સરકારી યોજનાઓ માટે જગ્યા નથી, પરંતુ શોપિંગ બનાવવા ઉતાવળ? મંજૂરી, નકશા અને હરાજી વિના કામગીરીના આક્ષેપ; જિલ્લા તંત્ર પાસે તપાસની માંગ
કવાંટ:
છોટાઉદેપુર જિલ્લાના અતિ પછાત કવાંટ તાલુકામાં ગ્રામ પંચાયતના વહીવટને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગામમાં છેલ્લા લગભગ 50 વર્ષથી કાર્યરત જાહેર પુસ્તકાલયની સામે જ ગ્રામ પંચાયત દ્વારા શોપિંગ સેન્ટરનું બાંધકામ શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ આ બાંધકામ પૂર્ણ થતાં લાઇબ્રેરીનો આગળનો ભાગ સંપૂર્ણપણે ઢંકાઈ જશે અને તેની ઓળખ તથા ઉપયોગિતા પર પણ અસર પડશે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે ગ્રામ પંચાયત પાસે વિવિધ સરકારી યોજનાઓ હેઠળ મંજૂર થયેલા હોલ અને અન્ય જાહેર સુવિધાઓ બનાવવા માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ નથી. છતાં જાહેર હિતના વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવાને બદલે શોપિંગ સેન્ટરોના બાંધકામ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આક્ષેપો મુજબ શોપિંગ સેન્ટરના બાંધકામ માટે જરૂરી નકશાની તાલુકા અથવા જિલ્લા કક્ષાની મંજૂરી લેવામાં આવી નથી તેમજ દુકાનોની ફાળવણી માટે હરાજી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી નથી. અગાઉ પણ પંચાયતના સત્તાધીશો દ્વારા પોતાના નજીકના લોકોને શોપિંગ ફાળવવામાં આવ્યા હોવાના આક્ષેપો થતા રહ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં અસંતોષ વ્યાપ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ પંચાયતની જમીન પર કેબિન અને અન્ય દબાણો વધતા જઈ રહ્યા છે. અનેક લોકો આવી જગ્યાઓ પરથી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે અને કેટલાક કિસ્સાઓમાં આ કેબિનોનું વેચાણ પણ થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. છતાં પંચાયત દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી.
ગ્રામજનોનું કહેવું છે કે કવાંટ ગ્રામ પંચાયતમાં સરકારી યોજનાઓ માટે જમીનનો અભાવ દર્શાવવામાં આવે છે, જ્યારે બીજી તરફ પંચાયતની જમીન પર નવા શોપિંગ સેન્ટરો અને દબાણો સતત ઉભા થઈ રહ્યા છે. સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.
રિપોર્ટર: ભાવેશ પંચાલ