30 જુલાઈથી ઝારખંડના દેવઘરમાં વિશ્વપ્રસિદ્ધ શ્રાવણી મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. બાબા વૈદ્યનાથ ધામમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શન અને જળાભિષેક માટે પહોંચે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો આવવા ની શક્યતા હોવાથી રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રે સુરક્ષા તેમજ સુવિધાઓ માટે ખાસ આયોજન કર્યું છે. પ્રથમ વખત આ મેળાને હાઈટેક સુરક્ષા કવચ હેઠળ રાખવામાં આવશે, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડ્રોન અને સ્માર્ટ સર્વેલન્સ સિસ્ટમની મદદથી 24 કલાક દેખરેખ રાખવામાં આવશે.
પ્રશાસનના જણાવ્યા મુજબ, શ્રાવણી મેળાની તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 25 જુલાઈ સુધીમાં તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેથી 30 જુલાઈથી શરૂ થનારો મહિનાભરનો આ ધાર્મિક મેળો સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે યોજી શકાય. ભક્તોની સુવિધા અને ભીડને નિયંત્રિત કરવા માટે આ વર્ષે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રવિવાર અને સોમવારના દિવસોમાં VIP, VVIP અને આઉટ-ઓફ-ટર્ન દર્શનની સુવિધા સંપૂર્ણપણે બંધ રહેશે. આ નિર્ણય સામાન્ય ભક્તોને સરળતાથી દર્શન મળી રહે અને ભીડનું યોગ્ય સંચાલન થઈ શકે તે માટે લેવામાં આવ્યો છે.
સુરક્ષાની દ્રષ્ટિએ આ વખતે મેળામાં અત્યાર સુધીની સૌથી મોટી વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 14 હજારથી વધુ વધારાના સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. તેમાં જિલ્લા પોલીસ ઉપરાંત ઝારખંડ સશસ્ત્ર પોલીસ (JAP), ઇન્ડિયન રિઝર્વ બટાલિયન (IRB), રેપિડ એક્શન ફોર્સ (RAF)ની પાંચ કંપનીઓ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની બે કંપનીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ની વિશેષ ટીમે બાબા વૈદ્યનાથ મંદિર, સંસ્કાર મંડપ અને સમગ્ર કતાર માર્ગનું સુરક્ષા ઓડિટ પણ પૂર્ણ કર્યું છે. મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 21 કામચલાઉ પોલીસ ચોકીઓ અને 13 ટ્રાફિક ચોકીઓ બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત મુખ્ય માર્ગો અને સંવેદનશીલ સ્થળોએ સતત પોલીસ પેટ્રોલિંગ પણ કરવામાં આવશે.
આ વર્ષે પ્રથમ વખત AI આધારિત ઇન્ટિગ્રેટેડ મેળા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. આ કંટ્રોલ રૂમમાંથી સમગ્ર મેળા વિસ્તાર, મંદિર, કતાર માર્ગ, રેલવે સ્ટેશન અને અન્ય મહત્વપૂર્ણ સ્થળો પર સતત નજર રાખવામાં આવશે. સ્માર્ટ CCTV કેમેરા અને ડ્રોન દ્વારા મળતી માહિતીના આધારે ભીડ ક્યાં વધી રહી છે અથવા કોઈ ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાઈ રહી છે કે નહીં તેનું રિયલ ટાઈમ મોનિટરિંગ થશે. જરૂર પડ્યે તરત જ સુરક્ષા દળોને એલર્ટ મોકલવામાં આવશે.
મંદિર સંકુલમાં ભીડને સરળતાથી આગળ વધારવા માટે પણ અનેક નવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ‘શ્રી દર્શનમ’ અને સામાન્ય દર્શન માટેની કતાર વચ્ચે ભીડનું યોગ્ય સંચાલન થઈ શકે તે માટે નવો ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. તેનો ટ્રાયલ 20 જુલાઈથી શરૂ કરવામાં આવશે જેથી મેળા શરૂ થાય તે પહેલાં તમામ વ્યવસ્થા ચકાસી શકાય. મંદિરના ગર્ભગૃહમાં મોબાઇલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ક્યૂ કોમ્પ્લેક્સમાં લોકર અને ક્લોકરૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જ્યાં તેઓ પોતાનો મોબાઇલ અને અન્ય સામાન સુરક્ષિત રીતે રાખી શકશે.
મેળા દરમિયાન ભારે ભીડને ધ્યાનમાં રાખીને શહેરમાં ડબલ-ડેકર કંવરિયા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરાંત ડુમરા બોર્ડરથી ખીજુરિયા કંવરિયા માર્ગ સુધી ભક્તોને ચાલવામાં સરળતા રહે તે માટે માર્ગ પર રેતી પાથરવાનું કામ ચાલી રહ્યું છે. રસ્તામાં આવતા વીજ થાંભલાઓને પણ વધુ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, જેથી કોઈ અકસ્માત ન સર્જાય. ભક્તોના રહેવા માટે કોઠિયા વિસ્તારમાં વિશાળ ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી રહી છે. અહીં રહેવાની સાથે વેન્ટિલેશન, સ્વચ્છતા, પીવાનું પાણી, વીજળી, ફાયર સેફ્ટી અને અન્ય તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. લાખો ભક્તો એકસાથે રોકાઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ટ્રાફિક વ્યવસ્થા પણ આ વર્ષે વધુ મજબૂત બનાવવામાં આવી છે. શહેરમાં વાહનોની અવરજવર સરળ રહે તે માટે સારસા, ભાલુવા અને પરિત્રાણ વિસ્તારમાં મોટા વાહન પાર્કિંગ કેમ્પ બનાવવામાં આવી રહ્યા છે. જેથી ભારે વાહનો શહેરમાં પ્રવેશ્યા વગર નિર્ધારિત સ્થળે પાર્ક થઈ શકે અને ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય. આરોગ્ય સેવાઓને પણ વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. પ્રથમ વખત ભીડવાળા વિસ્તારોમાંથી દર્દીઓને ઝડપથી હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ટોટો એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે. આ નાના ઇલેક્ટ્રિક વાહનો ભીડ વચ્ચે પણ સરળતાથી પસાર થઈ શકશે અને દર્દીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડશે.
દેવઘર અને જસીડીહ રેલવે સ્ટેશન સહિત સમગ્ર કંવરિયા માર્ગ પર 24 કલાક કાર્યરત મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવશે. અહીં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, જરૂરી દવાઓ, એમ્બ્યુલન્સ, પીવાનું શુદ્ધ પાણી અને પ્રાથમિક સારવારની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે. સાથે જ કામચલાઉ શૌચાલય, બાથરૂમ અને અવિરત વીજ પુરવઠાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશાસનનું કહેવું છે કે આ વર્ષે શ્રાવણી મેળામાં ભક્તોની સુરક્ષા, સુવિધા અને સરળ દર્શનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. આધુનિક ટેકનોલોજી, મજબૂત સુરક્ષા વ્યવસ્થા અને આરોગ્ય સેવાઓના કારણે લાખો શ્રદ્ધાળુઓને વધુ સુરક્ષિત અને સુવિધાજનક અનુભવ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.