Charchapatra

ફ્લાઈંગ કિસનો મુદો શું કામ?

દેશની સંસદ, જેમાં પ્રવેશ કરતા પહેલા નેતાઓ ઘુંટણીયે પડી વંદન કરે છે અને પાટલી ઉપર બેસ્યા પછી હોબાળો મચાવી સંસદને કુસ્તીનો અખાડો બનાવી દે છે! વારંવાર સંસદ સ્થગિત કરવી પડે છે. પક્ષો-વિપક્ષો વોક આઉટના નાટકો કરે છે, સ્પીકર આ કાર્યથી નારાજ થઇ સભા છોડી જાય છે અને સમગ્ર દેશ સહિત આખી દુનિયા આ તાયફો જુએ છે! જનતાના ટેક્ષના પૈસા આ નેતાઓ તુંતું મેં મેં કરી બરબાદ કરી રહ્યા છે! અઢી મહિના મણિપુર ભડકે બળ્યું ત્યારે પ્રધાનમંત્રીએ એ તરફ નજર સુધ્ધા ના કરી. વિદેશ યાત્રાઓ કરતા રહયા અને હવે મણિપુર કાળજાનો કટકો બની ગયો?

રાહુલ ગાંધી કહેવાતી ફલાઇંગ કીસ કરી એની બુધ્ધિનું પ્રદર્શન કરી સતત હાસ્યાસ્પદ બની રહ્યા છ તો પ્રધાનમંત્રી પણ એમની ગરિમાને ના શોભે તેવા શબ્દ પ્રયોગ કરી રહ્યા છે! બહુમતીના જોરે સારા નરસા બિલો પસાર થઇ રહ્યા છે. વિપક્ષી નેતાઓને બોલતા ચૂપ કરી દેવાય છે અને વધુ પડું સત્તાપક્ષની વિરૂધ્ધમાં બોલે તો સસ્પેન્ડ કરી દેવાય છે. મણિપુરમાં શાંતિ બહાલ કરવાના તમામ પ્રયાસો ચાલુ છે એવી પ્રધાનમંત્રીની સંસદમાં જાહેરાત થાય છે અને એફઆઇઆર દાખલ થયા બાદ મણિપુરમાં ગેંગરેપની બીજી ઘટના સામે આવે છે! ટૂંકમાં પ્રધાનમંત્રીનું 132 મિનિટનું ભાષણ માત્ર કોંગ્રેસ ઉપર પ્રહારો કરી આગામી ચૂંટણીને ફોકસ રાખી કરાયું. બાકી મણિપુરની ઘટના માટે કોઇ હમદર્દી નહીં!
સુરત               – ભાર્ગવ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

મીઠુબેનને માણસોની કદર હતી
ગત સપ્તાહમાં મીઠુબેન પિટિટ (માયજી) વિષે ચર્ચાપત્ર પ્રગટ થયું હતું તેમના વિષે વાચવા મળ્યું કે એક વાત પ્રગટ કરવા જેવી છે એટલે પ્રગટ કરું છું. મારા દાદા (ગ્રાન્ડ ફાધર) એમની મુંબઇમાં જે પીટીટ મિલ હતી તેના કેશિયર હતા. તેમણે પ્રામાણિકતાથી પોતાની કામગીરી કરી હતી. તેમની કામગીરી જોઇ માયજીએ મારા દાદાને અંગ્રેજીમાં પ્રમાણિકતાનું પ્રમાણપત્ર આપ્યું હતું જે મેં વાચ્યું હતું. મારા દાદાને 250 રૂા. પગાર મળતો હતો. અન્ય લોકોને ત્યારે 10 કે 20 રૂા. મળતા હતા. ટૂંકમાં ખૂબ ઓછા પગારમાં લોકો કામ કરતા હતા. માયજી માણસ પારખુ પણ હતા અને તેની કદર પણ કરતા હતા. આ વાત વર્ષો પહેલાની છે. પિટિટ મિલ બંધ થતા મારા દાદા ગામ આવી ગયા હતા અને પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા હતા. મીઠુબેન પિટિટ (માયજી) ખૂબ દયાળુ પણ હતા.
નવસારી            – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top