Dakshin Gujarat

વાલોડમાં પતિએ પત્નીની લાશ ઘસડીને ઘાસમાં સંતાડી દીધી અને પછી સામે આવ્યું રહસ્ય

વ્યારા: (Vyara) વાલોડના શાહપોર ગામે નવા ફળિયાના ઇસેમે પોતાની બીજી પત્નીના ભંગારવાળા સાથે આડા સબંધ હોવાનો વહેમ રાખી લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. રાત્રિના સમયે લાશને (Dead Body) ઘસડી જઇ ઘરની સામે ઘાસમાં સંતાડી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. લાશ કોહવાઇ ગયેલ, જીવજંતુ પડેલી હાલતમાં મળી આવી હતી. તેની હત્યા અંગેની મૃતકની બહેનની ફરિયાદને આધારે પોલીસે હત્યારા પતિ વિરુદ્ધ હત્યાનો (Murder) ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • આડા સંબંધના વહેમમાં પત્નીની હત્યા કરી પતિએ લાશ ઘસડીને ઘાસમાં સંતાડી દીધી
  • વાલોડના શાહપોર ગામની ઘટના, પતિના મોત બાદ વિધવાએ ત્રણ મહિના પહેલાં ભલુ હળપતિ સાથે બીજું ઘર માંડ્યું હતું
  • લાશ કોહવાઈ ગઈ હતી, જીવજંતુ પડેલી હાલતમાં મળી
  • ભાનુ હળપતિના પોસ્ટમોર્ટમમાં માથામાં ઇજાનાં નિશાન મળ્યાં પણ મળ્યાં હતાં

બનાવની વિગત એવી છે કે, ભાનુબેનનાં લગ્ન શાહપોર ગામે બાબુભાઈ રામુભાઇ હળપતિ સાથે થયાં હતાં. પરંતુ બાબુભાઇનું એક વર્ષ પછી મોત નીપજ્યું હતું. ત્યાર પછી ભાનુબેનને શાહપોર ગામનાં ભલુ અરવિંદ હળપતિએ બીજી પત્ની તરીકે રાખી હતી. આ ભાનુબેન (ઉં.વ.૪૦) છેલ્લા ત્રણેક મહિનાથી ભલુ હળપતિ સાથે રહેતી હતી. ભાનુ મરણ ગઈ હોવાથી વાલોડ પો.સ્ટે.માં અ.મોત સી.આર.પી.સી. મુજબની શરૂઆતમાં નોંધ કરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી દરમિયાન શાહપો૨ ગામે મૃતકની બહેન કુસુમ હળપતિ (રહે.,કાની, ટોકર ફળિયું, સુરત)એ ભાનુની નણંદ મીના હળપતિને પૂછતાં તેણે ગત તા.૨૫/૦૮/૨૦૨૩ના રોજ બપોરે બે વાગ્યાના સમયે એક ભંગારવાળાની પાછળ પોતાના પિતાને ભાગતા જોયા હતા, પિતાએ તેને વહુ ભાનુ ઉર્ફે ગોમતી ભંગારવાળા સાથે આડા સંબંધ હોવાનું જણાવ્યું હતું.

ભાઇ ભલુ હળપતિને પિતાએ જાણ કરતાં તેઓ ઉશ્કેરાઇ ભાનુ ઘરમાં ખાટલા ઉપર ઊંઘતી હતી ત્યારે લાફા માર્યા હતા. જેથી ભાનુ ઊઠીને ખાટલામાં બેસી ત્યારે ભલુએ ઘરમાં ચૂલા પાસે પડેલા લાકડાના પાટિયા વડે ભાનુના માથામાં ફટકા મારી દેતાં તે ખાટલામાં ઢળી પડી હતી. રાત્રિના દસેક વાગ્યાના સમયે ઘરમાંથી ઘસડી જઇ ભલુ પોતાના ઘર સામે ઘાસમાં મૂકી આવ્યો હતો. બીજા દિવસે ભાનુના ભંગારવાળા સાથે આડા સંબંધ હોય મેં તેણે ઘરમાંથી બહાર કાઢી મૂકેલી, તે ક્યાંક જતી રહી છે તેવું પિતાને જણાવ્યું હતું. ભાનુના મૃતદેહના પોસ્ટમોર્ટમમાં પણ માથામાં ઇજા થવાથી મોત થયાનું બહાર આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top