Madhya Gujarat

અમદાવાદીઓને પીવડાવવાનો હજારો લીટર દારૂ નડિયાદમાં બની રહ્યો છે

SMCની ટીમે ફતેપુરા રોડ પરથી દેશી દારૂનો સૌથી મોટો અડ્ડા સાથે બુટલેગર પ્રકાશ તળપદાને ઝડપ્યો

નડિયાદના ફતેપુરા રોડ પર આંબાવાડીયા કાફેની પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે ધડબડાટી બોલાવી છે. જ્યાં અમદાવાદ મોકલવા માટે મોટા પ્રમાણમાં દેશી દારૂનું ઉત્પાદન લાઈવ ઝડપાઈ ગયુ છે. સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પરથી લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે બુટલેગર પ્રકાશ તળપદાને ઝડપી પાડ્યો છે. ત્યારે આ દરોડાના પગલે સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો સર્જાયા છે.
આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ રીંગ રોડ પરની આંબાવાડીયા કાફે પાસેથી ઘણા સમયથી ધમધમી રહેલ દેશી દારૂની ફેક્ટરી (ભઠ્ઠી) પર ગતરોજ ચોક્કસ બાતમીના આધારે રાજ્યના સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે પહોંચી દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી આ દરોડો પાડતા અહીંયાથી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો સાથે દેશી દારૂની સાધન સામગ્રી મળી આવી હતી. પોલીસે અહીયાથી 2,435 લીટર દેશીદારૂ કિંમત રૂપિયા 48 હજાર 700નો જથ્થો કબ્જે કર્યો હતો. સાથે સાથે સ્થળ પરથી હજારો લીટર દારૂ અને લાઇવ ભઠ્ઠીઓ મળી આવી હતી. મોટી માત્રામાં અહીયા દેશી દારૂ બનાવવામાં આવતો હતો. પોલીસે સ્થળ પરથી 8 વાહનો કિંમત રૂપિયા 7 લાખના પણ કબ્જે કર્યા છે. આ ઉપરાંત દેશી દારૂમાં વાપરવામાં આવતો અન્ય સાધન સામગ્રી મળી લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ સાથે એક આરોપી પ્રકાશ રાયસિંહ તળપદાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 10 આરોપી વોન્ટેડ જાહેર કરાયા છે. જ્યારે આ દેશી દારૂનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવતો હતો અને અન્ય કોણ કોણ બુટલેગરો સામેલ છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. ટાઉન પોલીસનુ નાક કપાતા કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. તો આ સાથે જ આ દેશી દારૂમાં અમદાવાદાના બુટલેગરો જે કટીંગમાં આવ્યા હતા, તેમને વોટેન્ડ જાહેર કરાયા છે. ત્યારે આ દેશી દારૂ સ્પેશિયલ અમદાવાદ પહોંચાડવા માટે તૈયાર કરાતો હોવાની રાવ છે.
તો શિક્ષાત્મક કાર્યવાહી કોની સામે?
ચકચારીત મહેફીલકાંડમાં નડિયાદમાં 1 વર્ષ અને 10 મહિના પી.આઈ. તરીકે ફરજ બજાવનારા હરપાલસિંહ ચૌહાણ સસ્પેન્ડ થયા છે. ત્યારે આજે નડિયાદ ટાઉન પોલીસની હદમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે સૌથી મોટો દેશી દારૂનો અડ્ડો ઝડપ્યો છે. આવા કેસમાં સ્થાનિક પી.આઈ. સામે શિક્ષાત્મક કાર્યવાહી થતી હોય છે, ત્યારે હાલ હરપાલસિંહ ચૌહાણ સસ્પેન્ડ થતા પી.આઈ.ના ઈન્ચાર્જમાં એચ. વી. સીસારાને મૂકાયે છે. જો કે, તેમણે હમણાં જ ચાર્જ લીધો હોય, તેમની સામે કાર્યવાહી કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. ત્યારે આ અડ્ડા માટે ટાઉન મથકના વહીવટદારો અને જવાબદાર પી.એસ.આઈ. સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય તે જરૂરી છે. જો કે, જિલ્લા પોલીસ વડા કાર્યવાહી કરશે કે કેમ તે અંગે અનેક સવાલો ઉઠ્યા છે.

Most Popular

To Top