Comments

18 વર્ષ પહેલાં ઇઝરાયેલને ગાઝા પટ્ટીનો કબજો છોડવાની ફરજ કેમ પડી હતી?

ઈઝરાયેલ, ગાઝા પટ્ટી, હમાસ અને પેલેસ્ટાઈન. આ ચાર શબ્દો છેલ્લા કેટલાક દિવસથી આખી દુનિયામાં સાંભળવા મળી રહ્યા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધની વચ્ચે ગાઝા પટ્ટીનો મામલો હવે સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચ્યો છે. પેલેસ્ટાઈનના રાજદૂતે કહ્યું હતું કે ગાઝા પટ્ટી અને તેની આસપાસના વિસ્તારોમાં ઈઝરાયેલ જે કંઈ કરી રહ્યું છે તે નરસંહારથી ઓછું નથી. લોકોની હત્યા થઈ રહી છે અને બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર કબજો કરી લેશે.

જો આવું થાય તો તે પ્રથમ વખત નહીં બને. ઈઝરાયેલે આ પહેલાં પણ ગાઝા પટ્ટી પર કબજો કર્યો હતો. તેણે ત્યાં ઘણી વસાહતો પણ સ્થાપી હતી. પરંતુ વર્ષ ૨૦૦૫માં ઈઝરાયેલ સરકારનો ઈરાદો અચાનક બદલાઈ ગયો હતો અને તેણે ગાઝા છોડવાનો નિર્ણય લીધો હતો. એવું કેમ થયું? ઇઝરાયેલે ગાઝા પટ્ટી કેવી રીતે કબજે કરી અને પછીથી તેણે તેને છોડવાનો નિર્ણય શા માટે લીધો? તેની પણ લાંબી અને દિલચશ્પ કહાણી છે.

વર્ષ ૧૯૬૦માં ઈઝરાયેલ સરહદ પર અથડામણની ઘટનાઓ વધવા લાગી હતી. ઇજિપ્ત, સીરિયા અને જોર્ડન સાથે ફાયરિંગની ઘટનાઓ સામાન્ય હતી. પેલેસ્ટિનિયન ઉગ્રવાદીઓના હુમલામાં પણ વધારો થયો હતો. આ તમામને આરબ દેશોનું સમર્થન મળી રહ્યું હતું. ઈઝરાયેલે આરબ દેશોને કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પરંતુ આરબ દેશોએ ઈઝરાયલની વાત ન સાંભળી. આથી ઈઝરાયેલે સરહદની અંદર ઘૂસીને હુમલાઓ શરૂ કરી દીધા. તે સમયે ઇજિપ્તમાં અબ્દુલ નાસરની સરકાર હતી. નાસર પોતાને આરબ દેશોના સૌથી મહાન નેતા માનતા હતા. જ્યારે ઈઝરાયેલે હુમલો કર્યો ત્યારે તેમની છબી ખતરામાં હતી. તેમણે પગલાં લેવાનું નક્કી કર્યું. સિનાઈ દ્વીપકલ્પમાં સેના તૈનાત કરવામાં આવી હતી. આ વિસ્તાર ઇઝરાયેલની દક્ષિણ સરહદને અડીને આવેલો છે. તે જ સમયે સીરિયાએ ઈઝરાયેલની ઉત્તરીય સરહદ પર સેના મોકલી હતી.

