Vadodara

આખરે ફરિયાદના બે વર્ષ બાદ વ્હાઇટ હાઉસ તોડવાની ફરજ પડી

વડોદરા : ડોદરાના દંતેશ્વરની હદમા આવેલ વાઘોડિયા ડી માર્ટની પાછળના ભાગે ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલ વ્હાઇટ હાઉસને આજે આખરે ઘ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું. હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે હાઇકોર્ટની સુનવાઇ બાદ વૈભવી બંગલાને તોડી પાડવામાં આવ્યો હતો આ સાથે 5 ડુપ્લેક્ષ તેમજ આસપાસના નાના ઝુંપડા પણ દૂર કરી દેવામાં આવ્યા હતા.
વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં સર્વે નંબર 541 ફાઇનલ પ્લોટે 879 તથા 881વાળી જમીન ઉપર સંજયસિંહ બચુસિંહ પરમાર નામના વ્યક્તિએ સરકારી 100 કરોડની જમીન ઉપર વ્હાઇટ હાઉસ ઉભું કરી દીધું હતું અને બાજુની જ જમીન ઉપર કાનન 1 અને કાનન 2 નામની સ્કીમો ઉભી કરી દેવામાં આવી હતી.

સંજયસિંહ પરમાર દ્વારા તેઓના પત્ની લક્ષ્મીબહેનના નામે દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. આ અંગે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવ્યા બાદ આજરોજ તેને તોડી પાડવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાના હુકમના પગલે આજરોજ સવારથી મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજરોજ સવારે 10 કલાકથી પ્રાંત અધિકારી, સીટી સર્વે શાખાના સુપ્રિટેન્ડન્ટ મામલતદાર, પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિમાં આ દબાણો હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. શરૂઆતમાં 5 ડુપ્લેક્ષ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં 5 જેટલા જેસીબી અને 25 થી વધુ કર્મચારીઓનો સટાફ કામે લાગ્યો હતો. આ કામગીરીમાં ફાયર બ્રિગેડ તેમજ વીજ કંપનીના સ્ટાફને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. વીજ કંપની દ્વારા વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ તોડવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.

સરકારી જમીન ઉપર વૈભવી બંગલો કે જે વ્હાઇટ હાઉસના નામે ઓળખાતો હતો તે ઉભો કર્યા બાદ બાજુની 1 લાખ ચોરસફૂટ જમીન ઉપર ડુપ્લેક્ષની સ્કીમ મુકવામાં આવી હતી. તો જાણવા મળ્યા મુજબ આજે સવારે આ તમામ બાંધકામો જેસીબી મશીનની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. જો કે ડુપ્લેક્ષ તોડી પડાયા બાદ માલિક સંજય સિંહ પરમાર દ્વારા હાઇકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા. અને હીયરીંગ સુધી બપોરે 12.30 થી 2.30 એમ 2 કલાક સુધી આ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી જો કે હાઇકોર્ટ દ્વારા આ લેન્ડ ગ્રેબિંગનો મામલો હોઈ તેમાં કોઈ રક્ષણ ન આપી શકાય તેમ જણાવી દબાણ દૂર કરવા માટે કાર્યવાહી શરુ રાખવા આદેશ કર્યો હતો અને તેના પગલે બપોરે 3.30 કલાક બાદ વૈભવી વ્હાઇટ હાઉસને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું હતું.

એક તરફ આ તમામ દબાણો હટાવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સ્થાનિકોના ટોળેટોળા ત્યાં ઉમટી પડ્યા હતા. અને લોકોએ વિડીયો ઉતારવાનું પણ શરુ કર્યું હતું. આ દબાણ હટાવાતા સ્થાનિકોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું હતું. અત્રે નોંધવું રહ્યું કે આ મામલામાં 20 જાન્યુઆરીએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ વ્હાઇટ હાઉસ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો અને આ મામલામાં તલાટી સહીત કોર્પોરેશનના અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ મામલામાં કોર્પોરેશનના 3 અધિકારીઓ ડેપ્યુટી ટીડીઓ, જુનિયર ક્લાર્ક અને ડ્રાફ્ટ મેનને જેલભેગા કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા સોહમ પટેલ, નિર્મલ કંથારીયા અને શનાભાઈ તડવીની અટકાયત કરવામાં આવી હતી. ઉપરાંત આ મામલામાં દબાણો સ્વૈચ્છીક રીતે દૂર કરવાની નોટિસ પણ ફટકારવામાં આવી હતી પરંતુ તેને પણ ઘોળીને પી ગયા બાદ આખરે આજે આ તમામ દબાણો તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

વહીવટી તંત્ર છેક સુધી ભૂમાફીયાને બચાવવાની ફિરાકમાં હતું?
વૈભવી વ્હાઇટ હાઉસ તોડી પાડવાની શરૂઆત આજે સવારથી કરવામાં આવી હતી સામાન્ય રીતે આવી કામગીરી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કરવામાં આવે છે પરંતુ તંત્ર દ્વારા આ કામગીરી સવારે 10 કલાક બાદ શરુ કરવામાં આવી હતી. શું તંત્ર પણ છેલ્લે સુધી ભૂમાફીયાને બચવા માટે સમય આપવાની ફિરાકમાં હતું?

7-8 મહિનાની લડાઈ રંગ લાવી
મનપાના મેયર અને પાંચે પાસિન્હ ધારાસભ્યએ મારી વાતને સમર્થન આપ્યું હતું અને માન્યું હતું કે આ દબાણ તૂટવું જ જોઈએ. ત્યારે આજે આખરે આ દબાણ તૂટ્યું છે તે આનંદની વાત છે. હજુ ઘણી જગ્યાઓ છે જેમાં આ જ વ્યક્તિ સંડોવાયેલ છે. અને તે આગામી સમયમાં ખુલ્લું પાડીશ. જો કે એક વાતનો રંજ છે કે આ કૌભાંડમાં જે મોટા માથાઓ સંડોવાયેલા છે તેઓના નામ હજુ બહાર નથી આવ્યા અને તેઓ સામે કાર્યવાહી નથી થઇ. જે 3 અધિકારીઓ પકડાયા છે તેઓએ અગાઉ કહ્યું જ હતું કે આ ગેરકાયદેસર છે પરંતુ આ મુદ્દામાં મોટા માથાઓના નામ ખુલે એ જરૂરી છે. – ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થું), વિપક્ષ

Most Popular

To Top