Columns

આંગણે આવ્યો એપલોત્સવ, શા માટે ભારતમાં એપલ સ્ટોર શરૂ થવો નાનીસૂની વાત નથી?

ટૅક્નોલૉજીની વાત આવે ત્યારે રિટેઇલ બિઝનેસને મામલે એપલને કારણે જે ફેરફાર આવ્યા છે તે બીજી કોઇ બ્રાન્ડ નથી લાવી શકી. 2001ની સાલમાં એપલનો સૌથી પહેલા સ્ટોર કેલિફોર્નિયા અને વર્જિનિયામાં ખુલ્યા હતા. આ પહેલી એવી બ્રાન્ડ હતી જેણે પોતાના ઉત્પાદનોના વેચાણ માટે બીજા રિટેઇલર્સ પરનું પરાવલંબન હટાવી દીધું. કેલિફોર્નિયાના કુપરટીનોના એ ટૅક જાયન્ટના ફ્લેગશિપ સ્ટોર લગભગ 20 દેશમાં છે. ભારતમાં ગયા અઠવાડિયે એપલનાં બે સ્ટોર ખૂલ્યા – એક મુંબઈમાં અને એક દિલ્હીમાં. એપલના CEOનું ભારતાગમન સતત ટ્રેન્ડ થયું. મુંબઈના સ્ટોરને આમ જનતા માટે ખુલ્લો મુકાયો તે પહેલાં ત્યાં સિને-સિતારાઓનું મહેરામણ ઉમટ્યું અને એપલના CEO ટિમ કૂક ભારતમાં આખું અઠવાડિયું ટ્રેન્ડ થયા. માધુરી દિક્ષીત સાથે વડાપાંઉ ખાવા માટે પણ અને નરેન્દ્ર મોદીને દિલ્હીમાં એપલ સ્ટોર ખુલ્યો તે દિવસે મળ્યા એ માટે પણ. કેટલાક લોકોએ એવી પણ ટિપ્પણી કરી કે આટલા હરખપદૂડા થવાની શી જરૂર છે કારણકે અંતે આ સેલ ફોન્સ અને લૅપટૉપ્સ વેચતા સ્ટોરનું જ તો ઉદ્ઘાટન છે વળી? પણ આવું વિચારનારાઓ અહી થાપ ખાય છે.

એપલના ઑફિશ્યલ સ્ટોરનું ભારતમાં આગમન બહુ મહત્વની વાત છે. ભારતીયો જે રીતે એપલની પ્રોડક્ટ્સ ખરીદે છે તે આખા અનુભવમાં હવે ધરમૂળથી ફેર આવી જશે – આવી ગયો છે. આપણે ગ્રાહકોની દ્રષ્ટિએથી તેની મહત્તાની વાત કરીએ તે પહેલાં એ સમજીએ કે આટલા વર્ષોથી ભારતમાં એપલનો એક પણ અધિકૃત સ્ટોર નહોતી ખુલી શક્યો કારણકે સિંગલ બ્રાન્ડ રિટેઇલ બિઝનેસ અંગે આપણા દેશમાં અનેક નિયમો છે. અત્યાર સુધી એપલના સ્ટોર આપણે ત્યાં સ્થાનિક બિઝનેસ પાર્ટનર દ્વારા જ ઑપરેશનલ રહ્યા છે.

હવે બે સ્ટોર જેના ઑપરેશન્સ એપલ કંપની જાતે જ સંભાળવાની છે તે સાથે એપલ ભારતમાં પોતે પુરી રીતે ભાગીદારી કરનાર કંપની બની છે, જેમાં ઉત્પાદનથી માંડીને રિટેલ સુધીની બધી કામગીરી તેઓ જ સંભાળશે. એપલે ગયા સોમવારે જાહેર કરેલા એક સ્ટેટમેન્ટ અનુસાર તે ભારતમાં 1 મિલિયન જૉબ્ઝ ખડી કરી રહી છે કારણકે હવે તેમનું ડેવલપર તરીકેનું નેટવર્ક વિસ્તર્યું છે. ભારતીય ગ્રાહકો ભારતમાં બનેલા આઇ-ફોન ખરીદી શકશે. એપલની હાજરી ભારતમાં આમ તો 25 વર્ષથી છે પણ આ નવા ડેલપમેન્ટ સાથે એપલની સફર એક નવા મુકામે પહોંચશે.

