હોર્મુઝની ખાડીમાં ચાલી રહેલા સંકટ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્વારી ઉકેલની આશા વધી છે. અમેરિકાના એક અધિકારીએ રોઇટર્સને જણાવ્યું છે કે ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ જળમાર્ગ ફરીથી વ્યાવસાયિક જહાજો માટે ખોલવા અંગેની ચર્ચામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં સમજૂતી જાહેર થઈ શકે છે.
અમેરિકાના જણાવ્યા મુજબ, જો હોર્મુઝમાંથી વ્યાવસાયિક જહાજોની અવરજવર કોઈ અવરોધ વિના ફરી શરૂ થાય અને ઈરાન પોતાની પ્રતિબદ્ધતાઓનું પાલન કરે, તો અમેરિકા ઈરાનના બંદરો પર લગાવેલી નાકાબંધી હટાવી શકે છે.
હોર્મુઝ ફરી ખુલવાની શક્યતા
નામ જાહેર ન કરવાની શરતે અમેરિકન અધિકારીએ કહ્યું કે ઓમાન અને ઈરાન વચ્ચે જળમાર્ગ અંગે વાતચીત આગળ વધી છે અને ટૂંક સમયમાં સમજૂતી થવાની અપેક્ષા છે. જોકે, અમેરિકાની કાર્યવાહી ઈરાનના વચનોના અમલ સાથે જોડાયેલી રહેશે.
હોર્મુઝ જળમાર્ગ ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. વૈશ્વિક ઊર્જા વેપાર માટે તેનું મહત્વ એટલું છે કે અહીં થતી કોઈપણ લાંબી અડચણની સીધી અસર ક્રૂડ ઓઇલના ભાવ અને આંતરરાષ્ટ્રીય બજારો પર પડે છે.
વૈશ્વિક તેલ સપ્લાય પર મોટો ફટકો
અમેરિકા અને ઈઝરાયેલે 28 ફેબ્રુઆરીએ ઈરાન સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી તે પહેલાં વિશ્વમાં વપરાતા લગભગ દર 5માંથી 1 બેરલ તેલનું પરિવહન હોર્મુઝ જળમાર્ગ મારફતે થતું હતું.
સંઘર્ષ શરૂ થયા બાદ ઈરાને તેલ વહન કરતા ટેન્કરો પર ટોલ લગાવ્યો હતો અને પરવાનગી વિના જળમાર્ગમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા કેટલાક જહાજોને નિશાન બનાવ્યા હતા. તેના કારણે આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં અસ્થિરતા વધી, તેલના ભાવમાં વધારો થયો અને મોંઘવારીનું દબાણ પણ વધ્યું.
અમેરિકી ટ્રમ્પ પ્રશાસન તરફથી અનેક વખત હોર્મુઝ ફરી ખોલવા અંગે સમજૂતી નજીક હોવાના સંકેતો અપાયા હતા. જોકે, ઈરાની અધિકારીઓએ અત્યાર સુધી સત્તાવાર વાટાઘાટો ચાલી રહી હોવાનો સતત ઇનકાર કર્યો હતો.
લાલ સમુદ્રમાં પણ વધ્યો તણાવ
હોર્મુઝ ઉપરાંત પ્રાદેશિક વેપાર માટેના અન્ય મહત્વના દરિયાઈ માર્ગ પર પણ તણાવ વધ્યો છે. યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ લાલ સમુદ્ર અને ગલ્ફ ઓફ એડન નજીક વ્યાવસાયિક જહાજો સામે હુમલા વધાર્યા છે. આ હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ પર વધારાનું દબાણ આવ્યું છે.
સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીનો સંરક્ષણ કરાર
પ્રાદેશિક સુરક્ષાની સ્થિતિ વચ્ચે શુક્રવારે મક્કામાં સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીએ સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા. ત્રણેય દેશોએ કહ્યું કે આ કરાર સામૂહિક પ્રતિરોધ ક્ષમતા મજબૂત કરશે અને કોઈ એક દેશ પર હુમલો થાય તો તેને ત્રણેય સામેનો હુમલો માનવામાં આવશે.
તુર્કીએ સ્પષ્ટ કર્યું કે આ કરાર રક્ષણાત્મક છે અને કોઈ ચોક્કસ દેશ સામે નિર્દેશિત નથી.
દરમિયાન, દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષને લઈને પણ રાજદ્વારી પ્રયાસો ચાલુ છે. લેબનોનના એક અધિકારી અનુસાર, હિઝબુલ્લાહના નિશસ્ત્રીકરણ પર નજર રાખવા માટે કયા દેશો સૈનિકો મોકલી શકે તેની ટૂંકી યાદી પર લેબનોન અને ઈઝરાયેલ સહમત થયા છે. અંતિમ પસંદગી અમેરિકા કરશે.
ઈરાનના રાષ્ટ્રપતિએ સંવાદનો બચાવ કર્યો
અમેરિકા અને ઈરાન વચ્ચે ઉચ્ચ સ્તરીય સીધી વાતચીત મર્યાદિત રહી છે. જૂનમાં સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઈરાની અધિકારીઓ વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠક યુદ્ધવિરામ બાદ થઈ હતી. 17 જૂનના મેમોરેન્ડમમાં હોર્મુઝ મારફતે તેલ પરિવહન ફરી શરૂ કરવા માટેની શરતો નક્કી કરવામાં આવી હતી અને થોડા સમય માટે સૈન્ય કાર્યવાહી અટકાવવામાં આવી હતી. જોકે, 7 જુલાઈએ ફરી લડાઈ શરૂ થઈ હતી. ત્યારબાદ ફરીથી તણાવમાં ઘટાડો થયો છે અને અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે 29 જુલાઈ બાદ ઈરાન પર કોઈ હુમલો થયાની જાણ કરી નથી.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને શુક્રવારે સરકારી ટેલિવિઝન પર આપેલા ઈન્ટરવ્યૂમાં અમેરિકા સાથે વાતચીતની નીતિનો બચાવ કર્યો. હાર્ડલાઇન નેતાઓના વિરોધ વચ્ચે તેમણે કહ્યું કે ઘણા વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ પણ સંવાદ દ્વારા સંઘર્ષનો અંત લાવવાના પ્રયાસોના સમર્થક છે.
તેમણે સવાલ ઉઠાવ્યો કે જો ચીન ઈરાનનો સીધો વિરોધી નથી છતાં અમેરિકાની દૃષ્ટિએ સૌથી મોટો પ્રતિસ્પર્ધી છે, તો અમેરિકા તેની સાથે યુદ્ધ કેમ નથી કરતું. પેઝેશ્કિયાને કહ્યું કે જો સંવાદથી ઈરાન પોતાના અધિકારો મેળવી શકે, તો વાતચીતનો માર્ગ કેમ ન અપનાવવો જોઈએ.આ સમગ્ર ઘટનાક્રમમાં હવે સૌથી મહત્વનો મુદ્દો હોર્મુઝ જળમાર્ગ અંગે ઈરાન અને ઓમાન વચ્ચે થનારી સંભવિત સમજૂતી છે. જો વ્યાવસાયિક શિપિંગ ફરી સામાન્ય બને, તો તે વૈશ્વિક તેલ બજાર અને અમેરિકા-ઈરાન સંબંધો માટે મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે.