Dakshin Gujarat

86 હજારની વોચ 99 ટકા ડિસ્કાઉન્ટમાં ખરીદવાની લાલચમાં ઓલપાડનો યુવાન છેતરાયો

સાયણ: ઓલપાડના પિંજરત ગામના યુવકને facebookના માર્કેટ પ્લેસમાં મૂકેલી હીરો હોન્ડા ગાડી ગમી જતાં ગાડીના ફોટા (Photo) ઉપર ક્લિક (Click) કર્યુ હતું. અને ડિલિવરી કોડના બહાને ખાતામાંથી 47,900 રૂ. ચીટરે ઉપાડી લીધા હતા. જ્યારે બીજી ઘટનામાં ઓલપાડના યુવકને instagramમાં આવેલી જાહેરાતમાં 459 રૂપિયામાં વોચ (Watch) મળતી હોવાથી buy ઓપ્શન પર ક્લિક કરતાં તેના ખાતામાંથી ચીટરે 47,680 રૂ. ઉપાડી લીધા હતા.

પ્રાપ્ત વિગત મુજબ ઓલપાડના પિંજરત ગામના કુંભાર ફળિયામાં રહેતા શ્રીકેશકુમાર અશોકભાઈ પટેલ (ઉં.વ.28) હજીરાના અદાણી પોર્ટમાં કસ્ટમ હાઉસ એજન્ટ તરીકે નોકરી કરે છે. ગત તા.12/8/2023ના રોજ રજા હોવાથી શ્રીકેશ ઘરે હાજર હતો. એ વખતે મોબાઇલમાં facebook જોતો હતો. ત્યારે માર્કેટ પ્લેસમાં એક હીરો સ્પ્લેન્ડર પ્લસ ગાડી મૂકી હતી. જે શ્રીકેસને ગમી જતાં ગાડીના ફોટા ઉપર ક્લિક કરી તે ગાડી ખરીદવા માટે મેસેજ કર્યો હતો. આથી સામેથી ત્રણ જુદા જુદા મોબાઈલ નંબર આવ્યા હતા અને એના પર ફોન કરવા જણાવ્યું હતું. જેથી શ્રીકેશે 85789 30015 ઉપર ફોન કરતાં ભાવેશ નામની વ્યક્તિ સાથે વાત થઈ હતી. આ ભાવશે ડિલિવરી કોડના બહાને શ્રીકેશ પાસેથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરાવી રૂ.47,900ની ઓનલાઈન છેતરપિંડી કરી હતી.

બીજી ઘટનામાં ઓલપાડના રામેશ્વર પાર્કમાં મકાન નં.42માં રહેતા જિતેન્દ્ર ભીખા જાદવ (ઉં.વ.31) કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા આવ્યા છે. ગત તા.8/8/2013ના રોજ જિતેન્દ્રભાઈ ઘરે મોબાઈલમાં instagram આઈડી પર સફિંગ કરતા હતા. ત્યારે APPLE WATCH ULTRAની જાહેરાતમાં જેની કિંમત 85,990 હતી. જેના પણ 99 % ડિસ્કાઉન્ટ હોવાથી વોચ રૂ.459ની થતી હતી. જેથી જિતેન્દ્રભાઈએ વોચ પસંદ આવી જતાં આ વોચના buy ઓપ્શન ઉપર ક્લિક કરતાં http://hello.shop.xyz/new/ લિંક આવતાં તેમણે ઓપન કરતાં મોબાઈલ પર અલગ અલગ ત્રણવાર ઓટીપી આવ્યા હતા. જે ઓટીપીના આધારે તેમના ખાતામાંથી અલગ અલગ ત્રણવાર મળી કુલ 47,680 રૂપિયા કપાઈ ગયા હતા. આમ instagramની એડ દ્વારા કોઈ અજાણ્યા ઇસમે ખોટી લિંક મારફતે જિતેન્દ્રભાઈ સાથે છેતરપિંડી કરી હતી. આ ઠગોનો ભોગ બનનારે સાયબર ક્રાઇમ હેલ્પ લાઈન 1930 પર કોલ કરી ફરિયાદ કરી હતી. તા.22/8/2023ના રોજ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ ધારી છે.

Most Popular

To Top