Editorial

નવી વિદેશ વેપાર નીતિ તેનું લક્ષ્ય આંબી શકશે ખરી?

ભારતે હાલમાં નવી વિદેશ વેપાર નીતિ ખુલ્લી મૂકી છે જેને ભારત સરકારે ગતિશીલ અને પ્રતિભાવ આપે તેવી વિદેશ વેપાર નીતિ ગણાવી છે. આ વિદેશ વેપાર નીતિનો હેતુ દેશની વિદેશોમાં થતી નિકાસ ૨૦૩૦ના વર્ષ સુધીમાં બે ટ્રિલિયન ડોલર સુધી કરવાનો હેતુ છે, આ ઉપરાંત ભારતીય રૂપિયાને વૈશ્વિક ચલણ બનાવવાનો અને ઇ-કોમર્સ નિકાસોને પ્રોત્સાહનો આપવાનો હેતુ છે. અત્યાર સુધી દેશની વિદેશ વેપાર નીતિ જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે તે ચોક્કસ સમયગાળા માટે રહેતી આવી છે પરંતુ આ વખતે આ નવી વિદેશ વેપાર નીતિની કોઇ અવધી નક્કી કરવામાં આવી નથી અને એવું જણાવવામાં આવ્યું છે કે તેમાં સમયે સમયે સુધારા વધારા કરવામાં આવશે.

જો કે સરકાર બદલાય અને નવી સરકાર આવે તો તે આ વિદેશ વેપાર નીતિને રદ કરીને નવી વિદેશ વેપાર નીતિ રજૂ કરે તેવુ બની શકે, પરંતુ હાલ તો આ વિદેશ વેપાર નીતિ અચોક્કસ મુદ્દત સુધીની છે એમ કહેવાય. વિદેશ વેપાર નીતી રજૂ કરતી વખતે સરકારે ભાવિ વિદેશ વેપારની સ્થિતિ અંગે એક ફૂલગુલાબી ચિત્ર ઉભું કર્યું છે અને જણાવ્યું છે કે આ વિદેશ નીતિના અમલ વડે દેશની નિકાસો વધારીને થોડા વર્ષોમાં દેશની કુલ નિકાસ બે ટ્રિલિયન ડોલર પર પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય છે.
ફોરેન ટ્રેડ પોલિસી(એફટીપી)નો અભિગમ છૂટછાટોથી પ્રોત્સાહન આધારિત વ્યવસ્થાનો છે.

આ ઉપરાંત નિકાસકારો, રાજ્યો, જિલ્લાઓ અને ભારતીય મિશનો વચ્ચે સહકારને વેગ આપવાનો તથા ટ્રાન્ઝેકશન ખર્ચ ઘટાડવાનો અને વધુ નિકાસ હબ્સ વિકસાવવાનો હેતુ છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ કે જે હાલ ગયા માર્ચના અંતે પુરું થયું છે તેમાં ભારતની સામાન નિકાસ અને સેવા નિકાસ ૭૬પ અબજ ડોલર થઇ ગઇ હોવાની શક્યતા છે. અગાઉના નાણાકીય વર્ષમાં કુલ નિકાસ ૬૭૬ અબજ ડોલર હતી. પ વર્ષની વિદેશ વેપાર નીતિની પરંપરાથી વિપરીત આ વખતે સરકાર એક ગતિશીલ અને પ્રતિસાદાત્મક નીતિ સાથે આગળ આવી છે જેમાં કોઇ સમાપ્તિની તારીખ નક્કી કરવામાં આવી નથી, અને ઉભરતા વૈશ્વિક પરિદ્રશ્ય અનુસાર તેમાં સુધારા વધારા કરવામાં આવશે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા ખુલ્લી મૂકવામાં આવેલી ફોરેન ટ્રેડ પોલિસી(એફટીપી) ૨૦૨૩ અંગે મીડિયાને માહિતી આપતા વિદેશ વેપારના ડિરેકટર જનરલ સંતોષ સારંગીએ જણાવ્યું હતું કે અમે એ સુનિશ્ચિત કર્યું છે કે આ નીતિના સમાપનની કોઇ તારીખ નહીં હોય, સમયે સમયે તેમાં ફેરફાર કરવામાં આવશે. વાણીજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે વેપાર વિભાગ વિશ્વ સુધી પહોંચવાના વ્યાપક પ્રયાસ કરશે,પછી તે સેકટરલક્ષી હોય કે દેશ અનુસાર, આગામી ચાર પાંચ મહિનામાં આ પ્રયાસ કરવામાં આવશે. અમારું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં બે ટ્રિલિયન ડોલરની નિકાસનું છે, પણ તેમાં એવું થવું નહીં જોઇએ કે માલસામાનની નિકાસ કરતા સેવાઓની નિકાસ વધી જાય એમ મંત્રીએ જણાવ્યું હતું.

