Columns

ભગવાન બુદ્ધના શબ્દો

ભગવાન બુદ્ધના સમયમાં અંગુલિમાલ નામના એક ભયાનક લૂંટારાએ કાળો કેર વર્તાવ્યો હતો, તે એક જંગલમાં રહેતો હતો અને ગમે ત્યારે ત્રાટકીને ગામલોકોને વટેમાર્ગુઓને લૂંટી લેતો અને તેમની હત્યા કરી નાખતો અને ફરી જંગલમાં ગાયબ થઈ જતો. તેણે અનેક લોકોની હત્યા કરી હતી. બધા લોકો તેના નામથી જ ધ્રૂજતા હતા અને ભાગ્યે જ કોઈ અંધારી રાતે બહાર નીકળતું. અંગુલિમાલની એક વિચિત્ર રીત હતી. તેણે જેટલા લોકોની હત્યા કરી હતી તેમની આંગળી કાપી લઈને માળા બનાવટો અને પોતે હંમેશા તે કાપેલી આંગળીઓની માળા પહેરતો હતો…તેના આ કાપેલી આંગળીઓની માળા પહેરેલા ભયંકર રૂપને જોઇને જ લોકો ડરી જતા.

એક દિવસ ભગવાન બુદ્ધ એકલા જ, જ્યાં અંગુલિમાલ રહેતો હતો એ જંગલમાંથી પસાર થયા.ભગવાન બુદ્ધને જોતા જ તેમને લૂંટી લેવા અને હત્યા કરવા અંગુલિમાલ તલવાર લઈને ભગવાન બુદ્ધ તરફ દોડ્યો, તેણે ડરાવવા માટે મોટેથી બૂમ પાડી, ‘વટેમાર્ગુ ખબરદાર ઊભો રહે!’ બુદ્ધ શાંતિથી ચાલતા રહ્યા, અંગુલિમાલે ફરી બૂમ પાડી, ‘હવે તું નહીં બચી શકે ઊભો રહે.’ ભગવાન બુદ્ધ ઊભા રહ્યા અને શાંતિથી કહ્યું, ‘હું તો ક્યારનોય ઊભો છું, અંગુલિમાલ. પણ તું ક્યારે ઊભો રહીશ હવે ઊભો રહેવાનું તારે છે — હિંસા અને ક્રોધની દોડમાંથી.’

ભગવાન બુદ્ધના આ શબ્દોએ અંગુલિમાલને ચોંકાવી દીધો. ભગવાન બુદ્ધ ન તેનાથી ગભરાયા ન બુદ્ધે તેને ડરાવ્યો, ન નિંદા કરી, ન ભાગ્યા, ન ક્રોધ કર્યો કે ન છોડી દેવા કરગર્યા. અંગુલિમાલ તેમની પાસે આવ્યો પણ તેમની પર હુમલો ન કરી શક્યો ભગવાન બુદ્ધે તેની આંખોમાં જોઈને કરુણાથી કહ્યું, ‘આ રાક્ષસ જેવું જીવન જીવવાની તારે જરૂર નથી તું પણ માણસ છે અને તારી અંદર પણ પરિવર્તનની શક્તિ છે. તું માણસ બન.’

જ્યારે બધા તેનાથી ડરતા અને નફરત જ કરતા, બધા તેને ક્રૂર લૂંટારો માની ડરીને દૂર ભાગતા હતા ત્યારે ભગવાન બુદ્ધએ તેને માણસ ગણ્યો અને આ સહાનુભૂતિભર્યા શબ્દોએ, અંગુલિમાલના હૃદયને સ્પર્શ કર્યો. તેણે તલવાર ફેંકી દીધી અને બુદ્ધના શિષ્ય બની ગયો. ભગવાન બુદ્ધ એ જગતને સમજાવ્યું કે સૌથી ક્રૂર અને ભયાનક વ્યક્તિમાં પણ પરિવર્તનની શક્યતા હોય છે. ડર કે નફરતથી નહીં, સાચી કરુણા અને સહાનુભૂતિથી જ સૌથી કઠોર હૃદય પણ બદલી શકાય છે.

Most Popular

To Top