એક નદીકિનારે ચાર નાવ બંધાયેલી હતી.સામે પાર જવા માટે મુસાફરો પણ રાહ જોતાં ઊભાં હતાં અને નાવના નાવિકો પણ હાજર હતા. છતાં નવાઈની વાત હતી કે કોઈ નાવમાં બેસતું ન હતું અને કોઈ નાવ નદીમાં હંકારીને સામે કિનારે જવા નીકળતું ન હતું.બધા રાહ જોતાં ઊભાં હતાં.આમ કેમ? કારણ કે નદીમાં તોફાન હતું, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીમાં ભરપૂર પાણી હતું અને નદીમાં પાણીનો વેગ બહુ હતો અને પાણીના ઊંચા તરંગો પણ ઉછળી રહ્યા હતા એટલે કોઈ યાત્રા આરંભ કરવાની તૈયારી કરતાં ન હતાં. બધાં રાહ જોતાં હતાં કે કયારે નદીના તરંગો ઓછા થાય અને કયારે નદીના વેગથી વહેતાં પાણી શાંત થાય. ત્યાં એક વૃદ્ધ નાવિક આવ્યો અને તેણે પોતાની નૌકા પાણીમાં સફર કરવા તૈયાર કરી કહ્યું, ‘‘આ નદી છે.તેનો સ્વભાવ છે બે કાંઠે વહેવાનો. તે તો વહેતી જ રહેશે. કયાં સુધી તે શાંત થાય તેની રાહ જોતાં ઊભાં રહેશો. ચાલો, જેને સામે કાંઠે જવું હોય તેઓ બેસી જાવ.’’
બે-ચાર યાત્રિકો હિંમત કરીને નાવમાં બેઠાં અને વૃદ્ધ નાવિકે નાવ હંકારી.એક યુવાને પૂછ્યું, ‘‘બાબા, તમને આ તોફાની પાણીમાં નૌકા ચલાવતાં ડર નહિ લાગે ને…’’ વૃદ્ધ નાવિકે કહ્યું, ‘‘નદીનાં પાણીનો વેગ હોય કે જીવનની સમસ્યાઓ, તે તો આવતી જ રહેશે. તેમાં આપણે ડરીને અટકવાનું ન હોય.કમર કસીને આગળ વધવાનું હોય. જો નદીનાં પાણીનો વેગ શાંત થાય પછી મુસાફરી કરીશું તેમ વિચારીએ તો કિનારે જ ઊભા રહેવું પડે અને જીવનમાં પણ બધી સમસ્યાઓ ઉકેલી લઉં પછી મનગમતું કામ કરીશ કે મારા મનની ખુશી ઉજવીશ એમ વિચારીએ તો બસ રાહ જોતાં જ રહી જવું પડે કારણ સમસ્યાઓનો કયારેય અંત થાય જ નહિ.જો એમ વિચારીએ કે જવાબદારીઓ પૂરી થશે પછી પરિવાર સાથે મોજ કરીશ તો જવાબદારીઓ પૂરી થાય નહિ અને તે દિવસ કયારેય આવે જ નહિ.એટલે જે સંજોગો હોય તેની સામે પાર તરીને જ આગળ નીકળવું પડે.’’વૃદ્ધ નાવિકે પોતાના અનુભવમાંથી સાચી સમજ આપી. જીવનમાં જે સંજોગો અને પરિસ્થિતિઓ અનુકૂળ થવાની રાહ જોતો ઊભો નથી રહેતો પણ મહેનત કરીને સામે લડે છે તે જીવનમાં આગળ વધીને સુખ, સફળતા મેળવી શકે છે.