેરોમાં ગીચ અને નાના આવાસની સમસ્યા, તેમ અશિસ્તભર્યા ટ્રાફિકના લીધે વડીલોને અકસ્માતનાં ભયનાં કારણો વૃદ્ધો કૌટુંબિક સમન્વય છતાં, શહેરોનાં નાના ઘરના બદલે વૃદ્ધાશ્રમમાં રહેવાનું પસંદ કરે છે. દિવસમાં મોબાઇલ ઉપર ૨-૫ વખત સંતાનો સાથે દેશ-વિદેશમાં વાત કરી આનંદ લે છે અને તહેવારોની ઉજવણી સમયે બાળકો પાસે ચાલ્યાં જાય છે. ગુજરાતના વૃદ્ધાશ્રમોમાં રહેતાં પર% સુખી વડીલો આ સ્થિતિમાં જીવન માણે છે.

આમ છતાં, આઝાદી પછી શારીરિક સ્વાસ્થ્યની સ્થિતિ સુધરતાં સામાન્ય સંજોગોમાં તો વ્યક્તિ ૭૦મા વર્ષે પણ પોતાનું કામ જાતે કરી લેનાર રહ્યાનું જોવા મળે છે. સ્વતંત્ર ભારતનાં આવાં નાગરિકોને પસંદગીના શિક્ષણ, વ્યવસાય અને ખર્ચની સ્વતંત્રતા મળતાં આજે દેશની કુલ સંપત્તિનો ૪૬% હિસ્સો ૧૦% વડીલો પાસે ઉપલબ્ધ છે ત્યારે સામાજિક મૂલ્યોનું પુન:પ્રતિષ્ઠાન કરી વૃદ્ધાશ્રમોને અભિશાપ નહીં પણ આશીર્વાદ તરીકે પ્રસ્થાપિત કરીએ. વૃદ્ધાશ્રમોને સામાજિક રીતે તિરસ્કૃત વ્યક્તિના આશ્રયસ્થાન તરીકે નહીં, પણ જીવનસંધ્યાના છેલ્લા પડાવે ‘સ્વ-વિકાસ’’ના ઊર્જા કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરીએ.

ગુજરાતમાં દયા, ધર્મથી ચાલતા સેવા સંકુલ જેવા વૃધ્ધાશ્રમો તો છે જ, પણ તે જીવદયાકેન્દ્રથી વિશેષ નથી. ત્યારે ગુજરાતના વૃદ્ધાશ્રમો પહેલ કરી ૭૦ વર્ષથી મોટી ઉંમરનાં પતિ-પત્નીને સાથે રાખવાનું કામ કરે. ૭૦ વર્ષથી વધુ વય ધરાવતાં અને પોતાના ઘરમાં રહેતાં કુટુંબોમાં ટીફીન પહોંચાડે. આર્થિક રીતે સંપન્ન વડીલો એરકન્ડીશનની સુવિધા ધરાવતા રૂમો આપે. વૃદ્ધાશ્રમમાં જિમ્નેશ્યિમ, આરોગ્ય કેન્દ્રની સુવિધા સાથે વડીલોને વર્ષમાં ૨-૫ પ્રવાસો, નવરાત્રિ, જન્માષ્ટમી અને ધુળેટી જેવા તહેવારોની સુવિધા આપે. વૃદ્ધોના આરોગ્યને માફક આવે તેવા વૃધ્ધાશ્રમમાં તૈયાર કરેલ મિષ્ટાન્નથી વડીલો તૃપ્ત રહે છે. આથી જ તો સુરતમાં ‘થ્રી સ્ટાર’ વૃદ્ધાશ્રમ સ્થપાયું છે, તો વડોદરામાં સિનિયર સિટિઝન મલ્ટી સ્ટોરીડ બિલ્ડીંગો બંધાયા છે. આ પરિવર્તન આવકારદાયક છે અને શહેરીકરણ સાથે અનિવાર્ય પણ છે. સમય પરિવર્તનની સ્થિતિ સ્વીકારી વૃધ્ધાશ્રમમાં વસતા વડીલોને હ્યુમન રીસોર્સના હબ તરીકે વિકસાવીએ, જૂની અને નવી પેઢી વચ્ચેના સામાજિક સેતુ તરીકે વિકસાવીએ, વૃધ્ધાશ્રમને

રચનાત્મક સામાજિક સંકુલ તરીકે પ્રસ્થાપિત કરીએ અને સહુથી વિશેષ પારંપારિક મૂલ્યોને છોડી જીવનસંધ્યાના પડાવને સ્વ-વિકાસ કેન્દ્ર તરીકે વિકસાવીએ તો વૃધ્ધાશ્રમો આશીર્વાદરૂપ વ્યવસ્થા તરીકે સમાજમાં ગૌરવ મેળવી શકશે. દીકરા અને વહુમાં સંસ્કારોનો અભાવ તે મા-બાપને વૃધ્ધાશ્રમમાં મૂક્યાં તેવી પરંપરાગત સંકુચિતતા દૂર કરી વડીલોએ પણ પાક્ટ ઉંમરે પોતાનું જીવન આશ્રમવાસીઓના સમૂહ સાથે ગાળવું જોઇએ. શહેરીકરણના બંધિયાર જીવનમાંથી બહાર આવી વડીલો વચ્ચે આનંદ ઉલ્લાસથી સભર વિકસતું જીવન એટલે જ વૃધ્ધાશ્રમ.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top