Dakshin Gujarat

વાંસદાનો કેલીયા ડેમ 70 ટકા ભરાઈ જતા નવસારીના 23 ગામોમાં એલર્ટ, 700નું સ્થળાંતર

નવસારી: નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ વચ્ચેચ વાંસદા તાલુકામાં આવેલ કેલીયા ડેમ 70 ટકા સુધી ભરાઈ જવા પામ્યો છે. હાલ કેલિયા ડેમની સપાટી 110 મીટરને આંબી ચુકી છે અને હજી પણ પાણીની આવક યથાવત રહેતા વહીવટી તંત્ર સાબદું થઈ ગયું છે. જિલ્લા કલેકટર દ્વારા કેલિયા ડેમની સતત વધી રહેલી સપાટીને ધ્યાને રાખીને નીચાણવાળા 23 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં સતત વરસાદ વચ્ચે આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે વાંસદા તાલુકામાં આવેલ કેલિયા ડેમ જુલાઈ મહિનાના પ્રારંભમાં 70 ટકા સુધી ભરાઈ જવા પામ્યો છે. છેલ્લા બે દિવસથી સતત પાણીની આવકને પગલે હાલ ડેમની સપાટી 110.60 મીટર સુધી પહોંચી ચુકી છે.

અંબિકા અને કાવેરી નદીની સપાટીમાં વધારો
નવસારી જિલ્લાની લોકમાતા અંબિકા અને કાવેરી નદીની સપાટીમાં ગઈકાલથી સતત વધારો જોવા મળી રહ્યો છે. અલબત્ત, એકમાત્ર પૂર્ણા નદીની સપાટીમાં આજે ચાર ફુટ જેટલો ઘટાડો નોંધાયો છે. આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર દ્વારા પણ હાલ આ ત્રણેય નદીઓની સપાટી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

નદીઓની સપાટી વધતા તંત્ર એલર્ટ
જિલ્લા કલેકટરના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર હાલ અંબિકા નદીની સપાટી 24.69 ફુટ નોંધાઈ છે. ગઈકાલથી આજે નદીઓની સતત વધી રહેલી સપાટીને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતાં પરિવારજનોના સંભવિત સ્થળાંતરની સ્થિતિ માટે પણ ટીમોને સાબદી કરી દેવામાં આવી છે. બન્ને કાંઠે ધસમતા પ્રવાહને કારણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરનાર આ અંબિકા અને કાવેરી નદીની ભયજનક સપાટી ક્રમશઃ 28 અને 19 ફુટ છે. જે હાલની સપાટીથી થોડી જ ઓછી હોવાને કારણે તંત્ર દ્વારા હરસંભવ સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

નવસારી-વલસાડનાં નીચાણવાળા વિસ્તારોમાં અંધારપટ
ભારે વરસાદ અને ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિના પગલે નવસારી-વલસાડનાં નીચાણવાળા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા અંધારપટની સ્થિતિ સર્જાઈ છે. DGVCL દ્વારા આગમચેતીના ભાગરૂપેમોટા ભાગના વિસ્તારોમાં વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં વીજ ટ્રાન્સફોર્મર પાણીમાં ડૂબી ગયા છે. જે વિસ્તારોમાં વરસાદની જોર ઘટવાની સાથે પાણીનાં સ્તરમાં પણ ઘટાડો થશે ત્યાં વીજપુરવઠો ફરી ચાલુ કરવામાં આવશે.

Most Popular

To Top