Charotar

મહુધાના હેરંજ ગામમાં યુવકને પીઠમાં છરી મારતા ગંભીર

પિતા – પુત્રે અહીં આવવુ નહીં તેમ કહી હુમલો કર્યો

મહુધા તાલુકાના હેરંજ ગામમાં રહેતા યુવકે ઘરથાળની જમીન રાખી હતી. આ જગ્યા પર જતાં પિતા – પુત્રએ તારે અહીં આવવાનું નહીં તેમ કહી છરીથી હુમલો કર્યો હતો. આ અંગે મહુધા પોલીસે બન્ને શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
નડિયાદની આલોક સોસાયટીમાં રહેતા દિનેશભાઈ રમણભાઈ શ્રીમાળી યજમાનવૃત્તિ કરે છે. તેમણે હેરંજ ગામમાં હનુમાન શેરી વિસ્તારમાં 20મી સપ્ટેમ્બર,23ના રોજ ઘરથાળની જમીન બચુખાન કાસમખાન પઠાણ પાસેથી ખરીદી હતી. આ જગ્યાએ ચણતરનું કામ ચાલુ હતું. દરમિયાનમાં 4થી માર્ચના રોજ બપોરના એકાદ વાગ્યાના સમયે દિનેશભાઈ હેરંજ ગામમાં જવા નિકળ્યાં હતાં. હેરંજ ગામમાં હનુમાન શેરી વિસ્તારમાં બે વાગ્યાની આસપાસના સમયે પહોંચ્યાં અને હેરંજ ગામમાં તેમની જમીન પર ચણતર કામ જોવા ગયાં હતાં. આ સમયે નજીકમાં રહેતા મોહસીન સરમત પઠાણ અને તેના પિતા સરમત કાલુ પઠાણ આવ્યાં હતાં અને જમાવ્યું કે, તમે મારી જમીન બાજુ રસ્તો પાડેલો છે, તે ખોટી રીતે પાડેલો છે. તમને અગાઉ પણ રસ્તો બંધ કરવા કહ્યું હતું. તો તમે કેમ બંધ કર્યો નથી ? તેમ કહી ઝઘડો કરવા લાગ્યાં હતાં અને જાતિ વાચક અપમાનિત શબ્દો કહ્યાં હતાં. આ ઉપરાંત અગાઉ કરેલી ફરિયાદ પાછી ખેંચી લે તેવી ધમકી આપી હતી. આ ઝઘડા દરમિયાન મોહસીન પઠાણ ચપ્પુ લઇ આવ્યો હતો અને દિનેશના બરડામાં મારી દીધું હતું. જોકે, આસપાસના લોકો ધસી આવતાં બન્ને પિતા – પુત્ર ભાગી ગયાં હતાં. જ્યારે ઘવાયેલા દિનેશ શ્રીમાળીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે દિનેશભાઈની ફરિયાદ આધારે મહુધા પોલીસે મોહસીન અને સરમત પઠાણ સામે ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top