Dakshin Gujarat

વેકેશનમાં જ વલસાડનો તિથલ બીચ બન્યો અંધકાર બીચ

વલસાડ : ઉનાળુ વેકેશન (Summer vacation) પડતાની સાથે જ વલસાડના (Valsad) તિથલ તેમજ દરિયા કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ હરવા ફરવા માટે આવતા હોવા તેમ છતાં બીચ પર લાઈટ નહીં હોવાના કારણે સહેલાણીઓ અને સ્થાનિક ધંધાર્થીઓને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે અંધારામાં કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા બીચ પર હાઈમસ્ટ લાઈટો મૂકવામાં આવે તેવી સહેલાણીઓમાં માગ ઉઠી છે.

  • દરિયા કિનારે સહેલાણીઓ ફરવા આવતા હોવા છતાં બીચ પર લાઈટના અભાવે લોકોને હાલાકી
  • અંધારામાં કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા હાઈમસ્ટ લાઈટ મૂકવાની માગ

ગુજરાત સરકાર દ્વારા વલસાડના તિથલ દરિયા કિનારે આવેલા બીચને પર્યટક સ્થળ તરીકે જાહેર કરાયું છે. ત્યારે તિથલ બીચ પર સહેલાણીઓ માટે ફૂડ કોર્નર, લાઈટ, બેઠક વ્યવસ્થા, રમત ગમતના સાધનો સહિતની સુવિધાઓ માટે અગાઉ કરોડો રૂપિયા ફાળવાયા હતા. છતાં તિથલ બીચનો વિકાસ અધૂરો હોય તેવું દેખાઈ રહ્યું છે. હાલમાં શાળા કોલેજની પરીક્ષાઓ પૂર્ણ થતા વેકેશન હોવાથી વલસાડના તિથલ બીચ પર વલસાડ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર કે બહારથી સહેલાણીઓ મોટીસંખ્યામાં હરવા ફરવા અને મોજમસ્તી કરવા આવતા હોય છે, પરંતુ તિથલ દરિયા કિનારે બીચ ઉપર તથા બનાવાયેલા વોકવેની બાજુમાં મૂકેલી લાઈટો વર્ષોથી બંધ હાલતમાં જોવા મળે છે.

સહેલાણીઓ મોડીસાંજ સુધી દરિયા કિનારે વેકેશનની મજા માણતા હોય છે. આજુબાજુમાં કેટલીક ખાણીપીણીની લારીઓ પણ આવેલી છે. વેકેશન હોવાથી તિથલ દરિયા કિનારે સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સંધ્યાકાળે અંધારું થતાં જ લાઈટ બંધ હોવાથી અહીં ઘોર અંધકારમાં સહેલાણીઓને પોતાના મોબાઈલની ફ્લેશ લાઈટનો ઉપયોગ કરવો પડતો હોય છે. તિથલ બીચ પર સાંજે અંધારામાં કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા હાઈમસ્ટ લાઈટો મૂકવામાં આવે તેવી સ્થાનિકો અને સહેલાણીઓની માંગણી છે.

વલસાડ એસટી ડેપોમાં એલઈડી સ્ક્રીન બંધ
વલસાડ એસટી ડેપોમાં મુસાફરોની સુવિધા માટે જે તે સમયે એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી હતી. જેમાં બસ ક્યાં જવાની છે તેની માહિતી મુસાફરોને મળી રહે. જો કે, છેલ્લા કેટલાક સમયથી આ એલઈડી સ્ક્રીનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાવાને અથવા અન્ય કોઈ કારણસર બંધ અવસ્થામાં જોવા મળી રહી છે. અહીં આવનારા અનેક મુસાફરો અટવાઈ રહ્યા છે તથા બસની જાણકારી માટે ઈન્કવાયરી બારી પાસે જવાની નોબત આવી રહી છે. વલસાડ એસટી ડેપોમાં એલઈડી સ્ક્રીન ચાલુ કરવામાં આવે તેવી માગ મુસાફરો કરી રહ્યા છે.

Most Popular

To Top