Editorial

ઝુકરબર્ગની મેટાવર્સ કંપની વર્ચ્યુઅલ રિયાલિટી ક્ષેત્રે નવીનતા લાવશે

સોશિયલ મીડિયાએ લોકોની જિંદગીમાં ભારે પરિવર્તન લાવી દીધું છે. મોબાઈલને જોયા વગર લોકોને ચાલે તેમ નથી. સવારની શરૂઆત જ વોટ્સએપ, ફેસબૂક, ઈન્સ્ટાગ્રામથી માંડીને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી થાય છે. સોશિયલ મીડિયાની ડિમાન્ડ જોઈને કંપનીઓ તેમાં રોજ નવા ફિચર્સ ઉમેરી રહી છે. પહેલા માત્ર સંદેશાની જ આપ લે થતી હતી પરંતુ હવે સોશિયલ મીડિયા મારફત લોકો પૈસા પણ એકબીજાને મોકલી શકે છે. આગામી દિવસો સોશિયલ મીડિયાની સાઈટ તેમજ મોબાઈલ એપ્લિકેશનના છે. સોશિયલ મીડિયાની આ લોકપ્રિયતા જોઈને હવે કંપનીઓ પણ તેને વધુને વધુ લોકભોગ્ય બનાવવા માટે દોડી રહી છે

. ફેસબૂકની શરૂઆત કરનાર માર્ક ઝુકરબર્ગ હવે ફેસબૂક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને બદલવાની તૈયારીમાં આવ્યા છે. એવું બની શકે છે કે ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ત્રણેયને ભેગા કરીને એક નવી જ એપ્લિકેશન તૈયાર કરવામાં આવે. હજુ સુધી માર્ક ઝુકરબર્ગ દ્વારા આની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જો આમ થશે તો સોશિયલ મીડિયા લોકોના જીવનનું એક અભિન્ન અંગ બની જશે. જોકે, લોકોએ એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આ સોશિયલ મીડિયાના તેઓ એટલા આદી નહીં બને કે ભવિષ્યમાં સોશિયલ મીડિયા થકી તેમનો દુરૂપયોગ કરવામાં આવે.

શરૂઆતમાં એવી માહિતી આવી હતી કે ફેસબૂકનું નામ બદલાઈ રહ્યું છે પરંતુ ત્યારબાદ એવી માહિતી આવી કે માર્ક ઝુકરબર્ગ દ્વારા પોતાની માલિકીની ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ તેમજ ઓકુલસને એક જ જગ્યાએ લઈ આવવામાં આવે. ઝુકરપર્ગની કંપની એન્યુઅલ કનેક્ટ કોન્ફરન્સમાં નવા નામની જાહેરાત કરે તેવી સંભાવના છે. ઝુકરબર્ગ કંપનીનું નામ પણ બદલે તેમ છે. ઝુકરબર્ગ ફેસબૂક મેટાવર્સ કંપની બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

ઝુકરબર્ગે થોડા સમય પહેલા એવી જાહેરાત કરી હતી કે તેમના દ્વારા સોશિયલ મીડિયા કંપનીમાંથી આગળ વધીને તેને મેટાવર્સ કંપની બનાવવામાં આવશે. આ કંપની એમ્બોઈડેડ ઈન્ટરનેટ પર કામ કરશે. જેમાં વાસ્તવિકતા અને વર્ચ્યુઅલ વર્લ્ડનું સંયોજન કરવામાં આવશે. આ નવી કંપની દ્વારા મીટિંગ, ટ્રાવેલિંગ તેમજ ગેમિંગ જેવા અનેક કામો પણ કરી શકાશે. આ વર્ચ્યુઅલ રિયાલિટી માટેનું એક આગવું કદમ હશે. આમાં ઓડિયો સ્પીકરથી માંડીને ટીવી, વિડીયો ગેમ સહિતની સુવિધા પણ જોવા મળશે. આના દ્વારા એવું થશે કે જે તમારી સો નથી પરંતુ તમે તેને જોઈ શકશો. ભવિષ્યમાં આ ટેકનોલોજી દ્વારા ચીજોને અડકવાની સાથે તેની સુગંધ પણ લઈ શકાશે.

વર્ચ્યુઅલ વર્લ્ડ માટે વપરાતો શબ્દ મેટાવર્સનો સૌથી પહેલો ઉપયોગ સાયન્સ ફિકશન લેખક નીલ સ્ટીફેન્સ દ્વારા 1992માં પોતાની નોવેલ સ્નો ક્રેશમાં કરવામાં આવ્યો હતો. મેટાવર્સ કંપની રાતોરાત બનાવી શકાતી નથી. ઝુકરબર્ગની આ કંપની માટે પણ આશરે 400 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. કોર્ક આર્યલેન્ડમાં આવેલી ફેસબૂકની રિયાલિટી લેબમાં આ કંપની માટે કામગીરી કરવામાં આવશે.  ફેસબૂકે AI એથિકલ રિસર્ચ સેન્ટર બનાવવા માટે 2019માં મ્યુનિખની ટેક્નોલોજી યુનિવર્સિટીની સાથે ભાગીદારી પણ કરી છે.

અને આગામી દિવસોમાં ઝુકરબર્ગ દ્વારા યુરોપિય યુનિયનના આશરે 10 હજાર લોકોને નોકરી પણ આપવામાં આવશે.  જે રીતે માર્ક ઝુકરબર્ગ દ્વારા વર્ચ્યુઅલ રિયાલિટી ક્ષેત્રે નવા કદમ શરૂ કરવામાં આવ્યા છે તે જોતાં આગામી દિવસોમાં અન્ય સોશિયલ મીડિયા સાઈટ ચલાવતી કંપનીઓ દ્વારા પણ વર્ચ્યુઅલ વર્લ્ડ માટે નવી શોધ કરવામાં આવે તેવી સંભાવના છે. ઝુકરબર્ગ દ્વારા વર્ચ્યુઅલ રિયાલિટી ક્ષેત્રે માંડવામાં આવેલા નવા કદમથી ભવિષ્યમાં વર્ચ્યુઅલ રિયાલિટી ક્ષેત્રે નવી વોર શરૂ થાય તો નવાઈ નહી હોય.

Most Popular

To Top