Columns

સેલિબ્રિટી લગ્નો અને આપણી તુચ્છતા

હુ સમય પછી બોલીવૂડમાં શાનદાર લગ્ન થયા. કપૂર ખાનદાનના ચોથા વારસ રણબીર કપૂર અને ભટ્ટ પરિવારની નવી સ્ટાર આલિયા ભટ્ટના લગ્નમાં, ફિલ્મ દુનિયાની હસ્તીઓ તો શરીક થઇ, ચાહકો પણ નાચ્યા. આમ તો લગ્નના ફેરા 50 જેટલા મહેમાનોની હાજરીમાં સંપન્ન થયા હતા પરંતુ પૂજા, મહેંદી, ફેરા, રિસેપ્શન જેવી નાની-મોટી વિધિઓથી આખું સપ્તાહ જુહુમાં બંને ઘરો વ્યસ્ત હતાં. કોવિડની મહામારીમાંથી બહાર આવેલા સિનેમા ઉદ્યોગને લાગ્યું કે હવે બધું નોર્મલ થઇ ગયું છે. સોશ્યલ મીડિયા, ગોસીપ પત્ર-પત્રિકાઓ, TV ચેનલોને પણ ઘણા વખત પછી ‘જલસો’ પડી ગયો. આ પહેલાં, અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાય, રણવીર-દીપિકા અને પ્રિયંકા ચોપરા-નિક જોન્સના લગ્નની ભવ્યતા લોકોએ જોઈ હતી.

બોલીવૂડ અને લગ્નનો સંબંધ ઘનિષ્ઠ છે. હિન્દી સિનેમાની કહાનીઓમાં લગ્નોનો વિષય બહુ મહત્ત્વનો રહ્યો છે. જેમાં કે, ‘હમ આપ કે હૈ કૌન’, ‘દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘વિવાહ’, ‘વીર દી વેડિંગ’, ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘હમ સાથ સાથ હૈ’, ‘મેરે યાર કી શાદી’, ‘તનુ વેડ્સ મનુ’, ‘હમટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘બેન્ડ, બાજા, બારાત’ જેવી ફિલ્મોની કહાની લગ્નોની આસપાસ ફરતી હતી.

એવી જ રીતે, બોલીવૂડનાં સેલિબ્રિટી લગ્નો હંમેશાં લોકોના રસનો વિષય રહ્યા છે. જયારે હિરો-હિરોઈન અસલમાં ફેરા ફરવાનું નક્કી કરે ત્યારે ચાહકોને તેને લઈને ઝીણામાં ઝીણી વિગતોમાં રસ પડે છે. સેલિબ્રિટીઓની એક સાર્વજનિક ઈમેજ હોય છે, જે તેમના વ્યાવસાયિક કામથી બનતી-તૂટતી રહે છે. એ આપણા રિશ્તેદાર નથી, પરિચિત નથી, આપણે એમને મળ્યા પણ નથી અને છતાં તેમની સાથે આપણો અપનાપનનો એક સંબંધ હોય છે.

આપણે એમનું ગીત યુટ્યુબ ઉપર સાંભળીએ છીએ, એમની ગમતી ફિલ્મ જોઈએ છીએ, ઇન્ટરવ્યૂ વાંચીએ-સાંભળીએ છીએ, એમના વિશે પુસ્તકમાં કશું વાંચીએ છીએ, દોસ્તો સાથે એમની વાતો કરીએ છીએ, ગોસીપ કરીએ છીએ. સ્વાભાવિક છે કે આપણને તેમના અસલી જીવનમાં જે પણ કંઈ થઇ રહ્યું છે તેમાંય એટલો જ રસ પડે છે. આપણી ચર્ચાનો એ હિસ્સો બની જાય છે. 1965માં આવેલી ફિલ્મ “હમ સબ ઉસ્તાદ હૈ”માં ગીતકાર અસદ ભોપાલીએ એક જાણીતું ગીત લખ્યું હતું, તેમાં એક પંક્તિ હતી;

‘અજનબી, તુમ જાને પહચાને સે લગતે હો યે બડી અજીબ સી બાત હૈ’ ફિલ્મી કલાકારો તેમની કળા મારફતે આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયા હોય છે, તે આપણા અંતરંગ અજનબી હોય છે; અજનબી ખરા, પણ સુપરિચિત અજનબી. આપણે એમને આપણા મોટા થવાના સારા-ખરાબ સમયમાં જોયા હતા. સેલિબ્રિટીઓ સાથેનો આપણો સંબંધ આપણી પોતાની આઇડેન્ટિટીનો સંબંધ છે. યુવાન હતા ત્યારે આપણે આપણા રૂમની દીવાલો એમના ફોટાથી સજાવતા હતા, પર્સમાં એમના પિક્ચર રાખતા હતા, એમના જેવા વાળ કે કપડાં પહેરતા હતા. આપણે એ સ્ટારના વ્યક્તિત્વમાં આપણી આઇડેન્ટિટી જોતા હતા. લેખકોની કૃતિઓ, સંગીતકારોના સંગીત, ચિત્રકારોના ચિત્ર કે કવિઓની કવિતાઓમાં આપણે આપણું જ એક્સ્ટેન્શન જોતા હતા અને એટલે જ એમના જવાથી આપણી અંદર પણ કશુંક જવાનો અહેસાસ થતો હતો.

