Comments

શું ચૂંટણી પંચ પોતાની જ મુશ્કેલીમાં ફસાઈ ગયું છે?

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર એક મોટા વિવાદના કેન્દ્રમાં આવી ગયા છે. હકીકતમાં આ ભારતના ચૂંટણી પંચના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો વિવાદ છે. આ ખુલાસા પછી સામે આવ્યું છે કે, બે ચૂંટણી કમિશનરો – સુખબીર સિંહ સંધુ અને વિવેક જોષીએ – મુખ્ય ચૂંટણી કમિશનરના અમુક નિર્ણયોનો વિરોધ કર્યો હતો, ખાસ કરીને મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સાથે સંબંધિત નિર્ણયોનો. વિપક્ષી પાર્ટીઓ જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ કરી રહી છે. કેટલાક પક્ષોએ તો તેમની ધરપકડ કરવાની અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં યોજાયેલી ચૂંટણીઓ રદ કરીને ફરીથી યોજવાની માંગ પણ કરી છે. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન પંચના નિર્ણયોની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ તેમ જ એસઆઈઆર પર રોક લગાવવાની માંગ પણ કરી છે.

છેલ્લા કેટલાક મહિનામાં ચૂંટણી પંચ કેવી રીતે કામ કરી રહ્યું છે અને તેણે જે નિર્ણયો લીધા છે તેને લઈને અસંતોષ હવે પૂરજોશમાં વિવાદનું રૂપ ધારણ કરી ચૂક્યો છે. ચૂંટણી પંચની કટોકટી માટે જ્ઞાનેશકુમારને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. તાજેતરનો વિવાદ  એક તપાસ અહેવાલ બાદ શરૂ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સંધુ અને જોષીએ છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછી 14 વખત પોતાની અસહમતિ લેખિતમાં નોંધાવી હતી. આ મુદ્દાઓમાં  નવા મતદારો દ્વારા ભરવામાં આવતાં ફોર્મ 6માં ફેરફારો; મતદાર યાદી સંચાલનનું કેન્દ્રીકરણ અને પશ્ચિમ બંગાળમાં ડિલીટ કરાયેલાં મતદારોની પુનઃસ્થાપના સામે ઈસીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલોનો સમાવેશ થાય છે.

વિપક્ષ જ્ઞાનેશકુમારને સ્વતંત્ર અને ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરવાની ઈસીઆઈની બંધારણીય જવાબદારીના મુખ્ય રક્ષક તરીકે પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ ગયેલા લીડર તરીકે રજૂ કરી રહ્યો છે. તેમના ટીકાકારોના મતે, પંચની વિશ્વસનીયતાને જે નુકસાન થયું છે  તેના માટે મુખ્ય રૂપે તે જ જવાબદાર છે. બીજી બાજુ, શાસક પક્ષ ભાજપે ઈસીઆઈ અને એસઆઈઆરનો પૂરજોશ બચાવ કર્યો છે અને વિરોધ પક્ષો દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો સામનો કર્યો છે. એસઆઈઆર પર પંચના નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હતા. ભાજપના નેતાઓએ તર્ક આપ્યો છે કે, આ પ્રક્રિયા કાયદેસર હતી અને સુપ્રીમ કોર્ટે આ કવાયતમાં પંચની સત્તાઓને સમર્થન આપ્યું છે.

જ્ઞાનેશકુમારના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેના કાર્યકાળની શરૂઆતથી જ વિરોધ પક્ષો સાથેના સંબંધો સારા રહ્યા નથી. તેમાં કોઈ શંકા નથી કે, ઈસીઆઈ અને ભાજપ વિરોધી મોરચા વચ્ચે વિશ્વાસની કમીના કારણે તેઓ હુમલાઓનો ભોગ બન્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં ચૂંટણી પંચને ભાજપવિરોધી પક્ષો તરફથી અસંખ્ય ઘર્ષણોનો સામનો કરવો પડ્યો છે. આ પક્ષોએ ખાસ કરીને જ્ઞાનેશકુમાર પર પક્ષપાતી વલણ રાખવાનો આરોપ લગાવ્યો છે.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, જે મતદારોને વિસંગતતાઓની નોટિસ મળી છે તેમને ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર સમક્ષ હાજર રહેવાની જરૂર રહેશે નહીં, પરંતુ બૂથ લેવલ ઑફિસર ઈસીઆઈનેટ પર અપલોડ કરવા માટે દસ્તાવેજો એકત્રિત કરવા તેમની મુલાકાત લેશે. ભારતના ઇતિહાસમાં જ્ઞાનેશકુમાર પ્રથમ એવા મુખ્ય ચૂંટણી કમિશનર છે જેમની સામે મહાભિયોગની નોટિસ લાવવામાં આવી છે.

