Madhya Gujarat

નડિયાદની પુષ્પકુંજ સોસાયટીમાં 1.80 લાખની મતા ચોરાઇ

આઇઆરબીના ઇન્ફ્રા કંપનીના જન સંપર્ક અધિકારી લગ્નમાં ગયા તે સમયે ધોળા દિવસે ચોરી થઇ



નડિયાદ શહેરના આઈજી માર્ગ પર આવેલી પુષ્પકુંજ સોસાયટીમાં ધોળા દિવસે ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનમાંથી રૂ.1.80 લાખના દાગીના અને રોકડની ચોરી કરી હતી. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નડિયાદની પુષ્પકુંજ સોસાયટીમાં રહેતા નિલેશકુમાર અંબાશંકર પાઠક આઈઆરબી ઇન્ફ્રા નામની કંપનીમાં જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેઓ 25મીની બપોરે પતિની સાથે સુરત ખાતે સંબંધીના લગ્નમાં ગયાં હતાં. આ સમયે તેમની બન્ને દિકરી ઘરે જ રોકાઇ હતી. પરંતુ બીજા દિવસે સવારે બન્ને દિકરી કોલેજ ગઇ હતી. તે દરમિયાન તેમનું મકાન બંધ હતું. સાંજના સુમારે ઘરે આવેલી દિકરી બંસરીએ જોયું તો ઘરની મુખ્ય જાળી તેમજ મુખ્ય દરવાજાનું તાળુ તુટેલી હાલતમાં હતું. ઘરમાં રૂમમાં કબાટનો સામાન અસ્તવ્યસ્ત હાલતમાં પડ્યો હતો. ઘરના કબાટ ખુલ્લા હતા અને તિજોરીમાં રાખેલો સામાન પણ વેર વિખેર પડેલો હતો. આ અંગે નિલેશકુમારને જાણ કરતાં તુરંત ઘરે પહોંચ્યાં હતાં. જોયું તો પતરાની તિજોરીમાંથી રૂ.1.40 લાખના દાગીના અને રોકડા રૂ.40 હજાર મળી કુલ રૂ.1.80 લાખની મત્તા ચોરી થઇ હતી. આ અંગે નડિયાદ શહેર પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top