Dakshin Gujarat

વલસાડ LCBની ટીમને બલીઠાથી બંધ બોડીના કન્ટેનરમાં અધધ દારૂ અને બીયરની બોટલો મળી આવી

વાપી: (Vapi) સંઘપ્રદેશ દમણથી (Daman) બંધ બોડીના કેન્ટનરમાં મોટી માત્રામાં દારૂનો (Alcohol) જથ્થો ભરી બનાવટી સીલ લગાવી અને ખોટા ટેકસ ઈન્વોઈસ બીલો બનાવી દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી એલસીબી (LCB) ટીમને મળી હતી. જે બાદ પોલીસે વાપીના બલીઠાથી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર સાથે બે ઈસમોને ઝડપી પાડયા હતાં. દારૂ-બીયરના જથ્થાની કિંમત આશરે 7,63,200 આંકવામાં આવી હતી.

  • બલીઠાથી એલસીબી ટીમે રૂ.7.63 લાખનો દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડયું
  • દમણથી નીકળેલ બંધ બોડીના કન્ટેનરમાંથી દારૂનો જથ્થો મળ્યો
  • બનાવટી સીલ લગાવી ટેકસ ઈનવોઈસ બીલો બનાવેલા હતા, ડ્રાઈવર-કલીનર ઝડપાયા એક વોન્ટેડ

એલસીબી વલસાડ પીઆઈ વી.બી.બારડની સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન અ.પો.કો. તેજપાલસિંહને મળેલ બાતમીના આધારે વાપીના બલીઠા ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી. વર્ણવેલ મુજબ દમણ તરફથી બંધ બોડીનું કન્ટેનર નં. આરજે-14 જીએલ-1620 આવી પહોંચતા તેને અટકાવી નામઠામ પૂછતા ડ્રાઈવર શિવ બહાદુર હીરાલાલ વિશ્વકર્મા (ઉં.28, રહે. યુપી) અને કલીનર રાશીદ રહેમાન ખાન (ઉં.28, રહે. રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.

કન્ટેનરમાં તપાસ કરતા બનાવટી સીલ લગાવેલા હતા અને ખોટા ટેકસ ઈનવોઈસ બીલો મળ્યા હતાં. કન્ટેનરમાંથી પાસ પરમીટ વિનાનો દારૂ-બીયરનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો જેની અંદાજીત કિંમત 7,63,200/- આંકવામાં આવી હતી. પોલીસે કન્ટેનર, મોબાઈલ ફોન અને દારૂનો જથ્થો મળી કુલ રૂ.17,68,700/-નો મુદ્દામાલ કબજે કરી ડ્રાઈવર-કલીનરની અટક કરી જથ્થો ભરાવનાર અને મંગાવનાર જાવેદને વોન્ટેડ જાહેર કરી વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ટુકવાડામાં ઘરની પાછળ કારમાંથી દારૂનો જથ્થો ઉતારતા બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો
પારડી: પારડીના ટુકવાડા ગામે બુટલેગર સેલવાસથી દારૂનો જથ્થો ભરી પોતાના ઘર પાછળ કારમાંથી દારૂ ઉતારતા પોલીસે ઝડપી પાડ્યો હતો. કુલ રૂપિયા ૨.૫૭ લાખનો મુદ્દા માલ કબજે કરી ત્રણ આરોપીને વોન્ટેડ બતાવ્યા હતા. વલસાડ એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે સેલવાસથી દારૂ ભરી પારડીના ટૂંકવાડા ગામે અવારા ફળિયામાં રહેતા ધર્મેન્દ્ર ભીમા પટેલ પોતાના ઘર પાછળ ખેતરમાં દારૂનો જથ્થો લઈ આવ્યો હતો. જ્યાં પોલીસે રેડ કરી સ્થળ પર કોર્ડન કરતા કારમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 744 કિં.રૂ. 52,800, મોબાઈલ, કાર, સહિત કુલ રૂ.2,57,800 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ દારૂનો જથ્થા અંગે પૂછપરછ કરતા દારૂનો જથ્થો મંગાવનાર વિકી પટેલ (રહે.પંચલાઈ પારડી), મહેન્દ્ર દિલીપ પટેલ (રહે. ટુકવાડા પારડી), તેમજ દારૂ ભરાવનાર કેતન (રહે. સેલવાસ)ને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા. પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top