સ્વાભાવિક રીતે સરકાર ઇચ્છે છે કે સર્વિસ સેકટરની નિકાસો કરતા માલસામાનની નિકાસ વધારે હોય. જો કોઇ દેશોમાં ચલણ નિષ્ફળ જાય કે ડોલરની અછત તેમને વર્તાય તો અમે તેમની સાથે રૂપિયામાં વેપાર કરવા માટે તૈયાર છીએ એમ વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે જણાવ્યું હતું. હાલ કેટલાક દેશોએ ભારત સાથે વેપાર ડોલરને બદલે રૂપિયામાં કરવાની તૈયારી બતાવી છે અને વિશ્વના બીજા કેટલાક દેશો પણ હવે પોતાનો વિદેશ વેપાર ડોલરને બદલે પોતાના ચલણોમાં કરવાના પ્રયોગો કરી રહ્યા છે તે જોતા આ કોઇ નવી વાત નથી. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ભારતીય નિકાસોએ વૈશ્વિક રીતે સ્પર્ધાક્ષમ બનવું પડશે અને સબસીડીઓ પર આધારિત રહેવું જોઇએ નહીં. આ ખૂબ જ મહત્વની વાત છે. ભારતના અનેક ઉત્પાદનો વૈશ્વિક સ્પર્ધામાં ટકી શકતા નથી અને તેથી નિકાસને બહુ વેગ મળતો નથી તે એક કઠોર વાસ્તવિકતા છે.

નવી વિદેશ વેપાર નીતિ રજૂ કરતા સરકારે મોટી મોટી આશાઓ તો બંધાવી છે પરંતુ દેશનું હાલનું આયાત-નિકાસનું ચિત્ર તો કંઇક બીજું જ બોલે છે. હાલમાં ૧૩મી એપ્રિલે જ વાણિજ્ય સચિવે રજૂ કરેલા આંકડાઓ મુજબ દેશની નિકાસો ગયા નાણાકીય વર્ષમાં તેના અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં વધી છે તો તેની સામે આયાતો પણ વધી છે અને તે સાથે જ દેશની વેપાર ખાધ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં વધીને ૧૨૨ અબજ ડોલર થઇ ગઇ છે જેની સામે તેની અગાઉના એટલે કે ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષમાં ભારતની વેપાર ખાધ ૮૨ અબજ ડોલર હતી. દેખીતી રીતે મંદી તથા અન્ય મુદ્દાઓ હોવા છતાં દેશની વેપાર ખાધમાં ઘણો મોટો ઉછાળો આવ્યો છે.

પશ્ચિમી દેશોની મંદ સ્થિતિનો લાભ ભારત પુરતો લાભ ઉઠાવી શક્યું નથી તે દેખાઇ આવે છે. ભારતની કુલ આયાતોમાં ચીનથી આયાતનો હિસ્સો ભલે ઘટયો હોય પરંતુ તેની પાસેથી કરાતી કુલ આયાતો તો વધી જ છે. ક્રૂડ જેવી અનિવાર્ય આયાતની વાત છોડીએ તો પણ અન્ય ઘણી વસ્તુઓની આયાત ભારતે કરવી પડે છે અને તેની સામે નિકાસ ટાંચી પડે છે તે એક કઠોર વાસ્તવિકતા છે, એટલે ભારતે પોતાની નિકાસ વધારવા પોતાના ઉત્પાદનોને વૈશ્વિક સ્પર્ધાક્ષમ બનાવવા જ પડશે.

Most Popular

To Top