ટૅક જાયન્ટનું આ પગલું સમયસર છે કારણકે ભારત વિશ્વનું સૌથી મોટા ઇન્ટરનેટ માર્કેટના લિસ્ટમાં બીજા ક્રમાંકે છે.
હવે જે સવાલનો આપણે પહેલા ઉલ્લેખ કર્યો કે – આ સ્ટોરનું અહીં હોવું એમાં શું મોટી વાત છે – એપલના સ્ટોર્સ માત્ર ફોન કે લૅપટૉપ ખરીદવાની દૂકાન નથી. એપલના સ્ટોરમાં જવું એટલે એક અનુભવ મેળવવો, અહીં તેના ઉત્પાદનો, તેના ગેજેટ્સ બૅકસીટ લે છે અને ગેજેટ્સ ન ખરીદવા હોય છતાં પણ તમે અહીં કલાકો ગાળી શકો છો. કંઇ ખરીદતા પહેલાં તેને વિશે જેટલા સવાલો કરવા હોય એ કરી શકો છો, તેનો અનુભવ લઇ શકો છો, તેનો દેખાવ, કામગીરી, યુઝર ઇન્ટરફેસ અને યુઝર એક્સપિરયન્સ તમને હવે ત્યાંને ત્યાં જ મળશે.

ઘરે ફોન ડિલીવર થાય અને તમે તેનું ખોખું ખોલો પછી જ તમને ખબર પડે કે આ ગેજેટ કેવું છે એમ હવે નથી થવાનું. એપલના સ્ટોરમાં કામ કરનારા દરેક કર્મચારીની બહુ લાંબી અને ઘનિષ્ઠ તાલીમ થાય છે. તેઓ તેમની પ્રોડક્ટને પુરેપુરી રીતે જાણતા હોય એટલે ગ્રાહકની કોઇપણ નાની-મોટી ગુંચવણનો ઉકેલ તેઓ તરત આપી શકે સૂચનો આપે અને ટેક્નિકલ સપોર્ટ પણ પુરો પાડે. એપલ સ્ટોર વિશ્વના સૌથી વધુ નફો કમાતા સ્ટોર્સ છે કારણકે તે પર ચોરસ મિટર 6050 US ડૉલર્સનો નફો રળે છે. મિનિમલિઝમ – આ શબ્દથી તમે વાકેફ હશો – ટૂંકમાં ઓછું એટલું શ્રેષ્ઠ વાળા નિયમ પર ડિઝાઇન થયેલા એપલ સ્ટોર્સનું ફૉકસ બીજી કોઇ બાબત પર નહીં પણ પ્રોડક્ટના ડિસપ્લે પર જ હોય છે.

સ્ટીવ જૉબ્ઝની ડિઝાઇન ફિલોસોફીમાં સરળતા મોખરે હતી અને તે માનતા કે ગ્રાહક જ્યારે એપલની પ્રોડક્ટ ખરીદે ત્યારે તેનું ધ્યાન પ્રોડક્ટ સિવાય બીજી કોઇ બાબત પર ન હોય અને માટે એપલના સ્ટોરમાં કોઇ વધારાની તામ-ઝામ નથી હોતી. એપલના સ્ટોરમાં જાતભાતની વર્કશોપ્સ થતી હોય છે, કાર્યક્રમોનું આયોજન કરાય છે. બાળકો માટે કોડિંગના ક્લાસિઝથી માંડીને ફોટોગ્રાફી ક્લાસિઝ અને બિઝનેસ સેશન્સ પણ આ સ્ટોર્સમાં યોજાય છે. આ તમામ પ્રવૃત્તિનો ધ્યેય છે એપલ યૂઝર્સની એક કોમ્યુનિટી – એક જૂથ – ઘડવાનો.

એપલની પ્રોડક્ટ્સમાં આપણે ધારીએ તેના કરતાં કઇગણા વધારે ફિચર્સ હોય છે, તમે વર્ષોથી એપલની પ્રોડક્ટ વાપરતા હો પણ તેની કોઇ એક બાબત તમને ન ખબર હોય એમ પણ બને અને માટે જ એપલના સ્ટોર પર તમને એ તમામ ચીજો ખબર પડશે જે તમને મદદરૂપ થઇ શકે. તમે એ મોંઘી દાટ પ્રોડક્ટમાં જે પૈસા રોક્યા છે એનું વળતર એક યૂઝર તરીકે તમને સારામાં સારી રીતે મળે એ માટેની સંભાળ એપલ સ્ટોરમાં લેવાશે. વળી એપલ પ્રોડક્ટ્સનો પુરેપુરો ઉપયોગ સમજાવવાના સેશન્સ પણ અહીં યોજાય છે.

ન્યૂયોર્કના ફિફ્થ એવન્યુ પર આવેલો એપલનો સ્ટોર એક માત્ર સ્ટોર છે જે ક્યારેય બંધ નથી હોતો. એપલના સ્ટોરમાં કામ કરનારાઓને પણ એપલ સ્પેશ્યાલિસ્ટ્સ અને જિનિયસિઝ જેવા ટૅગ્ઝ આપે છે. સ્પેશ્યાલિસ્ટ્સનું કામ છે ગ્રાહકોનું ધ્યાન રાખવું, કસ્ટમર સર્વિસ આપવી અને સેલ્સ પર ફૉકસ કરવું તો જિનિયસિઝ ટેક્નિકલ સપોર્ટ અને ટ્રબલશૂટિંગ માટે તૈયાર હોય છે. વળી એપલના સ્ટોરમાં તમારે બિલિંગ માટે લાઇનમાં નહીં ઉભા રહેવુ પડે, તમે જ્યાં હશો ત્યાં – એ જ કાઉન્ટર પર તમારું બિલિંગ થઇ જશે.