મે ૧૯૬૭માં ઇજિપ્તના નાસરે ઈરાક અને જોર્ડન સાથે સંરક્ષણ સોદો કર્યો. આરબ દેશો ગમે ત્યારે હુમલો કરી શકે છે તે નિશ્ચિત હતું. પરંતુ તેઓ હુમલો કરી શકે તે પહેલાં ઇઝરાયેલે તેના હવાઈ દળને ઇજિપ્ત મોકલ્યું. થોડા કલાકોમાં ઇજિપ્તની વાયુસેનાનો નાશ થયો. એરપોર્ટ પર ભારે બોમ્બમારો કરવામાં આવ્યો. ત્રણ દિવસમાં ઇઝરાયેલે સિનાઇ દ્વીપકલ્પ પર કબજો કરી લીધો. આ પછી ઈઝરાયેલે જોર્ડન અને સીરિયાને પણ હરાવ્યું. ૧૦ જૂન ૧૯૬૭ના રોજ યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ઇજિપ્તનું સિનાઇ દ્વીપકલ્પ, સીરિયાની ગોલાન હાઇટ્સ અને જોર્ડનના નિયંત્રણ હેઠળના પશ્ચિમ કાંઠા અને પૂર્વ જેરુસલેમ પર ઇઝરાયેલ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. સિનાઈ દ્વીપકલ્પના કબજા સાથે ગાઝા પટ્ટી પણ ઈઝરાયેલના નિયંત્રણમાં આવી ગઈ. ગાઝા સિનાઈ દ્વીપકલ્પનો સૌથી ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર હતો. ઈઝરાયેલે ૧૯૬૭માં ગાઝા પટ્ટી પર કબજો કર્યો ત્યારથી ગાઝાનો વહીવટને પણ તેણે હાથમાં લીધો હતો. વર્ષ ૧૯૭૮માં ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચે કેમ્પ ડેવિડ મંત્રણા થઈ હતી. તેમાં ગાઝા પટ્ટીમાં રહેતા પેલેસ્ટિનિયનોની જરૂરિયાતો અને તેમના સ્વશાસન અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ કેમ્પ ડેવિડના નિર્ણયો ક્યારેય અમલમાં મૂકાયા ન હતા. આ પછી ઓસ્લો સમજૂતીનો વારો આવ્યો હતો.

પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન (પીએલઓ) ના નેતા યાસર અરાફતે ઈઝરાયેલ સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે સમાધાનનો માર્ગ અપનાવવા પર ભાર મૂક્યો હતો. પીએલઓ અને ઈઝરાયેલ વચ્ચેની અનેક બેઠકોમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંબંધોને સુધારવા પર સહમતિ સધાઈ હતી. પીએલઓએ ઈઝરાયેલને માન્યતા આપી. તેના બદલામાં ઈઝરાયેલે પણ પીએલઓને પેલેસ્ટાઈનના સત્તાવાર પ્રતિનિધિ તરીકે માન્યતા આપી હતી.

આ કરાર પર સત્તાવાર રીતે ૧૩ સપ્ટેમ્બર, ૧૯૯૩ના રોજ વ્હાઇટ હાઉસની લૉન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે સમયે અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પણ ત્યાં હાજર હતા. સપ્ટેમ્બર ૧૯૯૫માં બીજો કરાર થયો હતો. આ કરારમાં શાંતિ પ્રક્રિયા હેઠળ બનાવવામાં આવનાર સંસ્થાઓની વધુ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઓસ્લો સમજૂતીના પરિણામે પેલેસ્ટાઇનમાં કામચલાઉ સરકારની રચના કરવામાં આવી. નામ આપવામાં આવ્યું પેલેસ્ટાઈન ઓથોરિટી. આ કરાર હેઠળ વેસ્ટ બેન્ક વિસ્તારને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યો હતો. આ કરારનાં પાંચ વર્ષ પછી અંતિમ કરાર પણ થવાનો હતો, પરંતુ તે થઈ શક્યો ન હતો.

ઓસ્લો સમજૂતીનાં થોડાં વર્ષો પછી ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલની પીછેહઠ શરૂ થઈ હતી. અગાઉ ૧૯૯૯માં ઇઝરાયેલના વડા પ્રધાન એહુદ બરાકે એક વર્ષની અંદર લેબનોનમાંથી ખસી જવાનો વાયદો કર્યો હતો. બરાકે આ પોલિસીને લેન્ડ ફોર પીસ પોલિસી નામ આપ્યું હતું. પરંતુ બરાક તેમની નીતિને અમલમાં મૂકવા માટે કોઈ ભાગીદાર દેશ શોધી શક્યા નહીં. તેમણે પોતે જ લેબનોનમાંથી ખસી જવાનો એકપક્ષી નિર્ણય કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રએ આ નિર્ણયમાં મધ્યસ્થી કરી ન હતી.

