Business

સુરતીઓનો રંગ, હવે લાઈવ મ્યુઝિકને સંગ

સંગીતનો આનંદ કોઈપણ સમયે લઈ શકાય છે. ઘર, ઓફિસ, મુસાફરી જેવી જગ્યાઓ પર સંગીત આપની ખૂબ નજીક હોય છે. સંગીત એ મનોરંજન અને શાંતિ આપે છે. સંગીત આપણા જીવનમાં ઘણું અગત્યનું સ્થાન ધરાવે છે. કહેવાય છે કે, અકબરના દરબારના ગાયક તાનસેનની સંગીતની શક્તિથી દીવો સળગતો હતો, અને સ્વર લહેરાવાથી વરસાદ પણ વરસતો હતો તેવું સાંભળવા મળ્યું છે. મ્યુઝિક માટે દરેક વ્યક્તિની પસંદગી અલગ-અલગ હોય છે. કોઈક રોક મ્યુઝિક, કોઈ રેપ મ્યુઝિક, તો કોઈ વળી કવ્વાલી અને ગઝલના દિવાના હોય છે. તો કોઈ જુના ગીતોમાંથી આનંદ લેતા હોય છે. પરંતુ દરેક પોતાપોતાની પસંદગીના સંગીત માણતા હોય છે. સમયની સાથે આજે એમાં પણ બદલાવ આવ્યો છે  આજકાલ શહેરમાં ડીજેને બદલે લાઈવ મ્યુઝીકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પાર્ટી ચાહે નાની હોય કે મોટી તેમા લાઈવ મ્યુઝીક તો હવે હોય જ હોય. એકાદ બે ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા પણ લાઈવ મ્યુઝીકથી આખો માહોલ બનાવવાનો પ્રયાસ આજકાલ જોવા મળી રહ્યો છે.  ત્યારે ચાલો જોઈએ આ મ્યુઝીક ડે પર સીટીમાં  શુ ચાલી રહ્યું છે….

આજકાલ લોકો બર્થ ડે પાર્ટી, બેબી શાવર, કે પછી એન્યુઅલ મિટિંગમાં પણ લાઈવ બેન્ડને બોલાવે : અભિષેક પાલિયા

અભિષેક પાલિયા જણાવે છે કે હું છેલ્લાં 8 વર્ષથી મ્યુઝિક સાથે જોડાયેલો છે. અને ત્રણ વર્ષથી અમારું મ્યુઝિક બેન્ડ પણ છે. નાના હોય કે મોટો દરેક લોકોને મ્યુઝિક પ્રત્યે લગાવ હોય જ છે. અને એમાય મોજીલા સુરતીઓને તો બસ મોકો જોઈએ સેલિબ્રેશનનો અને એમાં જ્યારે મ્યુઝિકનો સાથ ભળે એટલે ચાર ચાંદ લાગે. લાઈવ બેન્ડમાં ડ્રમ, ગિટાર, કીબોર્ડ, વોકલ, બેસ ગિટાર વગેરે હોય છે. મેરેજ, રિસેપ્શન જેવા ફંકશનમાં તો બેન્ડ હોય પણ આજકાલ લોકો બર્થ ડે પાર્ટી હોય બેબી શાવર હોય કે પછી એન્યુઅલ મિટિંગ હોય એમાય લાઈવ બેન્ડને બોલાવે છે. જેથી એક મૂડ બની રહે. યંગસ્ટર્સને  રોક સોંગ વધારે ગમે. અને ઘણી પાર્ટીમાં તો લોકો  આઉટ ઓફ ઈન્ડિયાના મ્યુઝિક પણ ડિમાન્ડ કરે.

હાલ ઓટીટી પ્લેટફોર્મના લીધે મ્યુઝિકનું આખું કલ્ચર બદલાયું : મયંક કાપડિયા

43 વર્ષીય મયંક કાપડિયા છેલ્લાં 25 વર્ષથી મ્યુઝિક સાથે જોડાયેલા છે. જેઓની મ્યુઝિક એકેડેમી પણ ચલાવે છે. મયંક કાપડિયા જણાવે છે કે, હાલ ઓટીટી પ્લેટફોર્મના લીધે મ્યુઝિકનું આખું કલ્ચર બદલાયું છે. આજકાલ નાના બાળકોને પણ શીખવા આવે પણ તેમને ઓપન શીખવું છે. બૉલીવુડ સિવાયની ઇન્ટરનેશનલ મ્યુઝિક વધારે ચાલે અને ફ્યુઝ્ન તરીકે ક્લાસિકલ વધારે ગમે. આજકાલ તો સુરતમાં કોઈપણ નાની પાર્ટી હોય કે પછી ગેધરિંગ હોય એટ્લે લાઈવ મ્યુઝિક જ વધારે પસંદ કરે છે. લોકોને હવે ડીજેને બદલે લાઈવ મ્યુઝિક વધારે ગમે. આખું બેન્ડ ના હોય તો એકાદ બે ઇન્સ્ટુમેન્ટ્સથી પણ ચલાવે પણ લાઈવ હોવું જોઈએ.

લાઈવ મ્યુઝિકથી કોરોનાના દર્દીઓ ઝડપથી રીકવર થઈ ગયા : રીતુ રાઠી

સોચ એનજીઓના ફાઉન્ડર રીતુ રાઠી કોરોનાકાળ દરમિયાન શહેરના આઈસોલેશન સેન્ટરમાં જઈને લાઈવ મ્યુઝિક પરફોર્મ કરતા હતા. તેમણે જણાવ્યું હતું કે મનને શાંત કરે તેવું સંગીત ગાવાથી, વગાડવાથી, સાંભળવાથી શરીરમાં હકારાત્મક સંવેદનો જાગે છે. શરીરમાં સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ ઘટે છે. જેની સારી અસર રોગપ્રતિકારક ક્ષમતા પર થાય છે. જેમાં લાઈવ મ્યુઝિક બેસ્ટ ઓપ્શન છે. લાઈવ મ્યુઝિકમાં ખાસ કરીને ક્લાસિકલ મ્યુઝિક બેસ્ટ ઓપ્શન છે. તેઓ ઘણા ફંકશન અને ઓકેશનમાં પોતાના જ બેન્ડ સાથે લાઈવ મ્યુઝિક પરફોર્મ કરે છે.

Most Popular

To Top