સ્ટીવ જોબ્ઝે પહેલો સ્ટોર બનાવવાનો પ્લાન એક તબક્કે અભેરાઇએ ચઢાવી દીધો હતો કારણકે તે તેના લે-આઉટ પ્લાનથી ખુશ નહોતા. વળી એપલ સ્ટોરમાં નોકરી મેળવવી સહેલી નથી. 2009માં મેનહટ્ટનના સ્ટોરમાં નોકરી લેવા 10,000થી વધુ લોકોએ અરજી કરી હતી જેમાંથી 200 જણાનો નોકરી મળી. આ તો હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા કરતાં પણ અઘરું છે એવું બોસ્ટન ગ્લોબના રિપોર્ટમાં કહેવાયું હતું. એપલનો સૌથી પહેલો સ્ટોર ઓનલાઇન રિટેલ સ્ટોર હતો જે 1997માં સ્ટીવ જોબ્ઝ ફરીથી કંપનીમાં જોડાયા ત્યારે બન્યો હતો જેણે એક જ દિવસમાં મિલિયન ડૉલર્સની કમાણી કહી હતી.

એપલ સ્ટોરના જિનિયર બાર્સ પહેલાં તો સ્ટીવ જોબ્ઝને જ નહોતા ગમતાં પણ આજે એ એપલ સ્ટોર્સની USP છે. ક્યારેય કન્સલ્ટન્ટને કામે ન રાખનારા સ્ટીવ જોબે રિટેલ સ્ટોર માટે કન્સલ્ટન્ટ્સ રાખ્યા હતા. આ છે સ્ટીવ જોબ્ઝની એપલ કંપની, તેના સ્ટોર્સ અને તેની ખાસિયતની વાતો. મેકિન્ટોશ બન્યું ત્યારે પણ સ્ટીવ જોબ્ઝને એમ કહેવાયું હતું કે આ નિષ્ફળ જશે અને આઇફોન તો બોગસ પ્રોડક્ટ સાબિત થશે. મેકિન્ટોશે કમ્પ્યુટર ક્રાંતિ ચાલુ કરી તો આઇફોન આજે પણ સૌથી લોકપ્રિય સેલફોન બ્રાન્ડ ગણાય છે.

બાય ધ વે
સ્ટીવ જોબ્ઝ જ્યારે પહેલો રિટેલ સ્ટોર USAમાં શરૂ કર્યો ત્યારે તેમની ટિકા થઇ હતી કે તેમણે ઉત્પાદન પર જ ધ્યાન આપવાનું હતું, રિટેલમાં પડવાની જરૂર નહોતી અને આ આઇડિયા સાવ નિષ્ફળ જવાનો છે. આ વખતે સ્ટીવ જોબ્ઝે એમ જવાબ આપ્યો હતો કે મેગાહર્ટ્સ અને મેગાબાઇટ્સ વિશે સાંભળનારા ગ્રાહકોને હવે કમ્પ્યુટરનું શું કરવું અને તેનાથી શું થઇ શકે તે શીખવા મળશે- પછી તે ફિલ્મ બનાવવાનુ હોય કે સીડી બર્ન કરવાનું હોય કે પર્સનલ વેબસાઇટ પર પોતાના ફોટગ્રાફ્સ પબ્લિશ કરવાના હોય. આ વાતને આજે બે દાયકા થયા, એપલના આખી દુનિયામાં 500થી વધુ સ્ટોર્સ છે, તેમાંથી પેરિસના લુવ્ર પાસે આવેલો કે ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ ન્યૂ યૉર્ક પાસે આવેલો સ્ટોર કોઇ સીમાચિહ્ન સમા છે. બીજું બાય ધી વે એ કે રિટેલ ગૂરૂ મિકી ડ્રેક્સલર જે ક્લોધિંગ બ્રાન્ડ ગૅપના સીઇઓ તરીકે કામ કરી ચૂકેલા અને હવે એપલમાં બોર્ડ મેમ્બર હતા તેમણે એપલના ઓન ગ્રાઉન્ડ સ્ટોરનું વિચાર બીજ આપ્યું હતું અને તેને વાસ્તવિકતામાં રિટેલ ઓપરેશન્સના વાઇસ પ્રેસિડન્ટ રોન જ્હોન્સને ફેરવ્યું હતું.

Most Popular

To Top