પરંતુ યુનાઇટેડ નેશન્સે સ્વીકાર્યું કે ઇઝરાયેલે લેબનોનમાંથી પીછેહઠ કરીને તેની સંયુક્ત રાષ્ટ્ર માટેની પ્રતિબદ્ધતા પૂરી કરી છે. અહીં ગાઝા પટ્ટીમાં વસ્તી સતત વધી રહી હતી. આટલી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતા ગાઝાનું સંચાલન કરવું એ કોઈપણ વહીવટકર્તા માટે પડકારરૂપ કાર્ય હતું. છેવટે ૨૦૦૪માં ઈઝરાયેલના તત્કાલીન વડા પ્રધાન એરિયલ શેરોને ગાઝા પટ્ટી છોડવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના નિર્ણયને ઈઝરાયેલના ભવિષ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો.

એરિયલ શેરોનના આ નિર્ણય બાદ ઈઝરાયેલે ગાઝા પટ્ટી પરનો પોતાનો કબજો છોડી દીધો હતો. જ્યારે ઈઝરાયેલ ગાઝામાંથી બહાર નીકળ્યું ત્યારે ત્યાં રહેતા લોકોની સંખ્યા ૧૩ લાખથી વધુ હતી. આમાંથી ૯૯.૪ ટકા લોકો મુસ્લિમ હતા. માત્ર ૦.૦૬ ટકા વસ્તી યહૂદી હતી. વસ્તીના ૪૯ ટકા ૧૪ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો હતાં. આ વસ્તી વિષયક દબાણને કારણે ઈઝરાયેલ ગાઝામાંથી બહાર જઈ રહ્યું હતું. ગાઝા પટ્ટી પરના ઇઝરાયેલના કબજાને ૩૮ વર્ષ વીતી ગયાં હતાં. તારીખ ૧૫ સપ્ટેમ્બર ૨૦૦૫ના રોજ ઈઝરાયેલે ગાઝા પટ્ટીનો વિસ્તાર ખાલી કરી દીધો હતો. ઇઝરાયેલની સેનાએ ગાઝાના દરિયાકાંઠાના વિસ્તારને છોડી દીધો હતો. તે સમયે ૨૫ વસાહતોમાં રહેતા ૯ હજારથી વધુ ઇઝરાયેલી નાગરિકોને ગાઝા પટ્ટીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

રાજકીય નિષ્ણાતો માનતા હતા કે ગાઝામાંથી ઇઝરાયેલની પીછેહઠ પછી ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયનો વચ્ચેના સંઘર્ષમાં ઘટાડો થશે, એટલું જ નહીં, તેનાથી ઇઝરાયેલને આર્થિક રીતે પણ ફાયદો થશે. તેઓ માનતા હતા કે ગાઝા પટ્ટી પર ખર્ચવામાં આવતી જંગી રકમનો ઉપયોગ ઈઝરાયેલની સુરક્ષા માટે કરવામાં આવશે. જ્યારે ફતાહ અને હમાસ વચ્ચે સંઘર્ષ શરૂ થયો ત્યારે ઇઝરાયેલને ગાઝા છોડ્યાને બે વર્ષ પણ પસાર થયાં ન હતાં. વર્ષ ૨૦૦૭ માં હમાસે ગાઝા પટ્ટી પર નિયંત્રણ મેળવ્યું ત્યારે જ ઇઝરાયેલની શાંતિ યોજના નિષ્ફળ પુરવાર થઈ ગઈ હતી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ ત્યારથી ચાલુ છે. આ યુદ્ધનો પાયો ૨૦૦૫માં જ નાખવામાં આવ્યો હતો.
 – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top