Comments

મંદિરોમાં ચોરી : આસ્થા પર ધાડ પડી છે!

અયોધ્યામાં રામ મંદિરમાં જે રીતે ચન્દા ચોરી અને જમીનના ગફ્લા થયા છે એ હજુ માનવામાં આવતા નથી. જ્યાં તમારી આસ્થા જોડાયેલી હોય ત્યાં આવું કૈંક બને તો ગળે ઊતરતાં વાર લાગે છે. પણ આઠ લોકોની ધરપકડ થાય અને બે મુખ્ય ટ્રસ્ટી રાજીનામું આપી દે એનો મતલબ છે કે, આ કોઈ નાનીસૂની ઘટના નથી. કોઈ બચાવ કરે કે વિરુદ્ધમાં વાત કરે પણ સત્ય લાંબો સમય છૂપું રહી શકતું નથી.

એસઆઈટી દ્વારા તપાસ દરમિયાન આશરે રૂ. ૮૦ લાખ રોકડ રકમ રિકવર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારની એસઆઈટી અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી આ મામલે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. પણ આક્ષેપો તો એવા જ થઇ રહ્યા છે કે, મોટાં માથાંઓને બચાવવાની કોશિશ થઇ રહી છે. સુપ્રીમ કોર્ટે દખલ દીધી છે એ અને યુપી સરકાર કેવાં પગલાં લે છે એય રસપ્રદ બનવાનું છે, પણ અયોધ્યા બાદ બીજાં મંદિરોમાં પણ ચોરીની વાત બહાર આવી છે. બદ્રીનાથની સાથે સાથે કેદારનાથ મંદિરમાં પણ નાણાંકીય અનિયમિતતાના અહેવાલ સામે આવ્યા છે.

સક્ષમ અધિકારીની મંજૂરી વગર મંદિરના ફંડમાંથી વીઆઈપી રોકાણ માટે પૈસા વાપરવામાં આવ્યા હતા, જે એક મોટી નાણાંકીય અનિયમિતતા ગણવામાં આવી છે. આ મામલે તત્કાલિન મેનેજર અને મુખ્ય અધિકારીઓની ભૂમિકા પર સવાલો ઊઠ્યા છે અને સરકારે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. બદ્રીનાથ મંદિરમાં ચોરી મામલે મુખ્ય આરોપી પ્રમોદ નૌટિયાલની ધરપકડ બાદ, હવે મંદિર સમિતિના ખજાનચી સહિત ૪ અન્ય અધિકારીઓને પણ ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે. તપાસ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ અને હિસાબી ચોપડાઓની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં સિલ્વર (ચાંદી)ના દાનના રેકોર્ડમાં પણ ચેડાં કર્યાં હોવાની શંકા છે.

ખબર નહિ, મંદિરોમાં ચોરી કરતાં કોઈનો જીવ કેમ ચાલતો હશે? મંદિરોમાં મુખ્યત્વે બે પ્રકારની ચોરીઓ જોવા મળે છે. આ ચોરીઓ મોટા ભાગે મંદિરનાં કર્મચારીઓ દ્વારા આંતરિક રીતે કરવામાં આવે છે.  એમાં પ્રાચીન અને અષ્ટધાતુની મૂર્તિઓની ચોરીના બનાવો નોંધપાત્ર છે, જેનો ઉપયોગ ગેરકાયદેસર એન્ટિક માર્કેટમાં થાય છે. સરકારી આંકડાની વાત કરીએ તો નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના રિપોર્ટમાં ‘ધાર્મિક સ્થળોએ ચોરી’ હેઠળ આંકડા નોંધવામાં આવે છે. ૨૦૨૪ ના રિપોર્ટ મુજબ, દેશભરમાં કુલ ૪૬૫ જેટલા કિસ્સાઓ નોંધાયા હતા.

મધ્યપ્રદેશમાં ભાજપમાં અસંતોષ
મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવ સામે જમીન ખરીદીના આક્ષેપો, ચોખા ખરીદીમાં ગોસમોસગોટાળાના વિવાદો તો ઊભા જ છે. હવે  વરિષ્ઠ ભાજપ નેતા નરોત્તમ મિશ્રા અને પક્ષની ટિકિટ ફાળવણીને લઈને જે અસંતોષની સ્થિતિ સર્જાઈ છે. નરોત્તમ મિશ્રા મધ્યપ્રદેશ ભાજપના સૌથી પ્રભાવશાળી અને અનુભવી નેતાઓમાં ગણાય છે. ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં તેમની હાર બાદ, એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે તેમને રાજ્યના રાજકારણમાંથી ‘સાઇડલાઇન’ કરવામાં આવી રહ્યા છે.

