Charchapatra

ભારતને શું જોઈએ?

અમેરિકામાં એક બિનનિવાસી ભારતીય મિત્રની દુકાન આગળ ગોળીબાર થયો. એક અમેરિકનને ઈજા થઈ. અમેરિકને દુકાનદાર ફર્મ સામે વળતરનો દાવો કર્યો. દુકાનદારનો શું વાંક? મેં પ્રશ્ન પૂછયો. “મને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્ટોલ શરૂ કરતાં પહેલાં આ વિસ્તારનો ક્રાઈમ રેટ – ગુનાખોરી દરનો અભ્યાસ કર્યો હતો? વીમા કંપનીએ સમાધાન કરેલ.’’ જવાબ મળ્યો. પ્રશ્ન એટલે યાદ આવે કે ભારતે અફઘાનિસ્તાનમાં ૩ ટ્રીલીયન ડોલરનું રોકાણ કર્યું હોવાનું કહેવાય છે. શું મંત્રીઓને અફઘાનિસ્તાનમાં મૂડીરોકાણ કરતાં પહેલા જોખમોનો અભ્યાસ કે અંદાજ કર્યો હતો?

હાલમાં જ માયસુરમાં નિર્જન સ્થળે એમ.બી.એ. યુવતી પર બળાત્કાર થયો ત્યારે કર્ણાટકના મંત્રીએ ટકોર કરી હતી કે યુવતીએ નિર્જન જગાએ જવું ન હતું! સરકાર હવે પ્રવાસીઓ માટે સલાહપત્ર બહાર પાડે છે તેમ દેશમાં અને વિદેશમાં મૂડી રોકાણ માટે તેમજ હરવા ફરવા માટેનાં સ્થળો માટે પણ સલાહપત્રો બહાર પાડવા જોઈએ. ભારતીય નીતિ આયોગ હવે મુદ્રીકરણ યોજના લાવી છે, તેમાં સરકારી મિલકતો વેચાશે, ભાડે પટે અપાશે કે શેર-હિસ્સા અપાશે. રોકાણકારો પૈસા કયાંથી લાવશે?

દેશમાં પૈસો કોની પાસે હોય છે? બેંક, ભ્રષ્ટ મંત્રીઓ અને ભ્રષ્ટ અધિકારીઓ પાસે? શેલ- કોટલાં કંપનીઓ માટે મોરેસિયસ માર્ગ મુક્તિનો માર્ગ બનશે? દેશના જ પૈસે દેશની મિલકતો ખરીદશે? બાકી સામાન્ય માણસ પાસે મોટી મૂડી ક્યાંથી હોવાની? એક સ્ટોકમાંથી પૈસા ખેંચી બીજા સ્ટોકમાં નાખી શકે. ભારતે રોકાણ કરતાં કે સ્વીકારતાં પહેલાં રીકવરી પાવર- નાણાંકીય વસુલાત શક્તિ અને કરાર – કબુલાતોના તલસ્પર્શી અભ્યાસની જરૂર છે. આંતરરાષ્ટ્રીય લવાદીમાં ભારત મોટા કેસો હારી ચૂકયું છે. સરકારે મનાઈ મેળવવા માટે હાલમાં આર્બિટ્રેશન એકટમાં સુધારા કર્યા પરંતુ કોડ કે ભ્રષ્ટાચાર સાબિત કરવાની ક્ષમતા કેવી રીતે લાવવી? ૨જી કેસમાં એક લાખ છોત્તેર હજારનું કૌભાંડના આરોપ હતા અને તમામ નિર્દોષ છૂટયા. ફરીવાર સ્પેકટ્રમની હરાજી થઈ તો અડધા રૂપિયા પણ ન મળ્યા!

દિશા સુધાર્યા વગર દશા બદલાઈ ન શકે. વિજ્ઞાન, ટેક્નોલોજી, સંશોધન, બૌદ્ધિક સંપદા અને તે આધારિત ઉત્પાદન જ દેશના ચિરસ્થાયી વિકાસ કરી શકે, ટેકનૉલોજી ટ્રાન્સફર વિનાની આયાત, આયાતી પાર્ટસ ભેગા કરવા કે આયાતી પીણાંને બાટલીમાં ભરવાથી વિકાસનો પાયો પાકો ન થાય. બાપદાદાની મિલકતો વેચી વેચીને ઘર કયાં સુધી ચાલે? રા.વિ. પાઠકની (દ્વિરેફ) ની ટૂંકી વાર્તા “મુકુન્દરાય’ માં એક ખેડૂતનો દીકરો શહેરમાં ભણવા જાય છે, ઉપભોકતાવાદનો શિકાર બને છે અને પછી ગામમાં રહેલા વૃધ્ધ બાપને ખેતર વેચી દેવા કહે છે. વિધવા બહેનનો પણ તે વિચાર નથી કરી શકતો. ભારતને શું જોઈએ ? સત્ત્વશીલ સંસ્કૃતિના રક્ષણ માટે વિકાસ કે ઉપભોકતાવાદ માટે વિકાસ?
અમદાવાદ         – કુમારેશ ત્રિવેદી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top