વિરોધ પક્ષોએ 12 માર્ચ, 2026ના રોજ સંસદનાં બંને ગૃહોમાં તેમની સામે આ નોટિસ રજૂ કરી હતી. આ નોટિસમાં જ્ઞાનેશકુમાર પર કથિત પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ આચરણ, એસઆઈઆર દ્વારા મોટા પાયે મતાધિકાર છીનવા, સાબિત થયેલ ગેરવર્તણૂક, ચૂંટણી પંચમાં જનતાનો વિશ્વાસ નબળો પાડવા, એક પક્ષની તરફેણમાં બંધારણીય કાર્યોના પક્ષપાતી પ્રયોગ અને ચૂંટણીની છેતરપિંડીની ફરિયાદોની તપાસમાં જાણી જોઈને અવરોધ ઊભો કરવાના આરોપો લગાવવામાં આવ્યા હતા.

બંને ગૃહોના પીઠાસીન અધિકારીઓએ આ નોટિસ ફગાવી દીધી હતી. 24 એપ્રિલ, 2026ના રોજ વિપક્ષે ફરીથી જ્ઞાનેશકુમાર સામે મહાભિયોગની નોટિસ લાવીને તેને રાજ્યસભાના સેક્રેટરી જનરલને સોંપી. આ નોટિસ હજી પણ પેન્ડિંગ છે. નવ આરોપોમાં આચારસંહિતા લાગુ કરવામાં પક્ષપાતી અભિગમ, સાબિત થયેલ ગેરવર્તણૂક, ચૂંટણી પંચના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ પર માન્ય રાજકીય પક્ષની જાહેરમાં ટીકા અને એસઆઈઆર દ્વારા મતદારોના મતાધિકાર છીનવી લેવાનો સમાવેશ થાય છે. હવે, વિપક્ષ એસઆઈઆર દરમિયાન થયેલી ગેરરીતિઓના નવા આક્ષેપો સાથે કુમાર સામે વધુ એક મહાભિયોગ નોટિસ લાવવાનું આયોજન કરી રહ્યો છે.

17 ઓગસ્ટ, 2025ના રોજ રાહુલ ગાંધીના ‘મત ચોરી’ અથવા મતદાર યાદીની મોટા પાયે હેરાફેરીના આક્ષેપોની પૃષ્ઠભૂમિમાં જ્ઞાનેશકુમારે એક અભૂતપૂર્વ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મુખ્ય ચૂંટણી કમિશનરે રાહુલ ગાંધીના આક્ષેપોનો જવાબ આપતાં માંગ કરી હતી કે, તેઓ કાં તો માફી માંગે અથવા દાવાઓને સમર્થન આપતું સહી કરેલું એફિડેવિટ રજૂ કરે. વિપક્ષ દ્વારા ટાંકવામાં આવેલું અન્ય એક ઉદાહરણ પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી પહેલાં 8 એપ્રિલ, 2026 ના રોજ તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથે જ્ઞાનેશકુમારનું કથિત અયોગ્ય વર્તન હતું. તાજેતરનો વિવાદ એવા સમયે આવ્યો છે જ્યારે એસઆઈઆરનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે અને મતદાર યાદીઓ અને ડ્રાફ્ટ રોલ્સમાંથી 13 કરોડથી વધુ નામો હટાવી દેવામાં આવ્યાં છે.

એસઆઈઆરની ટીકા થઈ છે અને નાગરિકોના મતદાનના અધિકાર પર અસર કરે છે. ટીકાકારોનું કહેવું છે કે, તેમાં તેમની યોગ્યતા સાબિત કરવાની જવાબદારી મતદારો પર લાદવામાં આવી છે. તેની અસરો વિશે, ખાસ કરીને નાગરિકત્વના પ્રશ્ન પર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાઓની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023 હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે તેમની આ પ્રથમ નિમણૂક હતી. આ કાયદા મુજબ રચાયેલી મોદી, શાહ અને ગાંધીની બનેલી ત્રણ સભ્યોની સમિતિએ જ્ઞાનેશકુમારના નામને અંતિમ રૂપ આપવા માટે 17 ફેબ્રુઆરી, 2025ના રોજ બેઠક યોજી હતી. આ કાયદામાંથી ભારતના મુખ્ય ન્યાયાધીશને પેનલમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.

23 સપ્ટેમ્બર, 2026ના રોજ સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના 2023ના અધિનિયમને પડકારતી અરજીઓને ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મોકલી આપી હતી. બંને જજો કેસના ગુણદોષ પર અસહમત હતા, પરંતુ તેઓ સહમત થયા હતા કે મામલો યોગ્ય મોટી બેન્ચની રચના માટે સીજેઆઈ સમક્ષ જવો જોઈએ. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોએ તમામ પ્રશ્નોના જવાબો આપવા જ પડશે અને લોકશાહીના હિતમાં આ વિવાદો પર પૂર્ણવિરામ મૂકવું જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top