Vadodara

એમએસયુની આર્ટ્સ ફેકલ્ટી વધુ એક વખત વિવાદમાં આવી , પરીક્ષાનું પેપર જ આવ્યું નહિ

બીજા વર્ષની પરીક્ષાના પ્રથમ દિવસે જ પ્રશ્નપત્ર નહીં આવતા 140 જેટલા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા

ફેકલ્ટીના ડીન પ્રોફેસર આધ્યા સક્સેનાએ તાત્કાલિક અસરથી ગુજરાતી વિભાગનો વહીવટ પોતાની પાસે લઈ લીધો

મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની આર્ટસ ફેકલ્ટીમાં આજરોજ બીજા વર્ષની પરીક્ષાના પ્રથમ દિવસે જ પ્રશ્નપત્ર નહીં આવતા 140 જેટલા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. જ્યારે બીજી બાજુ ફેકલ્ટીના ડીન દ્વારા તાત્કાલિક અસરથી કમિટીનું ગઠન કરી જવાબદાર પ્રોફેસર સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલયની આર્ટસ ફેકલ્ટીના બીજા વર્ષના વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા શરૂ થઈ હતી. તેમાં આજે પ્રથમ દિવસે ગુજરાતી વિષયનું પેપર હતું. પરંતુ આર્ટસ ફેકલ્ટીના ગુજરાતી વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને પ્રોફેસર વચ્ચે તાલમેલના અભાવે વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થા મળી ન હતી આ ઉપરાંત પેપર પણ મળ્યું ન હતું. જેથી પ્રથમ દિવસે પરીક્ષા આપવા આવેલા ૧૪૦ જેટલા વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા.

આ બાબતે આર્ટસ ફેકલ્ટીના ડીન પ્રોફેસર આધ્યા સક્સેનાએ તાત્કાલિક અસરથી ગુજરાતી વિભાગનો વહીવટ પોતાની પાસે લઈ લીધો હતો. અને વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર નહીં મળવા પાછળનું કારણ શોધવા તાત્કાલિક અસરથી કમિટીની રચના કરી હતી. અને આ ગંભીર પ્રકારની સમસ્યામાં જવાબદાર પ્રોફેસર સામે સસ્પેન્શન સુધીની કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ વિદ્યાર્થીઓએ આજના વિષયમાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગણી કરી હતી.

Most Popular

To Top