સફળ અને જાણીતા લોકો એક એવી જિંદગીનું પ્રતીક છે, જેનું આપણે સ્વપ્ન સેવીએ છીએ. આપણે સતત એમની એ જિંદગીને જોતા આવ્યા છીએ અને એટલી ચિરપરિચિત લાગે, જાણે આપણે ખુદ એનો એક ભાગ હોઈએ. એ શખ્સિયત જયારે એ જિંદગી છોડીને જાય છે ત્યારે આપણને એમ લાગે છે જાણે આપણી ખુદની જિંદગી ગઈ. જાણે એ આશા ગઈ. જાણે એ સ્વપ્ન તૂટ્યું. આપણે સિનેમાના અંધકારમાં અઢી કલાકની ‘વૈકલ્પિક રીયાલીટી’માં ખોવાઈ જઈને એ કલાકારો સાથે જીવનપર્યંત પલાયનવાદનો સંબંધ કાયમ કરીએ છીએ અને એટલે એ કલાકારની દરેક નાની-મોટી, મહત્ત્વની-ક્ષુલ્લક બાબતો આપણને જાણવી હોય છે. તેની એક એસ્પિરેશનલ-વેલ્યુ હોય છે. તેમની લાઈફ સ્ટાઈલ, તેમની સમૃદ્ધિ, તેમની પ્રેમ કહાનીઓ આપણા માટે “મોડેલ” બને છે. એટલા માટે, સેલિબ્રિટીઓનાં કપડાં સીવતા ડિઝાઈનરોની (આપણે તેમને દરજી નથી કહેતા) સમાજમાં “અલગ” ઈજ્જત હોય છે અને સેલિબ્રિટીઓનાં ઉતરેલાં કપડાંના પણ ઊંચા ભાવ હોય છે.

“આપણા સમાજમાં, સેલિબ્રિટીઓ ડ્રગ્સ જેવી છે,” જેમ્સ હોઉરન નામના એક મનોવિજ્ઞાનીએ સેલિબ્રિટી કલ્ચર અંગે કહ્યું હતું, “તેઓ આપણી આસપાસ જ હોય છે એટલે સરળતાથી ઉપલબ્ધ હોય છે.” સેલિબ્રિટીઓ પત્ર-પત્રિકાઓ, આપણા લિવિંગ રૂમના TVમાં કે મોબાઇલ ફોનમાં આવતા તો હમણાં થયા પણ સેલિબ્રિટીઓ તો સદીઓથી રહી છે.  એક જમાનામાં લોકો રાજા-મહારાજાની જીવનશૈલી, ખાવા-પીવાની અને પહેરવાની નકલ કરતા હતા. જેમ્સ કહે છે, “ઈતિહાસનો અભ્યાસ કહે છે કે માનવ સમાજોમાં અમુક પ્રકારના માણસોનો “મહિમા” ગાવાની પરંપરા કાયમથી રહી છે. એ લોકો સમાજના વિશેષ સભ્યો હતા. જેમ કે- શ્રેષ્ઠ શિકારી, શ્રેષ્ઠ ખેલાડી, સૌથી ખૂબસૂરત, સૌથી હોંશિયાર, સૌથી આધ્યાત્મિક.”

આપણા લગ્નોની તાસીર પણ રાજા-મહારાજાઓની પરંપરાઓમાંથી આવે છે. મહેલોમાં જયારે લગ્ન થતા હતા ત્યારે તે આખા નગર અથવા રાજ્યનો ઉત્સવ ગણાતો હતો. તેમાં એક રાજ્ય બીજા રાજ્ય સાથે સંબંધ કાયમ કરતું હતું, પરિણામે તે પ્રજાના કલ્યાણ માટે હોવાનું મનાતું હતું. એ લગ્નમાં પ્રજા પણ સામેલ થતી હતી. એટલા માટે શાહી લગ્નો વિસ્તારપૂર્વક અને ભવ્ય રહેતા હતા. તેમાં ખાવા-પીવા અને નાચ-ગાનના જલસા થતાં. રાજકુમાર ઘોડે ચઢીને પરણવા જાય તો સાથે પ્રજાનો રસાલો પણ હોય.

જૂના જમાનામાં સમાજમાં બે જ વર્ગના લોકો હતા; સામાન્ય અને શાહી. સામાન્ય લોકોએ શાહી લોકોથી પ્રભવિત થઇને લગ્નોને ભવ્ય બનાવ્યાં હતાં. સામાન્ય લોકોના છોકરાઓ લગ્ન માટે ઘોડે ચઢે તે શાહી કુમારોની નકલ હતી. તેનો પોશાક પણ શાહી લાગતો. બાકી, શેરવાની, કુર્તા અને માથે પાઘડી પહેરીને કોણ ઓફિસ જવા નીકળે છે? ત્યાં સુધી કે ગુજરાતીમાં વરરાજા અને હિન્દીમાં દુલ્હેરાજામાં “રાજા” શબ્દ છે. સામાન્ય માણસો તુચ્છ હોય છે અને સેલિબ્રિટીઓ વિશેષ હોય છે. સામાન્ય માણસો તેમની તુચ્છતાને ભૂલવા માટે સેલિબ્રિટીમાં પોતાનું પ્રતિબિંબ શોધે છે એટલે જ, રણબીરની આલિયા આપણને “આપણી” જ લાગે છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top