ગુજરાતના રાજકારણમાં પેદા થયેલી નવી પ્રજાતિ કોંગજેપીનો પાટીલભાઉ એકડો કાઢી નાંખશે?

અમરેલી જિલ્લામાં આહીર સમાજના બાબરીયાધાર સમૂહ લગ્નમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અંબરીશ ડેર પર એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. “ધારાસભ્ય અમરીશ ડેરને મારે ખખડાવા  છે મારો અધિકાર છે” તેવું પાટીલે જણાવ્યું છે. આ સાથે જ પાટીલે ઉમેર્યું કે “મારી પાર્ટીના ઘણા લોકો તેના ખાસ મિત્રો છે તેનો ઉદય પણ ત્યાંથી જ થયો. અમે તેની માટે ખાસ હજુ જગ્યા  રાખી છે.” ત્યારબાદ સીઆર પાટીલે કહ્યું હતું કે, રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર ને ભાજપમાં આવવા મેં કોઈ આમંત્રણ આપ્યું નથી તેઓ ભાજપમાં અગાઉ હતા તે મુદ્દે તેમનો ઉલ્લેખ  કર્યો હતો તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમના નિવેદનને ટ્વિસ્ટ કરીને રજૂ કરવામાં આવ્યું છે. હવે કોઈ કોંગ્રેસીને લેવા ભાજપ તૈયાર નથી. હવે કોઇ કોંગ્રેસીને લેવા માટે ભાજપ તૈયાર નથી  તે વાક્ય ખૂબ જ સૂચક છે.

આ પહેલા ભાજપે ગુજરાતમાં એક નવો અખતરો કર્યો છે અને આખેઆખી સરકાર બદલી નાંખવાની હિંમત કરી છે. આ આખા પ્રયોજનને નો રિપિટેશન નામનું  રૂપકડું નામ આપી દેવામાં આવ્યું છે. આ આખી કવાયત પાછળ કોંગ્રેસી ગોત્ર ધરાવતાં અને હાલમાં ભાજપનો ઝંડો લઇને ચાલતાં નેતાઓનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. કારણ  કે, નો રિપિટેશનની ફોર્મ્યુલામાં ભાજપના જ કદાવર નેતાઓ રાજ્યના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઇ જતાં હોય તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓની પ્રજાતિ એટલે કે કોંગજેપીના  મોટા ચહેરાઓનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. ભાજપ એક જ ઝાટકે જો તેમના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને બદલવાની ક્ષમતા રાખતો હોય તો તેની સામે આ કોંગજેપી પ્રજાતિ એટલે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ચહેરાઓની તો કોઇ વિસાત જ નથી તે તેમણે શાણપણમાં સમજી લેવું પડશે.

છેલ્લા 12 વર્ષની અંદર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા એટલે કે ગુજરાતના રાજકારણની નવી પ્રજાતિ કોંગજેપી પર ચર્ચા કરીએ તો કચ્છ ભૂજના નિમાબેન આચાર્ય, અબડાસાના છબીલ  પટેલ, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજાએ પંજો છોડીને ભાજપનું કમળ પકડી લીધું છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો બોરસદ આણંદના લાલસિંહ વડોદરિયા, કરજણના અક્ષય પટેલ,   ઠાસરાના રામસિંહ પરમાર, બાલાસિનોરને માનસિંહ ચૌહાણ અને ગોધરાના સીકે રાઉલજીએ પક્ષ પલટો કર્યો છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ડાંગના પરેશ વસાવા, બારડોલીના કુંવરજી  હળપતિ, માંડવીના  પરભુ વસાવા, ડાંગના મંગળ ગાવિત, કપરાડાના જીતુ ચૌધરી, ઉમરગામના શંકર વારલી, વાંસદાના છનાભાઇ પટેલ પણ પક્ષપલટું છે. સૌરાષ્ટ્રમાંથી સુરેન્દ્ર નગરના  દેવજી ફતેપુરા, જેતપુરના જયેશ રાદડિયા, ગીર સોમનાથના જશા બારડ, લાઠીના બાવકુ ઉઘાડ, જામનગરના રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જસદણના કુંવરજી બાવળિયા, માણાવદરના  જવાહર ચાવડા,  ધ્રાંગધ્રાના પરસોત્તમ સાબરિયા, જામનગરના વલ્લભ ધાવરિયા, ધારીના જે.વી.કાકડિયા, ગઢડાના પ્રવિણ મારૂ, લીમડીના સોમા પટેલ, મોરબીના બ્રિજેશ મોરબી, જસદણના  ભોળાભાઇ ગોહિલનું ગોત્ર કોંગ્રેસી છે.

અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાંથી નરહરિ અમીન, હિંમત નગરના રાજેન્દ્રસિંહ ચાવડા, મહેસાણાના જીવાભાઇ પટેલ, બાયડના મહેન્દ્રસિંહ વાઘેલા,  વિજાપુરના ડો. તેજશ્રી પટેલ, વિજાપુરના પીઆઇ પટેલ, ઉંઝાના આશા પટેલ, રાધનપુરના અલપેશ ઠાકોર, બાયડના ધવલસિંહ ઝાલા, સાણંદના કરમશી પટેલ, માણસાના અમિત ચૌધરી,  સિદ્ધપુરના બલવંતસિંહ રાજપૂત પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ ગયા છે. આ તમામ પૈકી કેટલાંકને ભાજપે સારા હોદ્દા પણ આપ્યા છે તો કેટલાંક પહેલાથી જ હાંસિયામાં છે. પરંતુ જે  રીતે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ નિવેદન કરે છે તે જોતા તો સ્પષ્ટ જ લાગી રહ્યું છે કે, તેઓ કોઇ કોંગ્રેસીને ભાજપમાં લેવાના મૂડમાં નથી. આ વાત આજની નથી પરંતુ જ્યારથી  તેમણે પ્રદેશ પ્રમુખ તરીકેની ધૂરા સંભાળી છે.

ત્યારથી જ તેઓ છાશવારે આ વાત કહી રહ્યાં છે. કેટલીક વખતે તેમણે નમતું જોખીને આ મુદ્દે સમાધાન કર્યુ છે પરંતુ તે મને કમને કર્યું છે. આ  ઉપરાંત ધારાસભ્ય સિવાયનું પદ ભોગવતા અનેક લોકો પણ આ કોંગજેપી પ્રજાતિના છે. હવે મુખ્યવાત એ છે કે ભાજપમાં હોદ્દાઓ ઓછા અને દાવેદાર હજારો છે. ગુજરાત ભાજપની વાત  કરીએ તો ભાજપમાં ભાજપના લોકોને સમાવવાની જ ક્ષમતા રહી નથી. તો કોંગ્રેસીઓ અને કોંગજેપી પ્રજાતિની વાત તો બહુ દૂરની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપે કોંગ્રેસમાંથી 43થી વધુ  ધારાસભ્યો અને સાંસદોને તોડી નાંખ્યા છે.

ગુજરાત વિધાન સભાની 182 બેઠકમાં 25 ટકા જેટલું સંખ્યાબળ તો આ કોંગજેપી પ્રજાતિના લોકોનું છે. ગુજરાત ભાજપમાં સી.આર.પાટીલની ક્ષમતાની વાત કરીએ તો તેમણે વિધાનસભાની પેટા ચૂંટણીની તમામ આઠ બેઠક જીતીને બતાવી છે તેમાં પણ ડાંગની વાત કરીએ તો તેને જાદુ જ કહી શકાય તેમ છે.  હવે તે કેવી રીતે થયું તે તો સીઆર પાટીલ જ જાણે પરંતુ ડાંગની બેઠક જીતવી એજ ભાજપ માટે સપનું હતું અને પાટીલે આ બેઠક 60 હજારની લીડથી જીતીને બતાવી છે. આ ઉપરાંત તમામ મહાનગર પાલિકા અને પાલિકાઓની ચૂંટણી પણ તેમણે જીતીને બતાડી છે. ટૂંકમાં એક જ વર્ષમાં તેમણે તેમની ક્ષમતા સાબિત કરી બતાવી છે. હવે જો તે આગામી વિધાનસભાની ચૂંટણીમાં નો રિપિટેશનની ફોર્મ્યુલા લાવે તો તમામ કોંગજેપી પ્રજાતિના લોકો ઘરે બેસી જશે.

Related Posts