જ્યારે તેમની નજીકનાં લોકોને ટિકિટ ન મળી અથવા તેમને પૂછવામાં ન આવ્યું ત્યારે તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ચર્ચા તો એવી હતી કે ભાજપનું નવું નેતૃત્વ (જેમાં મુખ્યમંત્રી મોહન યાદવ અને અન્ય નવા ચહેરાઓનો સમાવેશ થાય છે) જૂના દિગ્ગજોને બદલે નવી પેઢીને આગળ વધારવા માંગે છે, જેના કારણે નરોત્તમ મિશ્રા જેવી જૂની નેતાગીરીને એકતરફ કરવામાં આવી રહી હતી. સમર્થકોનું માનવું હતું કે મિશ્રા જેવો મજબૂત નેતા જે જાતિગત અને ક્ષેત્રીય સમીકરણો સંભાળી શકતો હોય, તેમને ટિકિટ ન આપવી એ પક્ષ માટે મોટું જોખમ હોઈ શકે છે.

આ અસંતોષ જ્યારે રસ્તા પર આવવાની સ્થિતિમાં પહોંચ્યો, ત્યારે મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં. મુખ્યમંત્રી મોહન યાદવે નરોત્તમ મિશ્રા સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. મધ્યપ્રદેશ ભાજપ હાઈકમાન્ડે નરોત્તમ મિશ્રાને સ્પષ્ટતા કરી હતી કે તેમની પક્ષમાં ભૂમિકા ઓછી નથી થઈ, પરંતુ તેમને અન્ય જવાબદારીઓ સોંપવામાં આવશે. આ મુલાકાત બાદ નરોત્તમ મિશ્રા ઢીલા પડ્યા છે અને જાહેરમાં પક્ષના નિર્ણયને સ્વીકારવાની વાત કરી હતી, જેથી પાર્ટીમાં મોટા ભાગલા ન પડે. આ ઘટના બાદ, ભાજપ દ્વારા તેમને સંગઠનાત્મક માળખામાં વધુ મહત્ત્વની જવાબદારીઓ આપવામાં આવી છે.વસુંધરા રાજેની સલાહ

રાજસ્થાન વિધાનસભાનાં ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજીત ‘અમૃત મહોત્સવ’ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે દ્વારા બહુ મજાની સલાહ આપી હતી અને એ બધા રાજકારણીઓએ ગાંઠે બાંધવા જેવી છે. વસુંધરા રાજેએ આજની રાજનીતિમાં વધતી જતી કડવાશ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે નવાં ધારાસભ્યોને સલાહ આપતાં કહ્યું કે, “દુશ્મની જમકર કરો, લેકિન એક ખિડકી ખુલી રખો”  જેથી ભવિષ્યમાં જો મિત્રતા થાય તો શરમ અનુભવવી ન પડે.

તેમણે જૂના સમયની રાજનીતિને યાદ કરતાં જણાવ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી ભૈરોસિંહ શેખાવત અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહનલાલ સુખડિયા વચ્ચે વૈચારિક મતભેદો હોવા છતાં તેમના વ્યક્તિગત સંબંધો ખૂબ સારા હતા. તેઓ એક જ પાનની દુકાને જતા હતા, જે દર્શાવે છે કે રાજકીય વિરોધ પોતાની જગ્યાએ છે પણ વ્યક્તિગત સન્માન સર્વોપરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે વિધાનસભાની અંદર સરકાર અને વિરોધ પક્ષ પોતપોતાની ભૂમિકા ભજવે છે, પરંતુ ગૃહની બહાર તમામ જનપ્રતિનિધિઓએ એક પરિવારની જેમ રહેવું જોઈએ અને પરસ્પર સન્માન જાળવવું જોઈએ. કાર્યક્રમ દરમિયાન પૂર્વ વિરોધ પક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડે વસુંધરા રાજેને જોઈને મજાકમાં કહ્યું કે, “ઘણાં વર્ષો પછી હું તમને આ ખુરશી પર બેઠેલા જોઈ રહ્યો છું… તમે આ ખુરશી પર ખૂબ સારાં લાગો છો,” જેનાથી આખા ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આ રીતે બધાં રાજકારણીઓ વર્તે તો કેવું સારું! – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top